Shamal Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શામળ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જાણીતા પદ્યવાર્તાકાર

  • favroite
  • share
  • 1718-1765

શામળનો પરિચય

  • જન્મ -
    1718
  • અવસાન -
    1765

શામળના જન્મ કે મૃત્યુના વર્ષ વિશે કોઈ સુનિશ્ચિત હકીકતો પ્રાપ્ત થતી નથી, પરંતુ શામળે જ રચેલી રચનાઓમાંથી રચનાસાલ અને અન્ય વિગતોના આધારે તેમના જીવનકાળની કેટલીક હકીકત અનુમાનવામાં આવે છે. પ્રથમ કૃતિ ‘પદ્માવતીની વાર્તા’ અને અંતિમ ‘સુડાબહોતેરી’ પરથી 1718થી 1765 સુધીનો અડતાલીસ વર્ષનો કવનકાળ નિશ્ચિત રીતે સર્વસ્વીકૃતિ પામ્યો છે અને આ કવનકાળને આધારે શામળના અભ્યાસી વિદ્વાનો શામળનો જીવનકાળ લગભગ સરખો નિશ્ચિત કરે છે. શામળ ભટ્ટ તરીકે ઓળખાતા જેમાં ભટ કથાકાર બ્રાહ્મણના અર્થમાં છે, શામળની અટક મૂળત્વે ત્રવાડી હતી. તેમનો જન્મ વેગણપુર (હાલનું ગોમતીપુર) ખાતે વસેલા માળવા બાજુના શ્રીગોડ બ્રાહ્મણ વીરેશ્વર અને માતા આનંદીબાઈને ત્યાં થયો હતો. તેમને નાના ભટ્ટ નામક ગુરુ પાસેથી સંસ્કૃત, પુરાણો, અને પિંગળનું જ્ઞાન મળ્યું હોવાનું જણાય છે. તે શિવઉપાસક હતા. તેઓ પરંપરાગત કથાકાર પુરાણી અને ભવૈયાઓની સ્પર્ધાને કારણે આર્થિક સંકડામણ અનુભવતા હતા. આથી તેમણે તેમના પુરોગામીઓની કથાઓને નવા અર્થથી રજૂ કરવાની શરૂ કરી જેથી શ્રોતાઓનો રસ જળવાઈ રહે. બાદમાં તેઓ જમીનદાર રખીદાસની વિનંતી અને મદદથી સિંહુજ (હાલ મહેમદાવાદ પાસે) જઈ વસ્યા અને એમના આશ્રયે રહી વિપુલ પ્રમાણમાં રચનાઓ કરી. તેમનું મૃત્યુ 1765માં થયું હતું.

શામળના વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જનમાં મોટા ભાગનું સર્જન પદ્યવાર્તાઓનું છે. આ વાર્તાઓ સંસારરસની માનવકથાઓ છે. ‘નરનારીની ચાતુરી, નરનારીનાં ચરિત્ર’ એમની વાર્તાઓનો વર્ણ્યવિષય રહ્યો છે. ‘ચરિત્ર’ એટલે વર્તનવ્યવહાર. એમાં એમની પ્રકૃતિના ઉમદા અંશો તેમ જ કામ, લોભ, વેર, વગેરે માનવસહજ નબળાઈઓનું વાસ્તવદર્શી પરંતુ અતિરંજિત ચિત્રણ શામળે કુશળતાથી કર્યું છે. માનવેતર સૃષ્ટિ, ચમત્કારોથી એમાં અદ્‌ભુત રસ અને કલ્પનાનો વૈભવ પણ છે. એનું એક કારણ એ પણ છે કે એમની વાર્તાઓનું વસ્તુ સ્મૃતિસંચિત પરંપરાપ્રાપ્ત લોકવાર્તાઓનું છે; જે મોટા પ્રમાણમાં અદ્‌ભુતરસિક અને કાલ્પનિક હતું. વાર્તાઓમાં ઢગલાબંધ પ્રમાણમાં આવતી સમસ્યાઓ અને સુભાષિતોને લીધે નવલરામે શામળને ‘વાણિયાના કવિ’ તરીકે ઓળખાવ્યા છે.

