પરબ વાવડીની પરંપરાનાં સંત. સમય ઈ. સ. 18મી સદી અંતભાગથી 19મી સદી પૂર્વાર્ધ. શાર્દુલ પીરનાં શિષ્ય. તે સીદી પરિવારમાંથી હતાં. બાળપણથી જ પરબની જગ્યામાં રહી સેવા કરતાં હતાં. પરબની સૌથી પહેલી ઝૂંપડી (જગ્યા) ધોરાજી (જિ. રાજકોટ) મુકામે શાર્દુલ પીરના આદેશથી તેમણે સ્થાપી હતી અને સમાજમાં લોકસેવા અને ઉપદેશનું કામ કર્યું હતું. તેમણે પરબ વાવડી(જિ. જૂનાગઢ)માં સમાધિ લીધી હતી. તે પછી ધોરાજીની જગ્યા નારી સંત હૂરબાઈએ સંભાળી હતી. અધ્યાત્મ અને નીતિબોધનાં ભજનો તેમના નામે પ્રાપ્ત થાય છે.