સૌમ્ય જોશીનો જન્મ 3 જુલાઈ 1973ના રોજ અમદાવાદમાં જયંતભાઈ અને નીલાબહેનને ત્યાં થયો. 1990માં તેમણે વિજયનગર હાઇસ્કૂલમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, 1993માં એચ.કે. આર્ટસ કૉલેજ, અમદાવાદમાંથી બી.એ., 1995માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાંથી અંગ્રેજી સાહિત્ય વિષય સાથે એમ.એ., એ જ વર્ષથી એચ.કે. આર્ટસ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યના પ્રાધ્યાપક, 2010માં અન્ય યુવાનો સાથે રહી ફેડ-ઇન થિયેટરની સ્થાપના અને 2011માં અધ્યાપનકાર્ય છોડી નાટ્યજગત સાથે સંકળાયા.
તેમની પાસેથી તેત્રીસ કાવ્યોનો ‘ગ્રીનરૂમમાં’ (2008) નામક એકમાત્ર કાવ્યસંગ્રહ ઉપરાંત ‘રમી લો ને યાર!’, ‘દોસ્ત ચોક્કસ અહીં એક નગર વસતું હતું’, ‘આઠમા તારાનું આકાશ’, ‘વેલકમ જિંદગી’, ‘102 નોટઆઉટ’, ‘મુંઝારો’, ‘મહાત્મા બૉમ્બ’, ‘તું તું તું તું તું તારા’, ‘ધારો કે તમે મનજી છો’, ‘આજ જાને કી ઝીદ ના કરો...’, ‘પાડાની પોળ’ આદિ નાટક, જેમાંનાં ઘણાં નાટક ભજવાયાં છે અને ‘102 નોટઆઉટ’ નાટકનું એ જ શીર્ષકથી ઉમેશ શુક્લાના દિગ્દર્શન હેઠળ હિન્દી ચલચિત્રરૂપે રૂપાંતરણ થયું છે. તેમણે 'ફાડુ' નામે વેબસિરીઝ ઉપરાંત ફિલ્મ માટે ગીતો પણ લખ્યાં છે.
તેમને યુવા ગૌરવ પુરસ્કાર (2007), તખ્તસિંહ પરમાર પારિતોષિક (2008-09), ચં. ચી. મહેતા પુરસ્કાર, રાવજી પટેલ ઍવૉર્ડ, બળવંતરાય ઠાકોર ઍવૉર્ડ અને સદ્ભાવના ઍવૉર્ડ (2014) વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા છે.