ઈ.સ. ૧૭૫૩માં ભાણસાહેબ પાસે દીક્ષા લીધી. જન્મ વીસા શ્રીમાળી વણિક પરિવારમાં મંછારામ અને ઇચ્છાબાઈને ત્યાં તણછા (તા. આમોદ, જિ. ભરૂચ) ગામે. અવસાન ઈ. સ. ૧૯૦૪માં રતનદાસની જગ્યા-વાંકાનેર મુકામે. સમાધિ મોરારસાહેબના ખંભાલિડા (તા ધ્રોલ, જિ. જામનગર) ગામે. શિષ્યો: મોરા૨સાહેબ, ગંગસાહેબ, લાલસાહેબ, દયાળસાહેબ વગેરે ૧૯ જેટલા તેજસ્વી શિષ્યો. રામકબીર સંપ્રદાયનાં સાધના અને સિદ્ધાંતો પ્રમાણે શબ્દ-યોગ સાધના અને તત્ત્વજ્ઞાન વર્ણવતાં ભજનો તથા વૈરાગ્યજ્ઞાન, બોધ ઉપદેશ, ગુરુમહિમા અને ભક્તિ વર્ણવતાં ગુજરાતી, હિન્દી અને હિન્દી ગુજરાતી મિશ્ર ભાષામાં અનેક ભજનોની રચના તેમણે કરી છે. આધ્યાત્મિક અનુભૂતિના મર્મપૂર્ણ આલેખનમાં અને પ્રેમની મસ્તીમાં આ સંતકવિનાં અપાર શક્તિ-સામર્થ્ય પ્રગટ થયાં છે. તો ‘ભાણગીતા’, ‘મનઃસંયમ', ‘બારમાસી', ‘બોધ ચિંતામણિ', ‘રામગુંજાર ચિંતામણિ', ‘ખીમ રવિ પ્રશ્નોતરી', ‘સિદ્ધાંત-કક્કો', ‘ગુરુમહિમા', ઉપરાંત આરતી, કટારી, પદ, રેખતા, હોરી છપ્પા અને સાખી જેવા પ્રકારોમાં વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન એમણે કર્યું છે.