સંત કરુણાસાગરનું મૂળ નામ કુબેરદાસ હતું. તેમના જન્મ વિષે કહેવાય છે કે, તેમનો જન્મ ખેડા જિલ્લાના સારસા ગામથી સાત માઈલ દૂર ‘સેર’ નામના તળાવ પાસે જંગલમાં થયો હતો. સિસોદિયા ક્ષત્રિય વંશનીકોઈ વ્યક્તિએ તેમનેપોતાના ઘરે લાવી તેમનો ઉછેર કર્યો હતો. તે બચપણથી જ ચેતન પ્રકૃતિના અને અધ્યાત્મની દિશામાં વળેલા હતા. તેઓ સારસા ગામમાં જ્ઞાન-સંપ્રદાયની સ્થાપના કરી જ્ઞાનોપદેશનું કાર્ય કરતા હતા. એ સંપ્રદાયની સ્થાપના કરી તેમણે સગુણ અને નિર્ગુણની હદ-બેહદથી પર અનહદ બ્રહ્મનું પ્રતિપાદન કર્યું હતું. આ સંપ્રદાયનો વિશ્વાસ છે કે વિશ્વનો સર્જનહાર કેવલ બ્રહ્મ છે. તેમના શિષ્યોમાં સ્ત્રી અને પુરુષ બંનેનો સમાવેશ થાય છે. સારસા ગામના અચરજબા પાઠક તેમનાં પરમ વિદુષી શિષ્યા હતાં. તેમણે અચરજ સાગર નામના પ્રબંધ-ગ્રંથની હિન્દીમાં રચના કરી છે. તેમના અન્ય શિષ્યોમાં નારાયણદાસ મુખ્ય છે. એ સિવાય તેમનાનેમીદાસ અને સુખાનંદ પણ ઉલ્લેખનીય શિષ્યો છે. સંત કરુણાસાગરે સ્વાનુભવયુક્ત આધ્યાત્મિક જ્ઞાન સભર કુલ 18 પ્રબંધ ગ્રંથોની રચના કરી છે. તેમણે તેમની રચનાઓમાં સંપ્રદાયના અનુયાયીઓ માટે આચાર-નિયમ, નામજાપ માહાત્મ્ય, સત્સંગ, ગુરુસેવા વગેરે વિષયોનું નિરૂપણ કર્યું છે. તેમની આ રચનાઓમાં આધ્યાત્મિક સાધનાના સિદ્ધાંતો રહેલા છે. તેમણે ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓમાં લખ્યું છે. તેમની ભાષાશૈલી સારગર્ભિત, સરળ અને માર્મિક છે. તેમનું નિર્વાણ 105 વર્ષની વયે ઈ. સ. 1978માં થયું હતું.