Ramanbhai Nilkanth Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રમણભાઈ નીલકંઠ

પંડિતયુગના તેજસ્વી સાહિત્યકાર, પ્રસિદ્ધ હાસ્યનવલ 'ભદ્રંભદ્ર'ના લેખક

  • favroite
  • share

રમણભાઈ નીલકંઠનો પરિચય

તેમનો જન્મ 13 માર્ચ, 1868ના રોજ માતા પાર્વતીકુંવર અને પિતા મહીપતરામને ત્યાં અમદાવાદમાં થયો. પ્રાથમિક ઉછેર અમદાવાદમાં, 1883માં 15 વર્ષની ઉંમરે એમણે અમદાવાદથી પ્રથમ સ્થાને મેટ્રિક પાસ, 1884માં ગુજરાત કૉલેજમાં ઉચ્ચશિક્ષણ અર્થે પ્રવેશ, પ્રીવિયસની પરીક્ષામાં યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રવેશ – ત્યાં સુપ્રસિદ્ધ કવિ વર્ડ્ઝવર્થના કાવ્યસિદ્ધાંતનો અને કૉલેજના પ્રિન્સિપાલ વર્ડ્ઝવર્થના અધ્યાપનનો રમણભાઈ પર ગહન પ્રભાવ, ગુજરાતી એલ્ફિન્સ્ટન સભા સમક્ષ ‘કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ’ વિશે એક વ્યાખ્યાન, 1887 એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈમાંથી વિનયન સ્નાતક, અને તરત જ તેમણે અમદાવાદના પ્રાર્થનાસમાજના પાક્ષિક મુખપત્ર ‘જ્ઞાનસુધા’નું ત્રણ દાયકા સુધી સંચાલન કર્યું. 1892માં રમણભાઈ એલએલ.બી., ગોધરા ખાતે અદાલતના શિરસ્તેદાર અને સબજજ તરીકે થોડોક વખત કામ કર્યા પછી નોકરીમાંથી રાજીનામું આપી તેમણે સ્વતંત્ર વકીલાત શરૂ કરી. તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ, ગુજરાત સાહિત્ય સભાના અગ્રણી કાર્યકર્તા, પ્રાર્થનાસમાજના પ્રમુખ તરીકે તેમ જ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી, 1918માં નડિયાદમાં ભરાયેલી બીજી ગુજરાત સંસારસુધારા પરિષદના તથા 1924માં અહમદનગરમાં ભરાયેલી પ્રાંતિક સંસારસુધારા પરિષદના પ્રમુખ, 1926માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ એમ અનેક પદે રહી નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી. રમણભાઈની આ સાર્વજનિક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને આનંદશંકર ધ્રુવે એમને ‘સકલપુરુષ’ તરીકે અંજલિ આપેલી તેમ જ સરકારે તેમને 1927માં ‘સર’ના ખિતાબથી નવાજ્યા હતા. 6 માર્ચ, 1928ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું. તેમની દીકરીઓ વિનોદિની નીલકંઠ અને સરોજિની નીલકંઠ પણ જાણીતાં સામાજિક કાર્યકર તેમ જ સાહિત્યકાર થયાં હતાં.

