શૂન્ય પાલનપુરીનો પરિચય
- મૂળ નામ - અલી ખાન ઉસ્માન ખાન બલોચ
ગુજરાતી અને ઉર્દૂના ગઝલકાર. શૂન્ય પાલનપુરીનું મૂળ નામ અલીખાન ઉસ્માનખાન બલોચ હતું. તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના લીલાપુર ખાતે થયો હતો. તેઓ ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું, તેથી તેમનો ઉછેર પાલનપુરમાં તેમના મામાને ઘેર થયો હતો. બાળપણથી જ ઘરનો નિર્વાહ ચલાવવાના વિચારે તેમણે અલગ અલગ પરચૂરણ કામ કર્યાં. 1939માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારે તેઓ ઉર્દૂમાં ગઝલ લખતા હતા. તેઓ ‘રૂમાની’, ‘રમ્ઝ’, અને ‘અઝલ’ એવા તખલ્લુસોથી ગઝલ લખતા હતા. પાલનપુરના નવાબની લાગણીને માન આપીને, અને પાલનપુરના નામને રોશન કરવા માટે તેમણે ‘અઝલ પાલનપુરી’ નામ સાથે ઉર્દૂ ગઝલ લખવાનું શરૂ કર્યું.
તે પછી 1943-44માં તેઓ ઉચ્ચ શિક્ષણ લેવા માટે જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં દાખલ થયા. ત્યાં પાજોદના દરબાર ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી ‘રુસ્વા મઝલૂમી’ને મળ્યા અને ત્યાં તેમની મુલાકાત અમૃત ઘાયલ સાથે થઈ. ઘાયલે તેમને પોતાનું તખલ્લુસ ‘શૂન્ય’ રાખવાનું સૂચન કરતાં તેમણે ‘શૂન્ય પાલનપુરી’ નામથી ગુજરાતીમાં ગઝલ લખવાનું શરૂ કર્યું.
1945માં તેઓ પાલનપુરની શ્રી અમીરબાઈ મિડલ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા અને ત્યાં સત્તર વર્ષ કામ કર્યા પછી મુંબઈના દૈનિક ‘પ્રજાતંત્ર’માં જોડાયા. તે પછી 1962થી ‘મુંબઈ સમાચાર’ના તંત્રીવિભાગમાં જોડાયા.
1945-46માં ‘ઇન્સાન’, ‘બે ઘડી મોજ’, ‘કારવાં’, ‘વતન’ વગેરે સામયિકોમાં શૂન્ય પાલનપુરીના નામે ગઝલો પ્રગટ થવા માંડી અને તેમનો પ્રથમ ગુજરાતી મુશાયરો 1947માં સુરતમાં થયો હતો.
‘શૂન્યનું સર્જન’ (1952), ‘શૂન્યનું વિસર્જન’ (1956), ‘શૂન્યના અવશેષ’ (1964), ‘શૂન્યનું સ્મારક’ (1972) અને ‘શૂન્યની સ્મૃતિ’ (1983) – એ એમના ગઝલસંગ્રહો છે. તેમના અવસાન પછી ‘શૂન્યનો વૈભવ’ (1992) અને ‘શૂન્યની સૃષ્ટિ’ જેવા તેમના સમગ્ર ગઝલોના સંચયો પણ પ્રકાશિત થયા છે. તેમની ચૂંટેલી ગઝલોના સંગ્રહનું નામ ‘દરબાર શૂન્યનો’ (2006) છે. ‘અરૂઝ’ (1968)માં ગઝલના સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે. ઉર્દૂ છંદશાસ્ત્રનો એમનો અભ્યાસ ‘અરૂઝ’માં પ્રગટ થયો છે.
તેઓ અંગ્રેજીના પણ જાણકાર હતા. ફારસીના પિંગળશાસ્ત્રના તેઓ જ્ઞાતા હતા. તેમણે ઉમર ખય્યામ(ખૈયામ)ની રુબાઈઓનો ગુજરાતીમાં અનુવાદ 1973માં આપ્યો છે. ‘ખૈયામ’ એ નામે એ અનુવાદ-સંગ્રહ પ્રસિદ્ધ થયો છે. જીવનનાં છેલ્લાં વર્ષો તેમણે પાલનપુરમાં ગાળ્યાં હતાં.