Ravji Patel Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રાવજી પટેલ

આધુનિક યુગના નોંધપાત્ર કવિ, વાર્તાકાર અને નવલકથાકાર

  • favroite
  • share

રાવજી પટેલનો પરિચય

જન્મ ખેડા જિલ્લાના ભાટપુરમાં. વતન ડાકોર પાસેનું વલ્લવપુરા. પ્રાથમિક શિક્ષણ ડાકોરની સંસ્થાન શાળામાં. અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાંથી મૅટ્રિક અને નાણાકીય મુશ્કેલીઓને કારણે આર્ટ્સ કૉલેજમાં માત્ર બે વર્ષ સુધીનો અભ્યાસ. અમદાવાદની કાપડ મિલ, ગૂજરાત વિદ્યાપીઠના પુસ્તકાલય અને ‘કુમાર’ના કાર્યાલય એમ વિવિધ સ્થળે નોકરી. થોડો સમય ‘સંદેશ’, ‘ગુજરાત સમાચાર’ અને ‘રે’મઠ સાથે સંલગ્ન રહ્યા. ઝીંથરી અમીરગઢના તથા આણંદના ટી.બી. સૅનેટૉરિયમમાં ક્ષય ચિકિત્સાલયમાં સાતેક મહિના પથારીવશ રહ્યા પછી “પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા; ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ” ગુર્જરી સાહિત્યનો સુમધુર ટહુકો જે માત્ર 28 વર્ષ 9 માસની વયે નિઃશબ્દ થયો.

અલ્પજીવી આ દગ્ધ કૃષિકવિ–ગોપકવિ અલ્પ, બલકે સત્ત્વસભર પ્રદાન થકી સાહિત્યવિશ્વમાં ચિરંજીવ બની રહ્યા છે. આધુનિક ચેતનાના સંયોજનવાળી છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ અને દીર્ઘ રચનાઓને સમાવતો ‘અંગત’ (1971) નામે એકમાત્ર મરણોત્તર કાવ્યસંગ્રહ. ‘કુમાર’, ‘સંસ્કૃતિ’, ‘કવિલોક’ થકી રાવજી શબ્દ સાહિત્યસૃષ્ટિમાં દેખા દેવા લાગ્યો. અભાવો, જીવનની સંકડામણ, ગ્રામજીવન–સીમ–ખેતરનું આકર્ષણ, શહેરનો વસવાટ ને એની કૃતકતાઓ સામેના અભાવો, મૃત્યુની અનુભૂતિ અને જિજીવિષા, વૃત્તિજન્ય આવેગો અને પ્રેમોષ્મા માટેનો ઝુરાપો રાવજીની કવિતાના નોખા ને નરવા વિશેષો છે. ગુજરાતી કવિતાના કર્ણફૂલ સમું, લગ્નગીતના ઢાળમાં મૃત્યુને પોંખતું અમર ગીત ‘મારી આંખે કુંકુના સૂરજ આથમ્યા’ ઉપરાંત, ‘ઢોલિયે’, ‘સ્વ. હુંશીલાલની યાદમાં’ જેવી ઉત્તમ રચનાઓ આ સંગ્રહમાં સંગૃહીત છે.

ક્ષયગ્રસ્ત નાયકની રુગ્ણદશાને આલેખતી ‘અશ્રુઘર’ (1966), ડાયરી-શૈલીના ઢાંચામાં આલેખાયેલ કલ્પનામિશ્રિત આત્મકથા સમ ‘ઝંઝા’ (1967) ઉપરાંત, ‘વૃત્તિ અને વાર્તા’(1977)માં સંગ્રહાયેલ ‘વૃત્તિ’ નામે અધૂરી નવલકથા. ગ્રામ-પરિવેશ અને નગર-પરિસર બેઉને પીઠિકારૂપે આલેખતી ‘વૃત્તિ’ની ભાષાભિવ્યક્તિ આસ્વાદ્ય છે. તો ‘સગી’, ‘છબીલકાકાનો બીજો પગ’ તથા ‘ઘેટાં’ જેવી વાર્તાઓ ધ્યાનપાત્ર છે. ‘રાખ પણ બોલે છે’ નામે નાટક તથા મફત ઓઝા સંપાદિત પત્રો તેમના સર્જનમાં સમાવિષ્ટ પામે છે. જેમણે રાવજીની ઓળખ ‘દગ્ધ કૃષિકવિ’ તરીકે આપી એવા મિત્ર રઘુવીર ચૌધરીએ રાવજી પટેલના મૃત્યુ બાદ તેમની અપ્રકાશિત સાહિત્યસામગ્રી પ્રકાશિત કરી, તો મણિલાલ હ. પટેલે ‘મોલ ભરેલું ખેતર’ નામે રાવજીનું જીવનચરિત્ર લખ્યું છે.