Rajendra Shah Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રાજેન્દ્ર શાહ

અનુગાંધીયુગના સીમાચિહ્નરૂપ કવિ, જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સર્જક

  • favroite
  • share

રાજેન્દ્ર શાહનો પરિચય

અનુગાંધીયુગના સીમાચિહ્નરૂપ કવિ. તેમના પિતા કેશવલાલ વ્યવસાયે વકીલ હતા, ત્યાર બાદ ભાદરવા રાજ્યમાં તેઓ જજ તરીકે પણ નિયુક્ત થયા હતા. ધર્મ પ્રત્યેની તેમની ખેવનાને લીધે તેઓ શ્રેયસ્સાધક વર્ગમાં પણ જોડાયા હતા અને તેના ગુરુ શ્રીમન્નૃસિંહાચાર્યના સતત સત્સંગમાં પણ હતા. તેમનાં માતા લલિતાબહેન કેશવલાલનાં ત્રીજાં પત્ની હતાં અને રાજેન્દ્ર તેમના એકમાત્ર પુત્ર હતા. રાજેન્દ્રનો જન્મ તથા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કપડવંજમાં. રાજેન્દ્ર શાહ 2 વર્ષના હતા ત્યારે તેમણે પિતાને ગુમાવ્યા. તેમનાં માતાએ તેમને ખુમારી અને હિંમતના પાઠ ભણાવતાં મોટા કર્યા. તેને પરિણામે 17 વર્ષની વયે સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાતાં સાબરમતી અને યરવડાની જેલમાં સાડા ત્રણ માસ કેદ પણ ભોગવી હતી.

સ્વાતંત્ર્યના ઝનૂની, યુવાન રાજેન્દ્રએ કપડવંજના ટાવર પર લહેરાતા તિરંગાને બચાવવા માટે તિરંગાને છાતી સરસો ચાંપી ટાવર પરથી ઝંપલાવ્યું હતું, અને તેથી લાંબી માંદગીમાં પણ સપડાયા હતા. ત્યાર બાદ ‘પહેલું સુખ તે જાતે નર્યાં’નો પાઠ લઈ અંબુભાઈ પુરાણી દ્વારા સ્થાપિત વ્યાયામશાળામાં જઈ શરીર પણ કસ્યું હતું.

પિતા વગરના ઘરની આર્થિક પરિસ્થિતિ સ્વાભાવિક રીતે સંઘર્ષ ભરેલી હતી. રાજેન્દ્રએ આવા વ્યક્તિગત અને સામાજિક તંગ વાતાવરણમાં પણ માતાએ બાળપણમાં આપેલો મંત્ર સાચવી રાખ્યો હતો કે “આપણે તો સિંહ બાળ.” તેમણે 1931માં મંજુબહેન આગ્રાવાળા સાથે લગ્ન કર્યું હતું. 1932માં મૅટ્રિક થઈ વિલ્સન કૉલેજમાં જોડાયા અને તે જ વર્ષે પ્રથમ બાળક યોગિનીનો જન્મ અને દુઃખદ અવસાન. ત્યાર બાદ તેમનાં અન્ય 6 બાળકો (3 પુત્રો, 3 પુત્રીઓ) જન્મ્યાં હતાં.

તેઓએ અનેક વ્યવસાયો કર્યા, તેમાં ઉતારચઢાવ ભોગવ્યા. મુંબઈમાં તબિયત સારી ન રહેવાના કારણે મુંબઈ છોડીને તેઓ બરોડા કૉલેજમાં જોડાયા. 1937માં તત્ત્વજ્ઞાન વિષય સાથે સ્નાતક થયા. અનુસ્નાતક થવાની ઇચ્છા આર્થિક કારણોસર પૂરી કરી ન શક્યા. તે માટે અમદાવાદ આવીને તેમણે શરૂઆતમાં શિક્ષકની નોકરી કરી, ત્યાર બાદ કવિ સુંદરમ્‌ની ભલામણથી ‘જ્યોતિસંઘ’માં, ત્યાર બાદ બૉબિનનું કારખાનું સ્વતંત્ર વ્યવસાય તરીકે શરૂ કર્યું. તેમાંથી છૂટા પડી તેઓએ પાલડીમાં ‘ગૃહસાધન’ નામે મોદીખાનાની દુકાન કરી અને ‘ઈંધન’ નામે કોલસાની દુકાન કરી. આ એકેય વ્યવસાય ચાલ્યા નહીં તેથી પરત મુંબઈ જઈને 1945માં સ્વદેશી ડાઇંગ ઍન્ડ બ્લીચિંગમાં થોડા મહિના નોકરી કરી. ત્યાર બાદ જંગલોમાં લાકડાં કાપવાનો કૉન્ટ્રેક્ટ રાખતી કંપનીમાં જોડાયા. 1951માં આ નોકરી છોડી 1955 સુધી કાગળનો વેપાર કર્યો. છેવટે 1955માં ભાગીદારીમાં લિપિની નામે મુદ્રણાલય ચાલુ કર્યું, જે પાછળથી પોતાની માલિકીનું બન્યું અને 1970માં તે મુદ્રણાલય પોતાના દીકરાને સોંપીને સ્વૈચ્છિક નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ સર્જન અને અધ્યયન એ જ એમનું મુખ્ય ધ્યેય રહ્યું.

