Rajesh Vyas 'Miskin' Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રાજેશ વ્યાસ 'મિસ્કીન'

જાણીતા ગઝલકાર અને ગઝલસ્વરૂપનાં અભ્યાસુ સર્જક

  • favroite
  • share

રાજેશ વ્યાસ 'મિસ્કીન'નો પરિચય

રાજેશ વ્યાસનો જન્મ 16 ઓક્ટોબર, 1955ના રોજ અમદાવાદમાં જટાશંકર અને વિજ્યાબહેનને ત્યાં થયો હતો. તેમનું ઉપનામ 'મિસ્કીન' છે જેનો અર્થ 'ગરીબ' થાય છે. અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાલયમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેમણે માંગરોળની શારદાગ્રામ શાળામાંથી મૅટ્રિક્યુલેશન સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમણે 1978માં મનોવિજ્ઞાન વિષય સાથે બી.એ. કર્યું, ત્યાર બાદ 1981માં ગુજરાતી સાહિત્યમાં બી.એ. કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાંથી 1983માં ગુજરાતી સાહિત્યમાં એમ.એ. થયા. 1985માં ગુજરાત વિદ્યાપીઠમાંથી તેઓ એમ.ફીલ. થયા. ચંદ્રકાન્ત ટોપીવાળાના માર્ગદર્શનમાં મહાનિબંધ લખીને તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પી.એચડી. કર્યું. તેમના મહાનિબંધનો વિષય 'ગુજરાતી ગઝલ તેના વિવિધ પરિપ્રેક્ષ્ય'માં હતો.

રાજેશ વ્યાસના સાહિત્યસર્જનની શરૂઆત 1960માં થઈ હતી. તેમની પહેલી કવિતા કવિલોક સામાયિકમાં 1973માં પ્રકાશિત થઈ હતી. આ પછી તેમની કવિતાઓ પરબ, કુમાર, કવિલોક, નવનીત સમર્પણ, શબ્દસૃષ્ટિ અને તાદર્થ્ય સહિતના અનેક સામયિકોમાં પ્રકાશિત થઈ. તેઓ ગુજરાત સમાચારમાં 'શબ્દ સૂરને મળે' અને જનકલ્યાણમાં 'અનહદના અજવાળા' નામની કૉલમ લખે છે. તેઓ ‘ગઝલવિશ્વ’ના તંત્રી રહી ચૂક્યા છે. તેમણે ગુજરાતી ગઝલો અને તેના છંદ વિજ્ઞાન પર સંશોધન કર્યું છે.

રાજેશ વ્યાસનો પહેલો ગઝલસંગ્રહ 1983માં 'તુટેલો સમય'ના નામે પ્રકાશિત થયો હતો. આ પછી 'છોડીને આવ તુ' (2005), 'કોઇ તારુ નથી' (2007), 'એ પણ સાચું આ પણ સાચું' (2008), 'પહેલી નજર' (2008), 'બદલી જો દિશા' (2009), 'એ ઓરડો જુદો છે' (2013), 'પાણિયારા ક્યાં ગયા?' (2015), 'એ સમથિંગ છે...' (2019) 'મળેલાં જ મળે છે...' (2017) અને 'બાનો સાડલો' (2015) નામના ગઝલસંગ્રહો આપ્યા છે. તેમની ગઝલોનું સંપાદન 'બેસ્ટ ઑફ મિસ્કીન'ના નામે કવિ હર્ષ બ્રહ્મભટ્ટે કર્યું છે.

રાજેશ વ્યાસે 'ગઝલ વિમર્શ' (2007) નામે ગુજરાતી ગઝલ પરના સંશોધનોનો સંગ્રહ આપ્યો છે. 'ગઝલ સંદર્ભ' (2010) તેમનો ગુજરાતી ગઝલ પરના વિવેચન નિબંધોનો સંગ્રહ છે. 'એનર્જી' (2010) તેમનો ગઝલ પરનો સંગ્રહ છે. આ ઉપરાંત તેમણે આદ્યભૌતિકશાસ્ત્ર પર લલિતસહશસ્ત્રનામ (2011) નામનું પુસ્તક લખ્યું છે. ગઝલની સમજણ આપવા માટે તેમણે 'ગઝલ પ્રવેશિકા' નામનું પુસ્તક તૈયાર કર્યું છે.

ગુજરાતી કવિ મરીઝની પસંદગીની ગઝલોનું 'અમર ગઝલો', મરીઝની તમામ ગઝલોનો સંગ્રહ 'સમગ્ર મરીઝ' (2009), 'મરીઝની શ્રેષ્ઠ ગઝલો' (2010), 'રમેશ પારેખની શ્રેષ્ઠ ગઝલો' (2011), 'અરૂઝ શેર' (2012) અને 'શૂન્ય પાલનપુરી'ની ગઝલોના સંપાદનનું કામ તેમણે કર્યું છે.

મિસ્કીનને 2005માં હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર, 2009માં શૂન્ય પાલનપુરી પુરસ્કાર અને કલાપી પુરસ્કાર મળ્યો હતો. 2010માં તેમને કુમાર સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ગુજરાતી સાહિત્ય અકાદમીએ તેમના ગઝલસંગ્રહ 'છોડીને આવ તું'ને 2005માં ઇનામ આપ્યું હતું. આજ ગઝલસંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનો દિલિપ મહેતા પુરસ્કાર મળ્યો હતો. 2011માં તેમના પુસ્તક 'લલિતસહશસ્ત્રનામ'ને સંસ્કૃત સાહિત્ય અકાદમીએ ઇનામ આપ્યું હતું. 2012માં તેમને શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક મળ્યો હતો. 2014માં તેમને વલી ગુજરાતી પુરસ્કાર એનાયત થયો હતો.

(તસવીર સૌજન્ય: સંજય વૈદ્ય)