Rajendra Shukla Profile & Biography | RekhtaGujarati

રાજેન્દ્ર શુક્લ

આધુનિકયુગના મહત્ત્વના કવિ

  • favroite
  • share

રાજેન્દ્ર શુક્લનો પરિચય

  • મૂળ નામ - રાજેન્દ્ર અનંતરાય શુક્લ
  • જન્મ -
    12 ઑક્ટોબર 1942

12 ઓક્ટોબર, 1942માં જૂનાગઢમાં જન્મેલા રાજેન્દ્ર શુક્લે માધ્યમિક સુધીનું શિક્ષણ પોતાના વતનમાં જ પૂર્ણ કર્યું અને ત્યાર બાદ અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજ ખાતે 1965માં સંસ્કૃત અને પ્રાકૃત વિષયોમાં સ્નાતક અને 1967માં અનુસ્નાતકની પદવી. આદિકવિ નરસિંહ મહેતાની કવિતાઓથી પ્રભાવિત રાજેન્દ્ર શુક્લએ વર્ષ 1982 સુધી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ આપ્યું હતું. કવિએ છાંદસ-અછાંદસ કાવ્યો અને ગીતો રચ્યાં છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે.

“ગુજરાતી ભાષા મારો શ્વાસોશ્વાસ છે. મારા માટે ગુજરાતીનું મહત્ત્વ આંકીએ એટલું ઓછું છે. આ ભાષા વિના વિચાર પણ શક્ય નથી. હું અત્યંત આશાવાદી છું એટલે કહું છું કે ભલે કોઈ ગમે તે કહે કે અંગ્રેજી કલ્ચર વચ્ચે ગુજરાતીનું શું થશે તો હું કહું છું કે ગુજરાતીનું ભવિષ્ય ઉજ્જવળ છે. જો કોઈએ તેને વધુ જીવંત રાખવા પ્રયાસો કરવા હોય તો હું કહીશ કે આપણી માતૃભાષાનો મહિમા કરો.”- રાજેન્દ્ર શુક્લ

રાજેન્દ્ર શુક્લના સર્જનની વાત કરીએ તો તેમણે કોમલ રિષભ (1970), સ્વ-વાચકની શોધ(1972), અંતરગંધાર (1981), ગઝલસંહિતા ભાગ:1 થી 5 (2005) જેવા કાવ્યગ્રંથોની રચના કરી છે. તેમના કાવ્યોમાં અધ્યાત્મ અને સંસ્કૃતિના ઊંડા અભ્યાસની અસર સહજ રીતે જોવા મળે છે. અંતરની વાણીમાંથી પ્રગટતી પશ્યંતી વાણી એ તેમની કવિતાના શબ્દનું મૂળ છે. રાજેન્દ્ર શુક્લની ગઝલોનો એક છેડો સૂફીચેતના સાથે જોડાય છે તો બીજો છેડો ભારતીય અધ્યાત્મ પરંપરા સાથે જોડાતાં તેમાં અધ્યાત્મભાવની ઊંચાઈ અને ઊંડાણ સિદ્ધ થાય છે.

‘અવાજ જુદો’, ‘તમને ખબર નથી’, ‘ફૂલ, સામાય ધસી જઇયે’, ‘ઈચ્છાની આપમેળે’, ‘તું કોણ છે?’, ‘પગલાં કુંકુમઝરતાં, બદલું છું’, ‘ભરથરી’(ભાગ 1-3)‘મેં દીઠા છે !’, ‘સામા ગામનું સાવ છેવાડું ખોરડું’ વગેરે નોંધપાત્ર રચનાઓ છે.

ગુજરાતી કવિતાક્ષેત્રે અને ખાસ કરીને ગઝલક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ રાજેન્દ્ર શુક્લને ઘણાં સન્માનો પ્રાપ્ત થયાં છે. ‘અંતરગાંધાર કાવ્યસંગ્રહ માટે 1981માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક અને કવિશ્રી ન્હાનાલાલ પારિતોષિક પ્રાપ્ત થયા હતા. 2001માં આઈ.એન.ટી. તરફથી ગઝલક્ષેત્રે પ્રદાન કરવા માટે કલાપી ઍવૉર્ડ, 2005માં નરસિંહ મહેતા ઍવૉર્ડ, 2006માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 2007માં નર્મદ સુવર્ણચંદ્રક – પ્રાપ્ત થયા હતા. ‘ગઝલસંહિતા’ માટે 2007માં સાહિત્ય અકાદમી, નવી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.