S. S. Rahi Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એસ. એસ. રાહી

ગુજરાતી ગઝલકાર, વિવેચક અને સંપાદક

  • favroite
  • share

એસ. એસ. રાહીનો પરિચય

  • મૂળ નામ - શફક્કત સૈફુદ્દીન વર્ધાવાલા
  • ઉપનામ - એસ. એસ. રાહી
  • જન્મ -
    28 ડિસેમ્બર 1952

ડૉ. એસ. એસ. રાહી તરીકે ખ્યાત શફક્કત સૈફુદ્દીન વર્ધાવાળાનો જન્મ પોતાના વતન એવા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 28 ડિસેમ્બર 1952ના રોજ થયો. તેમણે 1975માં બી.કોમ., 1977માં બી.એ., 1983 એમ.એ., 1991માં 'સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગઝલ' વિષય પર ડૉ. નરેશ વેદના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધા દ્વારા લેવાયેલ રાષ્ટ્રભાષા પ્રારંભિક પરીક્ષા તથા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તરફથી લેવાયેલ હિન્દી વિનીત પરીક્ષા પણ પાસ કરી. 1978થી 1981 સુધી કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવિટી કાઉન્સિલ રાજકોટમાં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ સેક્રેટરીની કામગીરી અને 1991થી 2002 સુધી રાજકોટ ખાતે ડી.ટી.પી.નો સ્વતંત્ર વ્યવસાય કર્યો. તેઓએ પત્રકારત્વ ક્ષેત્રે ‘લોકસત્તા જનસત્તા’, ‘લોકમાન્ય’, ‘જય હિન્દ’, ‘દિવ્ય ભાસ્કર’, ‘મુંબઈ સમાચાર’,  ‘સૌજન્ય માધુરી’, ‘ફૂલછાબ’ અને ‘ગુજરાત ટુડે’ની વિવિધ પૂર્તિઓમાં કલમ ચલાવી. તેમણે 1973-74માં 'કવિતા' ત્રિમાસિક, 1994માં 'ધબક' (ગઝલના ત્રિમાસિક, સહતંત્રી), 2001 -2002માં ‘શૈલી તથા લિપિ’ નામક કવિતાનું માસિક, વડોદરાના ગઝલ માસિક 'શહીદે ગઝલ'માં સંપાદક તરીકે તો બગસરાના માસિકપત્ર ‘આઝાદ તમન્ના' છેલ્લાં 15 વર્ષથી પરામર્શક તરીકે કાર્યરત રહી પત્રકાર તરીકેની સુદીર્ઘ કામગીરી સંભાળી. આકાશવાણી દ્વારા માન્યતા પ્રાપ્ત આ કવિએ આકાશવાણી અને દૂરદર્શનમાં અનેક કાર્યક્રમો તેમજ મુશાયરાનું સંચાલન અને પરિસંવાદોમાં વ્યાખ્યાન આપેલાં.

એમની પાસેથી ‘પરવાઝ’, ‘ઘટના’, ‘થાક’, ‘લૅન્ડસ્કેપ’, ‘હજુ અજવાસ છે કાળો’, ‘તલપ’, ‘ઘરોબો’, ‘પીડાનાં ગુલાબ’, ‘કશ્મકશ’ અને ‘માવજત’ જેવા કવિતાસંગ્રહ ઉપરાંત ‘શૂન્યલોક’, ‘ગઝલસંનિધિ’ જેવા અભ્યાસલેખોના સંગ્રહો, ‘અમર ગઝલો’(અન્ય સાથે), ‘અમર શે’ર’, ‘લયનાં ઝાંઝર વાગે’ (પ્રફુલ્લ પંડ્યાની સમગ્ર કવિતા), ‘અમે કરીશું પ્રેમ’, ‘રૂપ એક, રંગ અનેક’, ‘હૃદયની ગલીમાં’, ‘ગઝલલોક’, ‘ગઝલના મહેલમાં’, ‘ઝાકળની પ્યાલી’, ‘ગુજરાતી ભાષાના 50 ગઝલશિલ્પીઓ’ ‘જળને સરનામે’... આદિ સંપાદનના કુલ મળીને 37 ઉપર પુસ્તકો તેમજ વિવેચન, જીવન અને કવન, સાહિત્યિક મુલાકાતો   પ્રગટ થયાં છે.

તેમને તેમના પ્રદાન બદલ 1973માં સુરત ખાતેના છઠ્ઠા યુવક મહોત્સવમાં પાદપૂર્તિસ્પર્ધામાં તેમની ગઝલ માટે રાજ્ય સરકારનું પ્રથમ પારિતોષિક, 1975માં સંકલ્પ પરિવાર નડિયાદ દ્વારા આયોજિત કવિ કલાપી ગઝલસ્પર્ધામાં પ્રથમ પારિતોષિક, હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયા નડિયાદ દ્વારા 'લૅન્ડસ્કેપ' કાવ્યસંગ્રહને ઝવેરચંદ મેઘાણી ઍવૉર્ડ' (2001), ‘શહીદે ગઝલ’ દ્વારા સમગ્ર ગઝલ સેવા માટેનો 'શૂન્ય' પાલનપુરી ઍવૉર્ડ' (2012), ન્હાનાલાલ સાહિત્યસભા સુરેન્દ્રનગર દ્વારા 'કવીશ્વર દલપતરામ ઍવૉર્ડ' (2020) જેવાં સન્માન મળી ચૂક્યાં છે.