ગુજરાતમાં તેમનાં ભજનો પાઠાંતરે પ્રચલિત છે. મહાપંથના સાધનામાર્ગમાં તેમનું મહત્ત્વનું સ્થાન છે. જન્મ દૂધવા(રાજસ્થાન) ગામે રાજપૂત પરિવારમાં વિદરેજીને ત્યાં. તે રાવળ મલ્લિનાથ-માલદે (ઈ. સ. ૧૩૨૬-૧૩૯૯)નાં પત્ની હતાં. તેમણે ઊગમશી ભાટી પાસે દીક્ષા લીધી હતી. મહાપંથના ઇતિહાસમાં રૂપાંદે-માલદેનું નામ આદરભેર લેવાય છે. તેમની મૈત્રી ગુજરાતનાં જેસલ-તોરલ સાથે રહી હતી. સમાધિ ઈ. સ. ૧૩૯૯માં તલવાડા (માલાણી, રાજસ્થાન) મુકામે લૂણી નદીને કાંઠે. તેમણે નીતિબોધ દર્શાવતાં ભજનો આપ્યાં છે. ગુજરાતના લોકમાં તેમની નેકીટેકીનો ઉપદેશ આપતી અને ચેતનાના વિકાસનો સંદેશ આપતી રચનાઓ પ્રચલિત છે. જે મૂળ મારવાડી ભજનોનાં ગુજરાતી રૂપાંતરો છે.