Saroop Dhruv Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સરુપ ધ્રુવ

જાણીતા પ્રગતિશીલ સર્જક

  • favroite
  • share

સરુપ ધ્રુવનો પરિચય

કવિયત્રી, નાટ્યલેખિકા, સંશોધક-સંપાદક, અનુવાદક અને દિગ્દર્શક

૧૯ જૂન, ૧૯૪૮માં અમદાવાદમાં જન્મ, ૧૯૬૯માં અમદાવાદની સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે બી.એ., ૧૯૭૧માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાંથી એમ.એ.,  ૧૯૭૬માં મોહનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ “મોટીફનો અભ્યાસ અને કેટલીક પસંદ કરેલી ગુજરાતી લોકકથાઓમાં તેની તપાસ” વિષય પર ગુજરાત વિદ્યાપીઠમાંથી પીએચ.ડી.ની પદવી, ત્રણ દાયકા (૧૯૭૪-૨૦૦૪) સુધી સૅન્ટ ઝેવિયર્સ એજ્યુકેશન સેન્ટરમાં ગુજરાતી ભાષાનાં શિક્ષિકા તેમજ ગુજરાતી સાહિત્યકોશના સંદર્ભસહાયક, સરૂપ ધ્રુવ હોટલ પોએટ્રી, આકંઠ સાબરમતીમાં સક્રિય સર્જક, સામાજિક પરિવર્તન લાવવાના ઉદ્દેશથી કાર્યરત બે જૂથોમાં — સાંસ્કૃતિક જૂથ ‘સંવેદન સંસ્કૃત મંચ’ અને મીડિયા જૂથ ‘દર્શન’ના સ્થાપક સભ્ય, મહિલા લેખકોને તક પ્રદાન કરતી ‘કલમ’ના નામની સંસ્થાના સ્થાપક - એમ બહુવિધ ક્ષેત્રમાં પ્રદાન કર્યું છે. 

તેમની પાસેથી  ‘મારા હાથની વાત’ (૧૯૮૨), ‘સળગતી હવાઓ’ (૧૯૯૫), ‘હસ્તક્ષેપ’ (૨૦૦૩) અને ‘સહિયારા સૂરજની ખોજમાં’ (૨૦૦૩)  આદિ કાવ્યસંગ્રહો પ્રાપ્ત થયા છે. વાસ્તવિક ઘટનાઓને સ્રોત બનાવી, આગવા સત્યનાં પરિમાણોને ઇંગિત કરનારી વાર્તાઓ ‘ઉમ્મીદ’ નામે વાર્તાસંગ્રહરૂપે ૨૦૦૭માં મળે છે. જનસાધારણને સ્પર્શતી ઘટનાઓ, પ્રશ્નો, સંવેદનાઓ જે રીતે કાવ્યમાં તેમ એમનાં નાટકોમાં મુખરિત થયાં છે: ભોપાલ ગૅસ કાણ્ડ, ભૂકંપ, સ્ત્રી અત્યાચાર, કોમી રમખાણથી વૈશ્વિકરણ સુધીના વિષયો લઈ તેમણે તખ્તાલાયક લોકભોગ્ય નાટકો લખ્યાં છે. આકાશવાણી અને દૂરદર્શન અને સિનેમા માટે લેખનકાર્ય કર્યું છે.

તેમણે ‘સાબરમતી પૂછે છે’ (૧૯૮૬), ‘કાળમુખો અંધકાર ભેદવા’ ભાગ ૧ થી ૪ (૨૦૦૩), ‘હીરનો હિંચકો : ભાલબારની દલિત મહિલાઓ દ્વારા ગવાતા ગીતો’ (૨૦૦૧) એમ કેટલાક સંશોધન કાર્યોનું સંપાદન અને પ્રકાશન કર્યું છે. તેમની કવિતાઓનો અંગ્રેજી અનુવાદ ‘ઇન ધેઇર ઓન વોઇસ’ (૧૯૯૦), ‘વુમન રાઇટીંગ ઇન ઇન્ડિયા’ (૧૯૯૫) નામે પ્રકાશિત થયા છે. તે ઉપરાંત ‘આધુનિક ગુજરાતી કાવ્યસંગ્રહ : એક પસંદગી’ નામનું તેમનું પુસ્તક ૧૯૯૮માં પ્રકાશિત થયું છે

તેમના સર્જનને બિરદાવવા એનાયત થયેલા પુરસ્કારોમાં —  ‘મારા હાથની વાત’ (૧૯૮૨) કાવ્યસંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનો તખ્તસિંહજી પરમાર પારિતોષિક, ૧૯૯૬માં મહેન્દ્ર ભગત ઍવૉર્ડ, હ્યુમન રાઇટ્સ વોચ દ્વારા ગુજરાતમાં રાજ્ય સેન્સરશીપ અને તેના સામાજિક કાર્યોનો પ્રતિકાર કરવા બદલ તેમને ૨૦૦૮નો હેલમેન/હેમેટ ઍવૉર્ડ આદિનો સમાવેશ થાય છે.