Sitanshu Yashaschandra Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સિતાંશુ યશશ્ચંદ્ર

કવિ, નાટ્યલેખક, વિવેચક અને અનુવાદક, ગુજરાતી સાહિત્યમાં સર્‌રિયાલિઝમના પ્રણેતા.

  • favroite
  • share

સિતાંશુ યશશ્ચંદ્રનો પરિચય

  • મૂળ નામ - સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા
  • જન્મ -
    19 ઑગસ્ટ 1941

તેમનો જન્મ 19 ઑગસ્ટ, 1941ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં. વતન પેટલાદ. તેમણે શિક્ષણ વડોદરા અને મુંબઈમાંથી લીધું. મુંબઈની સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી–સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને એ જ વિષયોમાં 1965માં એમ.એ.ની પદવી મેળવી. 1965થી 1968 સુધી ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે સેવાઓ આપી. 1968માં ફુલબ્રાઇટ સ્કૉલરશિપ સાથે અમેરિકા જઈ 1970માં સૌંદર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્યમાં એમ.એ.ની ઉપાધિ મેળવી. ડૉ. ન્યૂટન પી. સ્ટોલનેસ્ટના માર્ગદર્શન હેઠળ ‘નાટ્યાચાર્ય ભરતની અને ફિલસૂફ કાન્ટની પરંપરામાં કલાસ્વરૂપનો વિભાવ’ એ વિષય પર 1975માં પીએચ.ડી.નો મહાનિબંધ લખ્યો. 1977માં રામપ્રસાદ બક્ષીના માર્ગદર્શન નીચે ‘રમણીયતાનો વાઙ્વિકલ્પ’ વિષય પર મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા. તેઓ ભારત પાછા ફર્યા તે પૂર્વે એક વર્ષ ફ્રાંસમાં નિવાસ કર્યો અને ફોર્ડ ફેલોશિપ હેઠળ ત્યાં આયનેસ્નાકૉ ‘મૅકબેથ’ નાટકને ગુજરાતીમાં ઉતાર્યું તથા શેક્સપિયરના ‘મૅકબેથ’ સાથે એનો તુલનાત્મક અભ્યાસ કર્યો. ભારત પાછા ફર્યા બાદ 1972-77 દરમિયાન મુંબઈની મીઠીબાઈ આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવાઓ આપી. 1983થી વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં પ્રાધ્યાપક. પ્રારંભનાં પાંચ વર્ષ અધ્યક્ષ પણ હતા; પછી 3 વર્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં કુલપતિ થયેલા. ‘એનસાઇકલોપીડિયા ઑફ ઇન્ડિયન લિટરેચર’ – દિલ્હીના ભૂતપૂર્વ સંપાદક, 2000-2001ના વર્ષ માટે ગુજરાતીના અધ્યાપક સંઘના અધ્યક્ષ રહ્યા. હાલ ‘ફાર્બસ ત્રૈમાસિક’ના સંપાદક.

ગુજરાતી કવિતામાં સર્‌રિયાલિઝમનું પ્રવર્તન સિતાંશુ યશશ્ચંદ્ર દ્વારા થાય છે. જોકે, પૂર્વે કિશોર જાદવની વાર્તામાં એક સ્થિત્યંતર જોવા મળે છે, પણ રીતસરનાં મંડાણ સિતાંશુ યશશ્ચંદ્ર થકી થાય છે.

‘ઑડિસ્યુસનું હલેસું’ (1974), ‘જટાયુ’ (1986), ‘વખાર’ (2009) નામના કાવ્યસંગ્રહો. ‘મોંએ-જો-દડો’ સિતાંશુની સર્‌રિયલ રચનાકૌશલની ઉલ્લેખનીય ઉપલબ્ધિ છે. ‘મૃત્યુ : એક સર્‌રિયલ અનુભવ’ અને ‘હોચી મિન્હ માટે એક ગુજરાતી કવિતા’માં કવિએ ભાષાનો વિશિષ્ટ પ્રયોગ કર્યો છે. ‘મૌન સરોવર છલક્યાં’ નોંધપાત્ર ગીત છે. ‘એક સર્‌રિયલ સફર’, ‘યમદૂત’, ‘દુકાળ’, ‘પોમ્પાઇ અર્થાત્ બોમ્બાઇ નગરમાં એક ખેલ યાને વહાણ નામે ભૂલ’, ‘મૃગજળ અને જળ’, ‘દા.ત., મુંબઈ’, ‘મગન અને ગાજર’ જેવાં કાવ્યો કવિની કાવ્યરચનાની વિશિષ્ટ પોતવાળી શૈલીનાં દ્યોતક છે. મગન પાત્રવિશેષ કાવ્યો નોંધનીય છે. ‘છબીલી રમતી છાનુંમાનું’ (1999), ‘કેમ મકનજી ક્યાં ચાલ્યા?’ (1999), ‘લેડી લાલકુંવર’ (1999), ‘એક સપનું બડુ શૈતાની’, ‘આ માણસ મદ્રાસી લાગે છે’ (1999), ‘તોખાર’ (1999), અને ‘ખગ્રાસ’ (1999) જેવાં નાટકો. ‘રંગ છે સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નાટક’ નામે સંપાદન.

‘સીમાંકન અને સીમોલ્લંઘન’, ‘રમણીયતાનો વાગ્-વિકલ્પ’, ‘અસ્યા: સર્ગ વિધૌ’ જેવાં વિવેચન પુસ્તક. 1987માં તેમના કાવ્યસંગ્રહ ‘જટાયુ’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર. 1987માં રણજિતરામ સુવર્ણચંદ્રક. 1997માં ‘કહો મકનજી ક્યાં ચાલ્યા?’ માટે નર્મદ સુવર્ણચંદ્રક, 2006માં તેમને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી ઉપરાંત રાષ્ટ્રીય કબીર સન્માન, ઇન્ડિયન નૅશન થિયેટર - ગુજરાત સમાચાર પુરસ્કાર, ગુજરાત રાજ્ય સરકાર કવિતા પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલા છે. ગૌરવ પુરસ્કારનો અસ્વીકાર, 2017માં કે.કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા કાવ્યસંગ્રહ ‘વખાર’ માટે સરસ્વતી સન્માન.