Ravindra Parekh Profile & Biography | RekhtaGujarati

રવીન્દ્ર પારેખ

ગુજરાતી કવિ, વાર્તાકાર, એકાંકીકાર, નાટકકાર, નવલકથાકાર, હાસ્યલેખક, વિવેચક, સંપાદક અને અનુવાદક

  • favroite
  • share
  • 1946

રવીન્દ્ર પારેખનો પરિચય

  • જન્મ -
    22 નવેમ્બર 1946

તેમનો જન્મ 21 નવેમ્બર 1946માં વલસાડ જિલ્લાના કલવાડામાં (હાલ , ગુજરાત) અંબાબેન અને મગનલાલ પારેખને ઘેર થયો હતો. મૂળે મરાઠી પણ હવે સંપૂર્ણ ગુજરાતી અને સુરતના રહેવાસી હોવાથી સુરતી પણ ખરા. સુરતમાં શિક્ષણ મેળવ્યું. 1969માં રસાયણ શાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્રમાં બી.એસ.સી., 1977 માં ગુજરાતી ભાષા અને માનસ શાસ્ત્રમાં વિનયન સ્નાતક અને ગુજરાતી અને હિન્દીમાં વિનયન અનુસ્નાતક, 1979માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી.ની પદવી, 1969 થી 1971 વિજ્ઞાન શિક્ષક તરીકે નોકરી, 1971 માર્ચથી 2001 સુધી યુનિયન બેક્ર ઓફ ઇન્ડિયામાં નોકરી અને આસિસ્ટન્ટ મેનેજર તરીકે સેવા આપી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. 2004માં ‘દિવ્ય ભાસ્કર’, સુરત એડિશન શરૂ થઈ એમાં ત્રણ વર્ષ ભાષાસલાહકાર, કોલમિસ્ટ તરીકે અને ‘ગુજરાતમિત્ર’માં 2007થી 2017 સહતંત્રી તરીકે ફરજ બજાવતા તંત્રીલેખો લખ્યા અને ઘણી કોલમો પણ લખી. હાલમાં ‘ધબકાર’, ’સંદેશ’ અને ‘ગુજરાત ટુડે’માં નિયમિત કોલમો લખી રહ્યા છે. ‘વાર્તાસૃષ્ટિ’, ‘પદ્ય’નું સંપાદનકાર્ય પણ સંભાળેલ. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ અને નર્મદ સાહિત્ય સભાના ઉપપ્રમુખ અને મંત્રી પણ રહી ચૂક્યા છે.

વર્ષ 1965માં પહેલી પ્રકાશિત રચના ‘ભૂતકથા સ્વપ્ન કે સત્ય? ‘અબીલગુલાલ’માં પ્રગટ થઈ હતી. વાર્તાલેખનની સાથે સાથે જ કવિતા લેખન પણ આરંભાયું. તેમની પાસેથી ‘હરિસંવાદ' (2002), ‘એ તો રવીન્દ્ર છે’ (2002), ‘સરળ’ (2007), ‘હરિવાર’, ‘આ તરફ કે તે તરફ’, ‘અરસપરસનું’, ‘વાસણ’, ‘હું મારા માં દરિયો રાખું’ અને ‘મને તું જોઈએ છે શ્વાસ માટે’ જેવા કાવ્યસંગ્રહ, ‘જળદુર્ગ’ (1984), ‘અતિક્રમ’ (1989), ‘ક્રોસવાયર’ અને ‘લટહુકમ’ (1998), ‘મનપ્રવેશ’ (2007) આદિ નવલકથા, ‘સ્વપ્નવટો’ (1986), ‘સંધિકાળ’ (1994), ‘પર્યાય’ (2002), ‘ટીંકુ અને પીંકુ’ (2010), ‘નિર્દેશ’, અને ‘જરાક’વગેરે વાર્તા સંગ્રહ, ‘1757’ (ઐતિહાસિક) ‘તર્પણ’ નામક નાટક અને ‘ઘર વગરનાં દ્વા2’ (1993) અને ‘હું તમારો હું છું’ (2002) વગેરે એકાંકીસંચયો, ‘હાસ્યપરિષદમાં જતાં' (2002) અને ‘પહેલું સુખ તે જાતે મર્યા’ (2009) અને ‘મોંઘવારીમાનું વ્રત’ નામક હાસ્યલેખસંગ્રહ, ‘અન્યોક્તિ’ (2001), ‘નિષ્પતિ’ (2003), ‘સંમિતિ’ (2006), ‘ચાલો, વાર્તા લખીએ' (2011) આદિ વિવેચન અને ‘ગુજરાતી નવલિકાચયન 1997’ (2000), ‘અક્ષર પગલે’ (2004), ‘હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે’ (2009), ‘શબ્દનું સાત ભવનું લેણું છે' (2009) અને ‘ગઝલ પાલખી’ (2009), ‘તત્ત્વ’ અને ‘કાવ્યમધુ’ વગેરે સંપાદન અને ‘ઉઠાઉગી2’ (1996), ‘તિરાડે ફૂટી કૂંપળ’ (2001), ‘દેશવિદેશ’ (2002) આદિ અનુવાદ પુસ્તક મળી આવે છે. આ ઉપરાંત નવ પુસ્તકો પ્રકાશિત થવામાં છે. આમ, કવિતા, ગઝલ, વાર્તા, નવલકથા, નાટક, હાસ્ય, વિવેચન, આસ્વાદ, અનુવાદ-રૂપાંતર, નાટ્ય/ફિલ્મ/સંગીત સમીક્ષા.... લગભગ તમામ સાહિત્યપ્રકારો તેમણે અજમાવ્યાં છે. 

તેમને અર્પણ થયેલા પુરસ્કારોમાં -  ‘કલા ગુર્જરી’ પ્રથમ પારિતોષિક (‘એ તો રવીન્દ્ર છે’ કાવ્યસંગ્રહને), ગુ.સા. અકાદમીનું દ્વિતીય પારિતોષિક (‘હરિસંવાદ’ અને ‘મને તું જોઈએ છે શ્વાસ માટે’ને), ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક, કલાગુર્જરી મુંબઈનું પ્રથમ પારિતોષિક અને નર્મદચંદ્રક એવોર્ડ (‘ઘર વગરનાં દ્વાર’ને), ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર (‘હું તમારો હું છું’ને), નંદશંકરચંદ્રક, ગુજરાતી સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક (‘મનપ્રવેશ’ને), સરોજ પાઠક મેમોરિયલ પારિતોષિક (‘પર્યાય’ને), ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક, ઉમાશંકર જોશી  પારિતોષિક તથા ‘સન્ધાન’નો ક્રિટિક એવોર્ડ (‘સ્વપ્નવટો’ને), જ્યોતીન્દ્ર દવે પારિતોષિક (‘પહેલું સુખ તે જાતે મર્યા’ને),  ગુજરાતી સાહિત્ય અકાદમીનું ત્રીજું પારિતોષિક (‘હાસ્યપરિષદમાં જતાં’ને) અને  ‘કિશનસિંહ ચાવડા એવોર્ડ’ (ચરિત્રલેખન માટે) ઉપરાંત ધનજી કાનજી સુવર્ણચંદ્રક વગેરે સમાવિષ્ટ પામે છે.