Sagar Profile & Biography | RekhtaGujarati

સાગર

કવિ અને સંપાદક

  • favroite
  • share

સાગરનો પરિચય

  • મૂળ નામ - જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી
  • જન્મ -
    07 ફેબ્રુઆરી 1883
  • અવસાન -
    17 ઑગસ્ટ 1936

તેમનો જન્મ 7 ફેબ્રુઆરી, 1883ના રોજ જંબુસર મુકામે પિતા દામોદરદાસ અને માતા રુક્મિણીબેનને ત્યાં થયો. તેમણે પ્રાથમિક ધોરણ સાત સુધીનો અભ્યાસ કર્યો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય તેમ જ કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન પણ કર્યું. બાળપણથી હરિ-રંગે રંગાયેલા તેઓ કલાપીના શિષ્ય બન્યા પછી તેઓ ‘સાગર’ ઉપનામથી ઓળખાયા. 1903માં પિતાના અવસાન સાથે જ વૈરાગ્યભાવ તેમનામાં પ્રગટતાં, 1906માં છોટાલાલ માસ્તર ‘વિશ્વવંદ્ય’ને મળ્યા. પણ સંપ્રદાય કે વર્ગથી અલિપ્ત રહી પોતાનો અધ્યાત્મમાર્ગ પોતે જ નક્કી કર્યો. ચિત્રાલ (તા. પાદરા, જિ. વડોદરા)માં ‘સાગરાશ્રમ’ સ્થાપ્યો અને પ્રભુભક્તિમય એકાન્ત જીવન ગાળી તેઓ આમરણ ત્યાં રહ્યા. 17 ઑગસ્ટ, 1936એ તેમનો દેહવિલય થયો.

બાલાશંકરથી પ્રારંભાયેલો ગુજરાતી કવિતાનો મસ્તરંગ છેલવહેલો સાગરમાં ઝળકી જાય છે. સાગરના સાહિત્યજીવનના બે કાળ પડે છે. પૂર્વકાળમાં તેઓ કલાપી અને ન્હાનાલાલ, વગેરેની કવિતાની અસર હેઠળ લેખન–ગઝલોનું સંપાદન કરે છે, પણ જીવનના ઉત્તરકાળમાં આધ્યાત્મિકતા તરફ વળી જતાં તે સમયનું કાવ્ય સૂફીવાદ, અદ્વૈતવાદ, વગેરેના મિશ્રણવાળી એક રીતની વિલક્ષણ છટા ધારણ કરે છે. મસ્તરંગની કવિતામાં સાગરની કવિતા પોતાનું અનુસંધાન સૂફીવાદની મસ્તી અને કબીર વગેરેની વાણી સાંધે છે, એ તેની ખાસ વિશેષતા છે. તેમનું ગુરુ કલાપીની અસર ઝીલતું ‘થાકેલું હૃદય’ (1909) સળંગ કથાકાવ્ય કેટલાક ગુણ-દોષોને બાદ કરતાં ઉત્તમ એવાં ગીતો ધરાવે છે. ‘દીવાને સાગર’ ભાગ 1 અને 2 (1916, 1936)નાં સાતસો પૃષ્ઠોમાં સાગરની અનેક કલાપીશાઈ રચનાઓ સમાવિષ્ટ છે. જેમાં ભાગ–2ની એકદમ ટૂંકી છતાં ચોટદાર ભજનરચનાઓમાં સાગરની એક સારા ભજનિક અને અનુભવી સંત તરીકેની ખરી શક્તિ પ્રગટે છે. સાગરની શક્તિ ભજનો, ધૂનો, અને ગઝલોમાં એકસરખી પ્રગટે છે, છતાં ગઝલોમાં તેમની લાક્ષણિકતા સૌથી વિશેષ છે. ‘કલાપી અને તેની કવિતા’ (1909), ‘ગુજરાતી સાહિત્યમાં ગઝલનું સ્થાન’ (1913) અને ‘સ્વીડનબૉર્ગનું ધર્મશિક્ષણ’ (1916), વગેરે તેમના ગ્રંથો છે. સાગરનું સૌથી મહત્ત્વનું કાર્ય ગુજરાતી ગઝલોનું સંપાદન છે. બાલાશંકરથી પ્રારંભ થયેલા આ ગઝલ કાવ્યપ્રકારનું તેની નબળીસબળી બંને બાજુ રજૂ કરતું 1913 સુધીનું સરવૈયું આપતા 64 જેટલા લેખકોની 245 જેટલી ગઝલો ‘ગઝલિસ્તાન’માં છે. તેમનાં અન્ય સંપાદનોમાં ‘સંતોની વાણી’ (1920), ‘કલાપીની પત્રધારા’ (1931), અને ‘કલાપીનો કેકારવ’ (1932), વગેરે ઉલ્લેખનીય છે. ઉપરાંત, 1912માં અખાજીની વાણીની અસર હેઠળ આવતા તેમણે ‘અક્ષયવાણી – અખાજીની અપ્રસિદ્ધ વાણી’ નામે સટીક સંપાદન અને કેટલાક મહાનુભાવો અને પરિવારના સભ્યોને લખેલા પત્રોનો મૂલ્યવાન સંચય ‘સાગરની પત્રરેષા અને વિચારણા’ આપ્યા. સાગરનાં કાવ્યોમાં સાહિત્યિક છટાઓ ઉપરાંત આ જે સંગીત ક્ષમતા, ધૂન, તથા સંતની બાની છે, તેનું કારણ એ છે કે તે માત્ર કાવ્યકાર જ નથી રહ્યા, પણ જીવનના ઉત્તરકાળમાં એક અચ્છા ભજનિક તથા સ્વાનુભવી સંત બનેલા. સાગર પછી આ રીતનો કોઈ સ્વાનુભવી કવિ ગુજરાતી કવિતામાં હજી લગી થયો નથી.