કવિ રમણિક અરાલવાળાનો જન્મ ખેડા જિલ્લાના ખેડાલ ગામે 6 સપ્ટેમ્બર, 1910ના રોજ થયો હતો. વતન હતું વાત્રક કાંઠાનું અરાલ ગામ. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને કારણે પિતાના ધીરધાર અને ખેતીના વ્યવસાયમાં જોડાયા. બાદમાં અમદાવાદમાં આવીને કાપડમિલમાં જૉબરની નોકરી પણ કરી. આ દરમિયાન કવિતાઓ લખી. જોકે માતાના અવસાન અને ‘કુમાર’ની બુધસભામાં સક્રિય થતા મળેલી પ્રેરણાને કારણે 7 ધોરણ પછી છોડી દીધેલું ભણવાનું શરૂ કર્યું. 1944માં મૅટ્રિક, 1948માં બી. એ. અને ૧૯૫૧માં એમ. એ.; 1954માં બી. એડ્. થયા. આ પછી તેઓએ શિક્ષક તરીકે 6 વર્ષ નોકરી કરી. શિક્ષકની નોકરી છોડીને 1960માં મોડાસામાં ગુજરાતીના અધ્યાપક બન્યા. થોડોક સમય અમદાવાદમાં પણ અધ્યાપનકાર્ય કર્યું. ‘પ્રભાત’માં સાત વર્ષ સુધી ભાષાંતરકાર તરીકે કાર્ય કર્યું. તેમનું અવસાન 24 એપ્રિલ, 1981ના રોજ અમદાવાદમાં થયું હતું.
‘પ્રતીક્ષા’ નામના કાવ્યસંગ્રહથી 1941માં કવિ તરીકેની પ્રતિષ્ઠા મળી. તેમની કવિતાઓ રાષ્ટ્રપ્રેમ, માતૃપ્રેમ અને પ્રકૃતિપ્રેમની આસપાસ રહી. પ્રશસ્ય છંદમાં પારંગત હતા. બાળકો માણી શકે તેવો કાવ્યસંગ્રહ ‘નગીનાવાડી’ 1941માં આપ્યો. ‘રસપોળી’(1945) નામના કાવ્યસંગ્રહમાં પણ બાળકોને અનુલક્ષીને કાવ્યો લખ્યા.
‘સાંદીપનિનાં રેખાચિત્રો’(1945)માં તેમની ગદ્ય-સર્જકતાનો સવિશેષ પરિચય થાય છે. તેમણે દેશવિદેશની સાહસકથાઓના સંગ્રહ ‘સાહસકથાઓ’ (1946)ના નામે અને ટૉલ્સ્ટૉયની બોધક વાર્તાઓના સંચય ‘સાચી જાત્રા’ના નામે કર્યો. આ અનુવાદિત પુસ્તકો છે.