Ramchandra Patel Profile & Biography | RekhtaGujarati

રામચંદ્ર પટેલ

કવિ, વાર્તાકાર, નિબંધકાર, નવલકથાકાર

  • favroite
  • share

રામચંદ્ર પટેલનો પરિચય

રામચંદ્ર બબલદાસ પટેલનો જન્મ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામે થયો હતો. 1958માં નૂતન સર્વ વિદ્યાલય વિસનગરમાંથી મેટ્રિક, શેઠ ચીમનલાલ નગીનદાસ કળાવિદ્યાલય, અમદાવાદમાંથી ડી.ટી.સી. અને ડી.એમ.ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1959થી 1997 સુધી ઉમતાની એમ.કે. હાઈસ્કૂલમાં આડત્રીસ વર્ષ ચિત્રશિક્ષક તરીકે કામ કર્યું. ચિત્રકલાના જાણતલ રામચંદ્ર પટેલ કવિતા, નવલિકા અને નવલકથામાં ઉત્તર ગુજરાતની સૃષ્ટિનું ચિત્રાત્મક આલેખન કરતા આવ્યા છે. ગામ વચ્ચોવચ રાજગઢી ટીંબામાં ધરબાયેલા સોલંકીકાલીન જૈન મંદિરના શોધક રહ્યા છે. અંતર્મુખી, મિતભાષી, અત્યંત પ્રેમાળ, નિર્દંભી, નિર્વ્યસની, નીતિવાદી વ્યક્તિત્વના ધણી છે.

‘દગ્ધ કૃષિકવિ’ તરીકે ખ્યાત રાવજી પટેલનું સ્મરણ કરાવે એવા કૃષક સંસ્કૃતિના સંદર્ભો રામચંદ્ર પટેલની કવિતામાં દૃષ્ટિગોચર થાય છે. ‘મારી અનાગસિ ઋતુ’માં એવી છાંદસ-અછાંદસ રચનાઓ, સૉનેટ અને દીર્ઘ રચનાઓ છે. આ રચનાઓની વિલક્ષણતા સ્વ-રૂપ ઓગળી કલ્પનશ્રેણી અને પ્રતીકો રચતા પ્રાકૃતિક સંપદાના સંદર્ભો. ‘પદ્મનિદ્રા’ 2001માં પ્રકાશિત બીજો કાવ્યસંગ્રહ, ‘સીમાંતર’ 81 રચનાઓને સમાવતો ત્રીજો સંગ્રહ છે. ‘માટીનું નૃત્ય’ 2018માં પ્રગટ થયેલો એમનો ચોથો કાવ્યસંગ્રહ છે. રામચંદ્રભાઈ લેખનના આરંભથી છંદોના ચાહક રહ્યા છે. ‘માટીનું નૃત્ય’ થોડીક અછાંદસ રચનાઓ બાદ કરતાં છંદોબદ્ધ કાવ્યોનો સંગ્રહ છે. એમાંય સૉનેટનો કાવ્યપ્રકાર કવિને હસ્તગત છે. ચૌદ પંક્તિમાં છંદનો નિર્વાહ કરેલો અને એની છેલ્લી બે પંક્તિમાં નવો ઉન્મેષ દાખવવો – આ હથોટી દુર્લભ ગણાય. રામચંદ્રભાઈની ખૂબી એ છે કે માટી, પૃથ્વી, લૌકિક જગત સાથે પ્રતિબદ્ધ રહેવા છતાં એકવિધતા જાગતી નથી. માટી સાથેનો કવિનો નાભિસંબંધ માટી વિશેનાં સાત સૉનેટમાં વ્યક્ત થયો છે. બાળપણથી કવિએ માટીનો સ્વાદ ચાખ્યો છે. રૂપેણ નદીની ભીની વેકૂરમાં દેવદેરાં બનાવ્યાં છે. ધૂળ, માટી, રેત અને તળાવની ચીકણી માટી સાથે કલા અજમાવી છે.

એમની પાસેથી અગિયારેક જેટલી નવલકથા સાહિત્યજગતને સાંપડે છે ‘એક સોનેરી નદી’માં સૂર્યદેવ અને રન્નાદેના અનુબંધની કથા, ‘સ્વર્ગનો અગ્નિ’માં માનવતાના બચાવયત્ને નીકળેલ કલ્કિ નાયકની કથા, ‘અમૃતકુંભ’માં નાયકની સ્વ સાથેની લડાઈ, ‘ચિરયાત્રી’માં ગામ ગુમાવવાના ખેદમાં અતીતમાં ફસડાઈ પડતા નાયકની સ્થિતિ આલેખાઈ છે. ‘પૃથ્વીની એકબારી’, ‘રાજગઢી’, ‘અંગારક’, ‘મેરુયજ્ઞ’, ‘સોનગુરુ’, અને ‘અરણ્યદ્વાર’ અન્ય નવલકથાઓ છે.

બાહ્ય પ્રવાસે નીકળેલો નાયક પ્રવાસ નિમિત્તે વિવિધ સ્થળ-કાળ-પરિવેશમાં વિહરે છે. જેમ કે, ‘શ્રીફળ’, ‘સુવર્ણકન્યા’, ‘રખોપો’, ‘શોધ’, ‘શિલાજિત’ વાર્તાઓ. તો ‘બગલથેલો’ અલગ કોટિની વાર્તા ભરીને આવે છે. ‘શ્યામલી’, ‘સીડી’, ‘હાથી’, ‘લીલ’, ‘વેર’ જેવી નમૂનારૂપ વાર્તાઓ પરિસર અને પરિવેશમાંથી ઘડાયેલી હોવાથી વધુ અસરકારક નીવડી છે. આ વાર્તાઓ પ્રયોગશીલ વલણ સહ ગ્રામજનજીવનની વાસ્તવિકતા અને માનસિકતા સુપેરે આલેખે છે. રામચંદ્ર પટેલ ઘટનાપ્રધાન લેખન કરતા નથી, પણ ચિત્રાત્મક વર્ણન અને ધરતી સાથે ઘરોબો ધરાવતાં પાત્રોના આલેખનને કારણે વાચકનો રસ ટકી રહે છે. ‘અગિયાર દેરાં’ (2012) ગ્રામીણ પર્યાવરણમાં રચાયેલો વાર્તાસંગ્રહ છે.

‘સૂરજ અડધો સૂકો, અડધો લીલો ચાંદો' અને ‘માટી અને મોભ’ એમ બે નિબંધસંગ્રહ આપ્યા છે. રામચંદ્ર પટેલના આ બંને નિબંધસંગ્રહોમાં ગ્રામચેતના અને પ્રકૃતિતત્ત્વ નિરૂપણ પામ્યાં છે. ‘હું ખાડામાંથી બહાર નીકળું છું' (કાવ્યો) નામે સંપાદનનું પુસ્તક આપ્યું છે.

 ‘કુમાર’, ‘કાવ્ય’ પારિતોષિક, કલકત્તાનું ‘નવરોઝ’ પારિતોષિક, શ્રી ઉમાશંકર જોશી વાર્તા પુરસ્કાર, કવિલોક બ.ક. ઠાકોર શ્રેષ્ઠ સૉનેટ પુરસ્કાર, સાહિત્ય લલિતનિબંધ પારિતોષિક, ‘ઉદ્દેશ’ તરફથી ચંદુલાલ સેલારકા પુરસ્કાર, 2004માં કુમાર સુવર્ણચંદ્રક, ‘કોઢ’ નિબંધને પરબ 2008નો નાનુભાઈ સુરતી પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પણ વિવિધ ઇનામ પ્રાપ્ત થયાં છે.