ગુજરાતી મુશાયરાના અગ્રેસર ગઝલકાર. તેમનું મૂળનામ સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા હતું. તેમના વડવાઓ પાલનપુર નજીક આવેલા ખારા ગામમાંથી ગધેડાની પીઠ પર મીઠું લાદીને વેચવા આવતા હતા તેથી તેઓ ખારાવાલા નામે ઓળખાયા.
તેમનું પ્રાથમિક શિક્ષણ ઉર્દૂમાં થયું હતું. ત્યાર બાદ મુંબઈ જઈ મૅટ્રિક થયા હતા, અને મુંબઈની જ સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ફારસી અને ગુજરાતી વિષયો સાથે બી.એ.ની પદવી હાંસિલ કરી હતી. કૉલેજકાળથી જ તેમને શાયરીનો શોખ જાગ્યો હતો, તેને કારણે તેમણે આગળનો એલ.એલ.બી.નો અભ્યાસ પણ પડતો મૂક્યો હતો.
શૂન્ય પાલનપુરીએ પોતાની દોસ્તીના નાતે તેમને તખલ્લુસ સાથે ‘પાલનપુરી’ લગાવી આપ્યું હતું. શયદાના સહવાસથી તેઓ ગઝલકાર બન્યા હોવાથી તેઓ શયદાને પોતાના ગુરુ માનતા હતા. શયદા ‘બે ઘડી મોજ’ નામનું લોકપ્રિય અઠવાડિક ચલાવતા હતા, જેમાં તેમણે સૈફ પાલનપુરીને ‘બઝમ એ શાયરી’ નામની કૉલમ લખવા આપી હતી.
‘ઝરૂખો’ (1968), ‘હીંચકો’ (1971), ‘એ જ ઝરૂખો એ જ હીંચકો’, એમ ત્રણ ગઝલસંગ્રહો તેમની પાસેથી મળે છે. આ ઉપરાંત મરીઝ સાથે તેમણે ‘બગીચો’ સંપાદન પણ કર્યું હતું.