બહુમુખી પ્રતિભાસંપન્ન આ સર્જકે કવિતા, નાટક, નિબંધ, નવલકથા, હાસ્યકથા, વિવેચન–ચિંતન એમ વિવિધ વિધાઓમાં પ્રદાન કર્યું છે. તેમની અલ્પ પણ સત્ત્વસભર કાવ્યસૃષ્ટિમાં ‘રાઈનો પર્વત’ અંતર્ગત સમાવિષ્ટ ‘રેખાશૂન્યતા’, ‘પ્રભુમય જીવન’, ‘ઈશ્વરેચ્છા’ જેવાં કાવ્યોમાં કવિની ઈશ્વરશ્રદ્ધા અને સૂક્ષ્મ રસિકતા જોવા મળે છે, જે ઓછી પણ આછી નહિ, એવી ઉચ્ચ ગુણયુક્ત કાવ્યકળાની દ્યોતક છે. ઉપરાંત, દલપતરીતિનાં બોધપ્રધાન ગીતો, ભોળાનાથની રીતિનાં અભંગ પદ, વગેરેમાંની પ્રાર્થનાઓ, અર્વાચીન અંગ્રેજી ઢબનાં ઊર્મિકાવ્યો, સંસ્કૃત નાટક રીતિનાં મુક્તકો આદિ સમાવેશ પામે છે. તેઓ તેમની ગંભીર કાવ્યપ્રવૃત્તિથી શિષ્ટ કવિઓમાં ઊંચા સ્થાનના અધિકારી બન્યા છે. તેમના સમગ્ર સર્જનને જોતાં તેમની પાસેથી ‘વિવાહવિધિ’ (1889, સંસ્કાર વર્ણવતું પુસ્તક), ‘ભદ્રંભદ્ર’ (1900, ગુજરાતી ભાષાની સૌ પ્રથમ સળંગ હાસ્યરસિક નવલકથા), ‘રાઈનો પર્વત’ (1914, મણિલાલ દ્વિવેદીના ‘કાન્તા’ નાટકથી પ્રભાવિત થઈને લખેલું નાટક), ‘હાસ્યમંદિર’ (1915, પત્ની વિદ્યાગૌરીના સહયોગમાં રચાયેલ હાસ્યનિબંધોનો ગ્રંથ), ‘શોધમાં’ (1915, વ્યંગ-કટાક્ષપૂર્ણ અધૂરી રહેલી હાસ્યકથા), ‘ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (ઇતિહાસ નિર્દેશક પુસ્તક), ‘વાક્યપૃથક્કૃતિ અને નિબંધ રચના’ (1903) તેમ જ ‘સરસ્વતીચંદ્ર’નું અવલોકન, ‘હૃદયવીણા’નું અવલોકન આદિ મળે છે. રમણભાઈ મુખ્યત્વે પાશ્ચાત્ય સાહિત્યના અને પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાના અભ્યાસી હોઈ એના પ્રભાવ નીચે એમણે લખેલા વિવેચનલેખો, કાવ્યતત્ત્વચર્ચા, ગ્રંથાવલોકનો, ભાષાશાસ્ત્રીય લખાણો, વ્યાખ્યાનો, વગેરેનો સમાવેશ ‘કવિતા અને સાહિત્ય’ ભાગ 1થી 4 (1904, 1904, 1928, 1929) ગ્રંથોમાં સંગૃહીત થયાં છે. કાવ્યરચના, કાવ્યસ્વરૂપ, અને કાવ્યપ્રયોજન વિશે વિશદ અને વિગતપ્રચુર સમજૂતી આપીને નર્મદયુગથી આરંભાયેલી કાવ્યવિભાવનાને વ્યાપક બનાવવામાં અને નક્કર પાયા પર મૂકી આપવામાં રમણભાઈની વિવેચનાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેઓ પદ્યનું મૂળ ઊર્મિવાદમાં જુએ છે, એથી સર્વાનુભવરસિક કવિતા કરતાં સ્વાનુભવરસિક કવિતાને ચડિયાતી ગણાવતાં તેમણે સ્વાનુભવરસિક કવિ તે કવિઓનો કવિ અને સ્વાનુભવરસિક કવિ તે લોકનો કવિ એમ કહ્યું. ‘કવિતા’, ‘કવિતાની ઉત્પત્તિ’, ‘કાવ્યાનંદ’, ‘કવિતા અને નીતિ’, ‘કવિતા અને સત્ય’, ‘કવિત્વરીતિ’, ‘રાગધ્વનિ-કાવ્યનું સ્વરૂપ’, ‘સ્વાનુભવરસિક અને સર્વાનુભવરસિક કવિતા’, ‘વૃત્તિમય ભાવાભાસ’ જેવા લેખોમાં એમણે અભ્યાસપૂર્ણ સાહિત્યતત્ત્વવિચાર કર્યો છે. રમણભાઈએ પ્રાર્થનાસમાજના ઉપક્રમે આપેલાં વ્યાખ્યાનો તેમ જ સમાજસુધારાની સંસ્થાઓ કે પરિષદોના પ્રમુખસ્થાનેથી આપેલાં વ્યાખ્યાનો ‘ધર્મ અને સમાજ’ ભાગ 1–2 (1932, 1935)માં ગ્રંથસ્થ થયાં છે. ‘સંસારસુધારાની પદ્ધતિઓ’ એ એમનું સમાજલક્ષી મનનીય વ્યાખ્યાન છે. એમની સાહિત્યિક નિષ્ઠા, બહુશ્રુતતા, રસિકતા, અને મર્મગ્રાહિતાનાં વલણો પ્રેરક પરિણામો ‘પૃથુરાજ રાસા’, ‘કુસુમમાળા’, ‘સરસ્વતીચંદ્ર’, ‘અભંગમાળા’, ‘હૃદયવીણા’, વગેરે કૃતિઓનાં ચર્ચા–વિચારણા–અવલોકનમાં મળે છે.