Ramnik Someshwar Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રમણીક સોમેશ્વર

કવિ, અનુવાદક, સંપાદક

  • favroite
  • share

રમણીક સોમેશ્વરનો પરિચય

રમણીક સોમેશ્વરનો જન્મ કચ્છ જિલ્લાના આડેસર ગામમાં 2 જાન્યુઆરી, 1951ના રોજ થયો હતો. તેઓ કચ્છના અંજાર શહેરના વતની છે. બેન્કમાં ઓફિસર તરીકે કાર્ય કરી નિવૃત્ત થઈને હાલમાં ભુજમાં રહે છે. તેઓ મુખ્યત્વે કવિ તરીકે જાણીતા છે.

અંજારમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, તોલાણી આર્ટ્સ કૉલેજ આદિપુર, કચ્છમાંથી 1972માં તત્ત્વજ્ઞાન વિષય સાથે સ્નાતક તથા ભુજમાંથી ગુજરાતી વિષય સાથે 1974માં અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો. કારકિર્દીના આરંભમાં રવાપર હાઈસ્કૂલમાં 1972માં શિક્ષક તરીકેની નિમણૂક પામ્યા પછી માનકૂવા હાઈસ્કૂલમાં અને 1975માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ગાંધીધામમાં જોડાયા. છેલ્લે અંજારમાંથી 2001માં બૅંક કર્મચારી તરીકે નિવૃત્ત થયા.

ગુજરાતી સાહિત્યમાં કવિ રમેશ પારેખની હરોળ પછીના કવિઓમાં કચ્છના રમણીક સોમેશ્વરનું નામ મુકાય છે. તેમની કવિતા અને ગીતોમાં પ્રકૃતિ તેમ જ માનવભાવોનું સુભગ આલેખન થયેલું જોવા મળે છે. નિજી સંવેદનને લઈને સર્જક આસ્વાદક કાવ્યો આપીને પોતાનો પ્રકૃતિ સાથેનો નાળસંબંધ છે તેને પ્રસ્તુત કરે છે.

આ સર્જકને કવિતા વિશ્વલોક લાગી છે. તેઓ કહે છે કે, “કવિતાના સતત સંસર્ગે મને એટલું સમજાયું કે ભાષાના સૂક્ષ્મતમ અનુરણનોને પામવાનું માધ્યમ છે”. તેઓ પોતાની રચનાપ્રક્રિયાની વાત કરતાં નોંધે છે કે, “કવિતા લખતાં લખતાં અંતરના ઊંડાણમાં જે અગોચર હતું તે કાગળ પર આવી જાય છે. પણ કોરા કાગળનો સામનો કરવો સરળ તો નથી જ, હા હા તો દરેક કવિનો અનુભવ હશે જ.”

તેમનાં મુખ્ય પ્રકાશનોમાં – ‘તમે ઉકેલો ભેદ’ (કાવ્યસંગ્રહ, ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ દ્વારા પ્રકાશિત, 1996) અને ‘શાહીનું ટીપું’ કાવ્યસંગ્રહ (2019) છે. ‘શાહીનું ટીપું’ કાવ્યનો આસ્વાદ કરતાં રાધેશ્યામ શર્માએ ‘સ્થિર શબ્દની શોધમાં સિસૃક્ષા’ એમ કહીને વધાવ્યું છે. તો સંગ્રહ ‘શાહીનું ટીપું’નું જેના પરથી શીર્ષક રાખવામાં આવ્યું છે, તે કાવ્યનું રસદર્શન લાભશંકર ઠાકરે કરાવ્યું છે. તેઓ કહે છે કે, “કવિ રમણીકે ટપાક ટીપાંની અનાયાસ ગતિમાન સર્જનની સિસૃક્ષા અને મનુષ્યના મનુષ્ય હોવાના સર્જન સાતત્યને લીલયા પ્રત્યક્ષ કર્યો છે.”