તેણે સંસ્કૃત લોકકથાઓ અને પુરોગામી વાર્તાકારોની વાર્તાઓનો આધાર લઈ પોતાની વાર્તાઓ રચી છે. ‘સિંહાસનદ્વાત્રિંશિકા’, ‘વેતાલપંચવિંશતિં’, ‘શુકસપ્તતિ’, ‘ભોજપ્રબંધ’ જેવા સંસ્કૃત વાર્તા-ગ્રંથોનો તથા લોકોમાં પ્રચલિત અન્ય લોકકથાઓનો તેમ જ તે વસ્તુ પર રચાયેલી સંખ્યાબંધ જૈન-જૈનેતર વાર્તાઓનો ભરપૂર ઉપયોગ શામળે કર્યો છે. અલબત્ત, પુરોગામીઓની ટૂંકી રચનાઓને આ ચતુર અને બહુશ્રુત કવિએ પોતાની કવિત્વ શક્તિથી વધુ ખીલવી વિસ્તૃત કથાઓ આપી તમામ પુરોગામીઓને ઢાંકી દીધા છે. શામળે પરંપરાથી ચાલી આવતા વાર્તાઓના ભંડારમાંથી કથાનકો ઉપાડ્યાં છે અને પોતાની વાર્તાકળાનો ઉપયોગ કરી વાર્તાઓમાં તેને બંધબેસતાં કર્યાં છે. આ રીતે શામળે પરંપરાથી ચાલી આવતા વાર્તાસાહિત્ય પર પોતાની કલાની મહોર મારી દીધી છે.

શામળના સમગ્ર સાહિત્યને મુખ્યત્વે ચાર વિભાગમાં વર્ગીકૃત કરી શકાય એમ છે : (અ) ધર્મવિષયક કૃતિઓ : રામાયણના આધારિત 164થી 384 કડીમાં રચાયેલ, ધર્મકથાને લોકકથારૂપે નિર્માણ કરતી ‘અંગદવિષ્ટિ’ (1752), ‘અંગદવિષ્ટિ’ના અનુસંધાને આગળ ચાલતી છપ્પા, દુહા, ચોપાઈ, અને ઝૂલણાની કુલ 204 કડીની ‘રાવણ–મંદોદરી સંવાદ’, પુરાણકથા આધારિત દુહા, ચોપાઈ, છપ્પામાં નિબદ્ધ બાવીસ અધ્યાયમાં શિવમહિમા વર્ણવતી ‘શિવપુરાણ–બ્રહ્મોત્તરખંડ’ આદિ રચનાઓ. (બ) લોકમનોરંજક પદ્યવાર્તાઓ : શ્રીહઠના રાજપુત્ર ચંદ્રસેનના ચંદ્રાવતી અને અન્ય સ્ત્રી સાથેનાં પ્રેમ અને લગ્નની કથાને 747 કડીમાં આલેખતી ‘ચંદ્ર-ચંદ્રાવતી’ વાર્તા શામળની પ્રારંભિક રચના, ‘પુષ્પસેનની વાર્તા’ તરીકે પણ ઓળખાતી દુહા–ચોપાઈબદ્ધ 375 કડીની ‘પદ્માવતી’ (1718), વણિકપુત્ર મદન અને રાજકુંવરી મોહનાના પ્રેમ અને પરિણય કથાને આલેખતી ‘મદનમોહના’, નંદરાજા, પ્રધાન વિલૌચન, અને પ્રધાનપત્ની પદ્મિનીની કથા 632 કડીમાં આલેખતી, 1729માં રચાયેલ ‘નંદબત્રીસી’, નર-નારીમાં કોણ ચડિયાતું એ વાદને કારણે થતા પ્રેમીઓના મિલનને આલેખતી 2,732 કડીની પ્રસ્તારી કૃતિ ‘બરાસકસ્તૂરી’, પૂર્વખ્યાત બત્રીસ કથાઓને મૌલિકતા અને આગવી કલ્પનાશક્તિને કામે લગાડીને વિશેષ રસિક બનાવતી ‘સિંહાસનબત્રીસી’ (1745), ‘સૂડાબહોતેરી’ (1765), વગેરે. (ક) છપ્પા. (ડ) પ્રકીર્ણ રચનાઓ : ‘ઉદ્યમકર્મ સંવાદ’, ‘પતઇ રાવળનો ગરબો’, ‘રણછોડજીના શલોકો’ (બોડાણા આખ્યાન), ‘અભરામકુલીના શલોકો’ અથવા ‘રુસ્તમ બહાદુરનો પવાડો’, ‘રખીદાસનું ચરિત્ર’. તો ‘સુંદર કામદારની વાર્તા’, ‘વિનેચટની વાર્તા’, ‘દ્રૌપદીવસ્ત્રહરણ’, ‘શુકદેવાખ્યાન’, ‘ભોજકથા’, ‘ગુલબંકાવલી’, ‘રેવાખંડ’, ‘વિશ્વેશ્વરાખ્યાન’, ‘શનીશ્વરાખ્યાન’ જેવી કૃતિઓ શામળના નામે નોંધાયેલી છે. પરંતુ આ કૃતિઓમાં કેટલીક કચાશ અને વિરોધાભાસ છે તે કારણે તથા ખાસ તો આવી કૃતિઓની હસ્તપ્રતો જ મળી નથી તે કારણે ઉપરોક્ત કૃતિઓ શામળકૃત હોવા વિશે શંકા છે. અન્ય કોઈએ કૃતિ રચી લોકપ્રિય વાર્તાકાર શામળના નામે એ કૃતિઓ ચડાવી દીધી હોય તેવી સંભાવના છે.