Shekhadam Abuwala Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શેખાદમ આબુવાલા

ગુજરાતી કવિ, નવલકથાકાર, અને પત્રકાર

  • favroite
  • share

શેખાદમ આબુવાલાનો પરિચય

તેમનું આખું નામ શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા હતું. તેમનો જન્મ દાઉદી વહોરા પરિવારમાં થયો હતો. તેમણે અમદાવાદની સેંટ ઝેવિયર્સ તેમ જ ટ્યૂટોરિયલ હાઈસ્કૂલમાં મૅટ્રિક સુધી અભ્યાસ કર્યા બાદ ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી સાથે બી.એ. (ઑનર્સ) થઈ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી–હિન્દી સાથે એમ.એ. પાસ થયા હતા. જર્મનીમાં બૉન અને માઇન્ડ યુનિવર્સિટીમાં જર્મન સાહિત્ય અને ફિલસૂફીનો અભ્યાસ પણ કર્યો હતો. ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, ફારસી, અંગ્રેજી, જર્મન, અને ગ્રીક જેવી અનેક ભાષાઓ પર કાબૂ ધરાવતા હતા.

શરૂઆતમાં અમદાવાદની અંજુમને ઇસ્લામ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે થોડો સમય કામ કર્યા બાદ ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે સેવા પણ આપી હતી. તે પછી જર્મની ગયા અને પશ્ચિમના આ સંસર્ગે તેમને આખા વિશ્વનો પ્રવાસ કરાવ્યો. અંતે જર્મનીમાં જ ઠરીઠામ થયા. જર્મન આકાશવાણી ડોઈચે વેલે (Voice of Germany)માં હિન્દી વિભાગની તેમણે શરૂઆત કરી હતી. જીવનનાં વીસેક વર્ષ (1956થી 1974) તેમણે જર્મનીમાં વિતાવ્યાં હતાં પણ ઉંમરલાયક માતા માટે તેઓ પાછા આવી ગયા હતા.

તેઓ શાળામાં ભણતા હતા ત્યારથી તેમણે કાવ્યો લખવાની શરૂઆત કરી હતી. છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે ‘સંસ્કૃતિ’ના ત્રીજા જ અંકમાં તેમનાં ત્રણ કાવ્ય પ્રગટ થયાં અને તેથી તેમની કાવ્યસર્જનની પ્રક્રિયાને વેગ અને પ્રોત્સાહન મળ્યાં.

તેમની પાસેથી ‘ચાંદની’ (1953), ‘અજંપો’ (1959), ‘સોનેરી લટ’ (1959), ‘ખુરસી અને બીજાં કાવ્યો’ (1972), ‘તાજમહાલ’, ‘હવાની હવેલી’ (1978), ‘સનમ’, ‘ઘિરતે બાદલ, ખુલતે બાદલ’, ‘અપને ઇક ખ્વાબ કો દફનાકે અભી આયા હૂં’, ‘ગઝલેં-1’, ‘ગઝલેં-2’ એમ લગભગ ચૌદ જેટલા કાવ્ય-ગઝલસંગ્રહો મળે છે.

વિદેશમાં તેમના પ્રવાસની કથાઓ તેમણે ‘હું એક ભટકતો શાયર છું’ (1972)માં આલેખી છે. તેઓ જર્મનીમાં હતા ત્યારે ત્યાંથી ‘ગુજરાત સમાચાર’ અને ‘ઊર્મિ-નવરચના’માં કૉલમ લખતા. જર્મની છોડીને અમદાવાદમાં સ્થાયી થઈને તેમણે અખબારો માટે હળવી–ગંભીર શૈલીમાં લેખો, મુલાકાતો, અવલોકનો, વ્યક્તિચિત્રો, વગેરે લખવા માંડેલાં, જે લગભગ જીવનના અંત સુધી ચાલુ હતાં. આ ઉપરાંત, તેમણે છાપાં માટે ધારાવાહી નવલકથાઓ પણ લખી હતી : ‘તમન્નાના તમાશા’ (1976), ‘તું એક ગુલાબી સપનું છે’ (1976), ‘ચાલું છું, મંઝિલ નથી’, ‘આયનામાં કોણ છે?’ (1977), ‘નીંદર સાચી, સપનાં જૂઠાં’ (1976), ‘રેશમી ઉજાગરા’ (1979), ‘ફૂલ બનીને આવજો’ (1980), ‘જિંદગી હસતી રહી’. ‘તું એક ગુલાબી સપનું છે’ નવલકથા માટે તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયેલું.

મૂળ જર્મન ભાષામાંથી તેમણે ‘શ્રેષ્ઠ જર્મન વાર્તાઓ’ ગુજરાતીમાં અનુવાદિત પણ કરી હતી. તેમના અવસાન બાદ, તેમનાં કાવ્યોમાંથી ચૂંટીને ડૉ. ચિનુ મોદીએ ‘આદમથી શેખાદમ સુધી’ નામે એક કાવ્યસંગ્રહ સંપાદિત કર્યો છે, અને તેમના લેખોમાંથી પસંદ કરીને ‘સારા જહાં હમારા’ નામે એક સંપાદન વિનોદ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ‘તસવીર દિખાતા હૂં’ (મુલાકાતો), ‘માનવી ને આ જગત’ (પ્રસંગો), – ‘જમાલપુરથી જર્મની’ (પ્રસંગો) અને ‘આદમની આડવાત’ (વિવિધ વૃત્તપત્રોમાં લખાયેલા પ્રસંગો) – આ ચાર પુસ્તકો જયન્ત પરમારે સંપાદિત કરેલાં જે 1999માં પ્રકટ થયાં હતાં. તેમનાં લખેલાં ગીતો અનેક ગુજરાતી–હિન્દી ફિલ્મોમાં પ્રસારિત થયેલાં છે, વળી, પંકજ ઉધાસ જેવા અનેક ગાયકોના કંઠે તેમનાં રચેલાં ગીતો ગવાયાં છે.

(તસવીર સૌજન્ય: જગન મહેતા)