નિબંધકાર નર્મદથી લઈને પછી ગુજરાતી સાહિત્યમાં પ્રયોગશીલ સ્વરૂપોમાં નિબંધો સર્જાયા છે. પ્રાસાદિક, હળવા, અને હાસ્યનિબંધો પણ મળ્યા છે. કાવ્યસર્જનની જેમ જ રમણીક સોમેશ્વર નિબંધ લખતા પણ થયા, એનું પણ એમને વિસ્મય રહ્યું. રણ-મેરામણને કાંઠેથી કાવ્યરૂપ ગદ્ય (નિબંધો) સંગ્રહ ‘કરચલિયાળું તળાવ’ની રચનાઓ નિબંધોથી અધિક કાવ્યરૂપ ગદ્ય ગણવી લેખે લાગે. આ રચનાઓમાં સૃષ્ટિમાં સમાયેલ, પ્રકૃતિનું ગતિમય રૂપ ઝિલાયું છે. વિવિધ સમય અવસ્થાઓમાં એ બધું મનોરમ બની રહે છે. રમણીક સોમેશ્વર ઘડી વાર પણ ભૂલવા દેતા નથી કે આ નિબંધો સંવેદનશીલ કવિએ લખ્યા છે. નિબંધ લખતી વેળા એ કવિતામાં વિચારે છે, એમનું ગદ્ય અનેક જગ્યાએ કાવ્યપંક્તિ બની જાય છે, વિચારની સાથે સંવેદનોની ઝાંય ઝબકાવતું રહે છે, જાણે વિવિધરંગી સ્ફુલ્લિંગો ચારેબાજુ ઊડતા હોય. કશું જ બોલકું નહીં. બધા નિબંધોનો ધ્વનિ મૃદુ, સુંવાળો, સીધો અંદર ઊતરી જાય એવો. આ નિબંધોનું લઘુ હોવું ખરી ઓળખ નથી. એમાં સંચિત વ્યંજનામાં સાચું વિત્ત છુપાયેલું છે. નિબંધકારનું ધીરેથી બોલવું કાનથી નહીં, મનથી સાંભળવાનું છે.”

તેમના અનુવાદનાં પુસ્તકોમાં ‘ઝંઝાવાત વચ્ચે ફૂલ’ (ગીતાંજલિ ઘેઈનાં કાવ્યો અને ડાયરીના અંગ્રેજીમાંથી સંક્ષિપ્ત અનુવાદ, 1995), ‘જળગીત’ (એન. ગોપીના તેલુગુ દીર્ઘકાવ્યનો હિન્દી–અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદ, 2006), ‘સમયને સૂવા નહી દઉં’ (તેલુગુ કવિ એન. ગોપીનાં કાવ્યોનો હિન્દી પરથી ગુજરાતી અનુવાદ, કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પ્રકાશિત, 2010) આદિ સમાવિષ્ટ છે.

આ ઉપરાંત, સંપાદિત પુસ્તકોમાં ‘ગુજરાતી કવિતા ચયન – 2002’ (ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ દ્વારા પ્રકાશિત, 2004, ‘આનંદના આ-લોકમાં’ (રતિલાલ બોરીસાગરના પ્રતિનિધિ હાસ્યનિબંધો, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રકાશિત, 2012), ‘પત્ર-લાભ’ (લાભશંકર ઠાકરના પત્રો, રન્નાદે પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત, 2016), ‘શાંત તોમાર છંદ’ (રમેશ સંઘવી સાથે; ચિંતન, પ્રાર્થના, ભજન, ધૂન, અને પ્રેરક સામગ્રીનો સંચય) છે.

તેમના સાહિત્યને શ્રીમતી તારામતી વિશનજી ગાલા સાહિત્ય કલા પુરસ્કાર (કચ્છના સર્જકો /કલાકારો માટેનો પુરસ્કાર, 2005), ડૉ. જયંત ખત્રી–બકુલેશ ઍવૉર્ડ' (ગુજરાતી સાહિત્યસર્જન માટેનો પુરસ્કાર, 2008), ‘જળગીત’ પુસ્તક માટે સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા અનુવાદ પુરસ્કાર (2009), તો તાજેતરમાં જ તેમના કાવ્યસંગ્રહ ‘શાહીનું ટીપું’ને 2019નો ‘ઉમા–સ્નેહરશ્મિ’ પારિતોષિક પ્રાપ્ત થયું છે.

તેમનાં કેટલાંક કાવ્યોનો હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉડિયા, તેલુગુ, કચ્છી, આઈરીશ અને ફ્રેન્ચ ભાષાઓમાં અનુવાદ થયા છે. તેમની રચના માધ્યમિક કક્ષાએ અભ્યાસક્રમમાં પણ સામેલ થયેલી છે.