Shashishivam Profile & Biography | RekhtaGujarati

શશિશિવમ્

પ્રશિષ્ટ રીતિના કવિ અને વિવેચક

  • favroite
  • share

શશિશિવમ્નો પરિચય

ગુજરાતી ભાષાના જાણીતા કવિ અને વિવેચક ચંદ્રશંકર ભટ્ટનો જન્મ 17 ઑગસ્ટ, 1924ના રોજ લુણાવાડા ખાતે થયો હતો. 1947માં મૅટ્રિક. ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે 1951માં બી.એ. કર્યું. આજ વિષયો સાથે 1953માં એમ.એ.નો અભ્યાસ પૂર્ણ કરીને મુંબઈની ઇસ્માઇલ કૉલેજમાં 1953થી 1958 સુધી અધ્યાપન કાર્ય કર્યું. ત્યાર બાદ એક વર્ષ અમદાવાદની ગુજરાત કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. 1959થી 1962 સુધી મુંબઈની એલ્ફિસ્ટન કૉલેજ અને 1962થી 1984માં નિવૃત્ત થયા ત્યાં સુધી અમદાવાદની સી. યુ. શાહ કૉલેજમાં અધ્યાપક તરીકે રહ્યા. 26 મે, 1997ના રોજ તેમનું અવસાન થયું.

ચંદ્રશંકર ભટ્ટે કુલ છ કાવ્યસંગ્રહો આપ્યા છે. આ કાવ્યસંગ્રહોમાં ગીત, મુક્તકો, સૉનેટ અને લાંબી રચનાઓ છે. તેમનો પહેલો કાવ્યસંગ્રહ ‘નિર્મિતિ’ (1964) છે. જેમાં આત્મલક્ષી ઢબની કવિતાઓના વિષયો પ્રકૃતિ, પ્રેમ અને પ્રભુ છે. તેમણે ‘રૂપરોમાંચ’ (1977) અને ‘આનંદહેલી’ (1987) નામના કાવ્યસંગ્રહો આપ્યા છે. આ કવિની કવિતાઓમાં ગાંધીયુગની અસર છે સાથે સાથે નવું કરવાની વૃત્તિ પણ જોવા મળે છે. ‘દુદાજી કાગળ મોકલે’ (1988) કાવ્યસંગ્રહમાં ઉત્તમ પદ શૈલીઓ જોવા મળી છે. ‘જીવતરનો ઝોલો’ (1988) અને ‘શ્વાસનો શ્વાસ’ (1989) તેમના બીજા કાવ્યસંગ્રહ છે.

વિવેચક તરીકે ચંદ્રશંકર ભટ્ટનું કામ ઉત્તમ છે. તેમણે પોતાના વિવેચનલેખોમાં કવિઓની સંવેદનશીલતા અને વિષયોનું દૂરંદેશી મુલ્યાંકન કર્યું છે. ‘અલંકારદર્શન’ (1954), ‘ઊર્મિકવિતા’ (1974), ‘સંનિધિ’ (1976), ‘સમભાવ’ (1978), ‘મનમુદાનું કાવ્ય’ (1978), ‘ચંદનીએ ચીતર્યા સમીર’ (1980), ‘છંદ અને અલંકાર’ (1981) અને ‘સૉનેટ : સ્વરૂપ અને વિકાસ (1990) તેમનાં વિવેચન છે. તેમણે  ભાલણ, પ્રેમાનંદ, દલપતરામ, કાન્ત, બ. ક. ઠાકોર. રા. વિ.પાઠક, ન્હાનાલાલ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, સ્નેહરશ્મિ અને પ્રિયકાન્ત મણિયાર જેવા કવિઓના સર્જનની યોગ્ય ચર્ચા કરી છે. ‘સૉનેટ’ અને ઓછા જાણીતા ‘ઓડ’ જેવા કાવ્ય પ્રકારોનો પણ સુંદર અભ્યાસ રજૂ કર્યો છે.

ચંદ્રશંકર ભટ્ટે પોતાનું પહેલું સંપાદન ધીરુભાઈ ઠાકર અને ચિમનલાલ ત્રિવેદી સાથે મળીને ‘આપણાં ખંડકાવ્યો’ના નામે કર્યું. ઊર્મિકવિતાઓની અદ્ભૂત અને વિસ્તૃત ચર્ચા કરતા ગ્રંથ ‘ઊર્મિકવિતા’નું સંપાદન ૧૯૬૩માં ચિમનલાલ ત્રિવેદની સાથે મળીને કર્યું. પ્રેમાનંદ રચિત ‘કુંવરબાઈનું મામેરું’ (અન્ય સાથે, 1974) અને ‘સુદામાચરિત્ર’ (અન્ય સાથે, 1975) તેમના મધ્યકાલીન કૃતિઓના સંપાદનો છે. ‘કુવંરબાઈનું મામેરું’ વિસ્તૃત 40 પાનાનો લેખ છે જે પુસ્તિકારૂપે પ્રગટ થયો છે. પ્રેમાનંદ માત્ર આખ્યાનકાર નથી, પરંતુ કવિ છે તે વાતને ચંદ્રશકર ભટ્ટે સ્પષ્ટતાથી મૂકી છે. દલપતરામના નાટક ‘મિથ્યાભિમાન’ (1979)નું અને ‘આપણાં સૉનેટ’ (1981)નું સંપાદન તેમણે કર્યું છે.

લોન્જાઇનસના ‘ઓન ધ સબ્લાઇમ’નો અનુવાદ ચંદ્રશંકર ભટ્ટે ‘ઉદાત્તતત્ત્વ’(1971)ના નામે વિદ્યાર્થીઓ પણ માણી શકે તે રીતે કર્યો છે.