Rashid Meer Profile & Biography | RekhtaGujarati

રશીદ મીર

ગઝલકાર અને વિવેચક

  • favroite
  • share

રશીદ મીરનો પરિચય

રશીદ મીરનો જન્મ તા. 1 જૂન, 1950ના રોજ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના પડાલ ગામમાં પિતા કમાલુદ્દીન મીર અને માતા હલીમા મીરને ત્યાં થયો. 1968માં શારદા મંદિર હાઇસ્કૂલ, મેનપુરાથી એસ. એસ. સી., 1973માં બાલાસિનોરની આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાંથી બી.એ., 1975માં સી.બી. પટેલ આર્ટસ કૉલેજ, નડિયાદથી ગુજરાતી સાહિત્ય વિષય સાથે એમ.એ., 1980માં તેમણે એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ ઍજ્યુકેશનમાંથી બી.એડ. પૂર્ણ કર્યું. ‘ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા’ વિષય પર શોધનિબંધ લખી એમ. એસ. યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. વડોદરાની એમ.ઈ.એચ. ગર્લ્સ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી અને આગળ જતા એમ.ઈ.એસ. બૉયઝ ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે કાર્યરત્ રહ્યા. તેઓ ગુજરાતી ગઝલપત્રિકા ‘ધબક’ના સ્થાપક-સંપાદક પણ રહ્યા. ઉપરાંત મુસ્લિમ ઍજ્યુકેશનલ સોસાયટી, વડોદરાના વહીવટકર્તા તરીકે ફરજ બજાવી અને દર મંગળવારે ગુજરાત સમાચારમાં ‘ગુલછડી’ કટાર લખી. 11 મે, 2021ના રોજ વડોદરામાં તેઓ મૃત્યુ પામ્યા.

તેમની પાસેથી ‘ઠેસ’ (1985), ‘ચિત્કાર’ (198), ‘સાત સૂકાં પાંદડા’ (1993), ‘ખાલી હાથનો વૈભવ’ (1996), ‘અધખૂલાં દ્વાર’ (1999), ‘રૂબરૂ’ (2002) અને ‘લાપતાની શોધ’ (2010) આદિ ગઝલસંગ્રહ, ‘ગઝલનું શીલ અને સૌંદર્ય’ (1988), ‘ગઝલ્સ ફ્રૉમ ગુજરાતી’ (પસંદ કરેલી ગુજરાતી ગઝલોનો અંગ્રેજી અનુવાદ; 1996), ‘ગઝલ વિમર્શ’ (1998), ‘સુરાલય’ (2001), ‘દીવાન-એ-પતીલ’ (પતીલની અપ્રકાશિત કૃતિઓ; 2003), ‘ગુલછડી’ ભાગ 1 (2010) વગેરે સંકલન પુસ્તક અને ‘ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા’ (1990, પીએચ.ડી. શોધનિબંધ), ‘ગઝલનું પરિપ્રેક્ષ્ય’ (1995), ‘આપણા ગઝલસર્જકો’ (1996), ‘ગઝલ વિવક્ષા’ (2000), ‘ગઝલ વિલોકના’ (2001), ‘ગઝલલોક’ (2008), ‘જિગર મુરાદાબાદી’ (2002), ‘ફૈઝ અહમદ ફૈઝ’ (2005) અને ‘ગઝલ વંચના’ (2015) આદિ ગઝલ પરનાં વિવેચન પુસ્તક મળે છે.

તેમને ગુજરાતી ગઝલ કવિતામાં તેમના યોગદાન બદલ ધ ઇન્ડિયન નેશનલ થિયેટર, મુંબઈ દ્વારા શયદા પુરસ્કાર (2003) તેમજ ‘સાત સૂકાં પાંદડાં’ માટે શેખાદમ આબુવાલા ઍવૉર્ડ, ‘ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા' માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક તથા ‘ગઝલનું પરિપ્રેક્ષ્ય’ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક આદિ પુરસ્કાર પ્રાપ્ત થયા છે.