Shayada Profile & Biography | RekhtaGujarati

શયદા

'ગઝલસમ્રાટ' તરીકે ખ્યાત કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. ગુજરાતી ગઝલને ગુજરાતીપણું પ્રદાન કરવામાં તેમનું મહત્ત્વનું યોગદાન છે.

  • favroite
  • share

શયદાનો પરિચય

ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને નાટ્યકાર હતા. તેમણે ગુજરાતી ગઝલને ઉર્દૂના પ્રભાવમાંથી મુક્ત કરીને સંપૂર્ણપણે ગુજરાતી બનાવી હતી તેથી તેઓ ‘ગઝલ સમ્રાટ’ તરીકે ઓળખાય છે. ગુજરાતી સાહિત્યરસિકોમાં તેઓ ‘શયદા’ ઉપનામથી વધુ ઓળખાય છે. ‘શયદા’નો અર્થ થાય છે ‘પ્રેમમાં પાગલ’.

તેમનો જન્મ 24 ઑક્ટોબર, 1892માં ધંધૂકા નજીકના પીપળી ગામમાં થયો હતો. તેમણે માત્ર ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ઈ.સ. 1912માં પ્રથમ વખત તેમની કવિતા ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થઈ હતી. ત્યાર બાદ, તેમણે ગઝલો, નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, અને નાટકો લખવાનું શરૂ કર્યું. તેઓ ‘બે ઘડી મોજ’ (1924)ના સ્થાપક તંત્રી હતા. આ સામયિક દ્વારા અસલી ગુજરાતી ગઝલનો યુગ આરંભાય છે. વળી પાંચમા-છઠ્ઠા દાયકામાં ચાલેલા ‘ગઝલ’ નામના સામયિકના તેઓ સહસંપાદક હતા.

‘જય ભારતી’ (1922), ‘ગુલઝારે-શાયરી-શયદા’ (1961), ‘દીપકનાં ફૂલ’ (1965), ‘ચિતા’ (1968), તથા ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ (1999) એ તેમના કાવ્ય-ગઝલરચનાઓના ગ્રંથો છે. ભાષાની સાદગી અને વિચારની તાજગી એમની ગઝલોનો મુખ્ય વિશેષ છે.

‘મા તે મા’ (ભાગ 1–2), ‘અમીના’, ‘છેલ્લી રોશની’ (ભા. 1–2), ‘બહાદુરશાહ ઝફર’ (ભા. 1–2), ‘આઝાદીની શમા’ (ભા. 1–2), ‘ખમ્મા ભાઈને’ (ભા. 1–2), ‘દુખિયારી’ (ભા. 1–2), ‘ચાંદની રાત’, ‘મુમતાઝ’, ‘સૌંદર્યપૂજા’, ‘નવો સંસાર’, ‘જમાનાની ઝલક’, ‘લયલા’, ‘ભરદરિયે’, ‘અંધારી રાત’ (ભા. 1–2), ‘સેંથીમાં સિંદૂર’ (ભા. 1–2), ‘અમાનત’ (ભા. 1–2), ‘સાબીરા’ (ભા. 1–2), ‘મોટી ભાભી’, ‘વણઝારી વાવ’, ‘વીરહાક’ (ભા. 1–2), ‘જ્યોતિ તોરણ’, ‘બેઠો બળવો’, ‘લક્ષ્મીનંદન’, ‘ડૉ. અનુપમ’, ‘શમશીરે અરબ’ (ભા. 1–2), ‘પુનિત ગંગા’, ‘લાખેણી લાજ’ (ભા. 1–2), ‘જીવતા સૂર’, ‘નાની નણદી’, ‘આગ અને અજવાળાં’, ‘શાહજાદી કાશ્મીરા’, ‘રાજહંસ’ (ભા. 1–2), ‘સૂરસમાધિ’ (ભા. 1–2), ‘દેવ દુલારી’ (ભા. 1–2), ‘હમીદા’, ‘માયાનું મન’, ‘રાજેશ્વરી’, ‘રાજબા’, ‘અંધારી રાત’ (ભા. 1–2), ‘અનવરી’, ‘માસૂમા’, ‘દોશીઝા’ વગેરે એમની નવલકથાઓ છે. ઉપરાંત એમનાં ‘અમરજ્યોત’ (1956) નાટક તથા ‘સંસારનૌકા’, ‘કર્મપ્રભાવ’, ‘વસંતવીણા’, ‘કુમળી કળી’, ‘નારીહૃદય’, ‘પૂજારી’, અને ‘કોઈનું મીંઢળ કોઈના હાથે’ વગેરે રંગભૂમિ પર ભજવાયેલાં નાટકો છે. ‘પાંખડીઓ’ (1938), ‘અમીઝરણાં’, ‘કેરીની મોસમ અને બીજી વાતો’ તથા ‘સંસારની શોભા’ એમના વાર્તાસંગ્રહો છે.

શયદાના માનમાં મુંબઈ સ્થિત સંસ્થા INT આદિત્ય બિરલા સેંટર ફૉર પરફૉર્મિંગ આર્ટ્સ ઍન્ડ રિસર્ચ દ્વારા દર વર્ષે એક યુવાન ગુજરાતી ગઝલકારને ‘શયદા એવૉર્ડ’ આપવામાં આવે છે.