Ramesh Jani Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રમેશ જાની

અનુગાંધીયુગીન કવિ, વાર્તાકાર, વિવેચક અને અનુવાદક

  • favroite
  • share

રમેશ જાનીનો પરિચય

કવિ, વાર્તાકાર, વિવેચક, સંપાદક અને અનુવાદક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા રમેશ નંદશંકર જાનીનો જન્મ 14 નવેમ્બર, 1925ના રોજ રાજપીપળા તાલુકાના સિસોદ્રા ગામે થયો હતો.

1947માં ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે બી. એ. થયા અને 1948માં એમ. એ. થયા. રા. વિ. પાઠકના માર્ગદર્શન હેઠળ ‘રાજે: એક અધ્યયન’ વિષય પર મહાનિબંધ લખીને પી.એચ.ડી. થયા. આ પછી રમેશ જાની 1949માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક બન્યા. 1951માં ઝેવિયર્સ કૉલેજ છોડીને 1960 સુધી રૂપારેલ કૉલેજમાં પોતાની સેવા આપી. પાલેની કૉલેજમાં 1961માં જોડાયા અને નિવૃત્ત ન થાય ત્યાં સુધી અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.

‘ઝંખના’ (1951) અને ‘પૂર્વા’ (1987) એમના કાવ્યસંગ્રહો છે. ‘જતાં જતાં’ (1968) વાર્તાસંગ્રહમાં તેમણે માનવીય જીવનની અનેક સંવેદનાઓને સૂક્ષ્મ રીતે વ્યક્ત કરી છે. અનાજની તંગીના કારણે ઉદ્દભવતી અનેક કરુણ ઘટનાઓને તેમણે ત્રિઅંકી નાટક ‘હુતાશની’(1953)માં ઝીલી છે.

રમેશ જાનીનો પ્રેરણાદાયી ચરિત્રગ્રંથ ‘આપણા જ્યોતિર્ધરો’ (1970) ખૂબ જ લોકપ્રિય બન્યો છે. ‘જિજ્ઞાસા’(1968) નામના વિવેચનસંગ્રહમાં મધ્યકાલીન, અર્વાચીન અને આધુનિક સાહિત્યના ઊંડાણપૂર્વકના અભ્યાસલેખો છે. નરસિંહરાવ, કાન્ત, જયંત ખત્રી, ઉમાશંકર જોશી, ચુનીલાલ મડિયા, હેંમિગ્વે વગેરે કવિઓ અને લેખકોની લેખનશૈલીનો અદ્ધભુત અભ્યાસ કર્યો છે. ‘કવિત: અમૃતસરિતા’(1990)માં હેમચંદ્રના દુહાથી લઈને ઉદયન ઠક્કર સુધીના કવિઓની કવિતાઓ પર ચર્ચા કરી છે.

‘અખો’ (1960) અને શામળ ભટ્ટ કૃત ‘ભદ્રાભામિની’(1967)નું સંપાદન તેમણે કર્યું છે. શેક્સપિયરનાં પ્રસિદ્ધ નાટકો ‘મર્ચન્ટ ઑફ વેનિસ’ (1959), ‘સિમ્બેલીન’ (1960), ટેમ્પેસ્ટ’ (1960), પ્રેમાનંદની આખ્યાનકથાઓ’ 1 થી 5 (1961-1962) અને કાલિદાસના ‘શાકુન્તલ’ (1970)નું રૂપાંતરણ તેમણે કર્યું છે.

શર્લી અરોરાની નવલકથાનો ‘વનફૂલ’(1964)ના નામે અનુવાદ કર્યો છે. અર્નેસ્ટ હેમિંગ્વેની બૃહદ નવલકથાનો ‘જે અગનપિછોડી ઓઢે’ના નામે અને મરાઠી કવિ ‘અનિલ’નાં ચૂંટેલાં કાવ્યોનો ‘અનિલ’(1982)ના નામે અનુવાદ કર્યો છે. હિન્દીમાંથી ‘સરદાર પટેલ’(1978)નો અનુવાદ કર્યો છે. તેમણે કરેલા અનુવાદો સરળ ભાષામાં હોવાને કારણે લોકભોગી બન્યા છે.