આવા ઉતાર-ચડાવ ભરેલા જીવનમાં તેમને શ્રેયસ્સાધક વર્ગના ગુરુ ઉપેંદ્રાચાર્યનો સત્સંગ બળ આપતો રહ્યો. સદૈવ પ્રસન્ન રહેવાનો તેમનો જીવનમંત્ર તેમની કવિતાનો મુખ્ય સૂર બની ગયો. આ વર્ગનાં ઉત્સવોમાં ગવાતાં ગીતો તેમને ખૂબ આકર્ષી જતાં. તેનો લય, તેનું શબ્દચિત્ર, ભાવવિચાર તેમને શબ્દલેખન તરફ વાળી ગયા. તે સમયગાળામાં દેશભક્તિનાં ગીતોની પણ ભરમાર હતી. તેમણે શરૂઆતે ન્હાનાલાલનું વાંચન શરૂ કર્યું અને તેની અસરમાં કેટલાક ગરબા પણ લખ્યા. ‘કુમાર’ જેવા સામયિકમાં સુંદરમ્, ઉમાશંકર, કૃષ્ણલાલ શ્રીધરાણી વગેરેનાં કાવ્યસર્જનથી તેઓ ખૂબ અંજાયા અને છાંદસ કવિતાઓ તરફ વળ્યા. તે વખતે ‘લ’ અને ‘ગા’ તેવી સંજ્ઞાઓ ખબર ન હોવાથી ‘નના’ જેવો એક ડમી લય મનમાં રાખી કવિતાઓ કરતા. ‘કુમાર’ની ‘બુધસભા’માં આવીને તેમનું ખરા અર્થમાં કાવ્યપ્રશિક્ષણ થયું અને તેની કેડી સુગમ બની ગઈ.

તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ્વનિ’ 1951માં પ્રકાશિત થયો અને તરત જ તેમાંનાં સૉનેટ, ગીત, તેમાંના છંદ, લયના અવનવા પ્રયોગોએ આ સંગ્રહને ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન અપાવી દીધું. નવું મળેલું સ્વાતંત્ર્ય, બીજું વિશ્વયુદ્ધ, અણુબૉંબના પ્રયોગ જેવી માનવઇતિહાસને બદલી નાખતી ઘટનાઓથી બિલકુલ અળગા રહીને તત્કાલીન નિરપેક્ષ, નિતાંત સૌંદર્ય, પ્રસન્નતા, સદ્‌ભાવની વાત કરતો તેમનો આ કાવ્યસંગ્રહ એક ઉત્તમ કલાકૃતિ છે. તેમનાં ગીતો એટલાં પ્રસિદ્ધ થયા કે તે ખરા અર્થમાં લોકગીત બની ગયાં. ‘ઈંધણાં વીણવા ગૈતી મોરી સૈયર’, ‘કેવડિયાનો કાંટો’ જેવાં ગીતો આજે પણ ગવાય છે.

આ ઉપરાંત, તેમના અન્ય સંગ્રહોની સંખ્યા પ્રમાણમાં વિપુલ છે.

‘ધ્વનિ’ (1951), ‘આંદોલન’ (1951), ‘શ્રુતિ’ (1957), ‘શાન્ત કોલાહલ’ (1962), ‘ચિત્રણા’ (1967), ‘ક્ષણ જે ચિરંતન’ (1968), ‘વિષાદને સાદ’ (1968), ‘મધ્યમા’ (1977), ‘ઉદ્ગીતિ’ (1978), ‘ઇક્ષણા’ (1979), ‘પત્રલેખા’ (1981), ‘પ્રસંગ સપ્તક’ (1982), ‘પંચપર્વા’ (1983), ‘કિંજલ્કિની’ (1983), ‘વિભાવન’ (1983) અને ‘દ્વા સુપર્ણા’ (1983) આ સોળ સંગ્રહોનો સંકલિત ગ્રંથ ‘સંકલિત કવિતા’ 1983માં પ્રગટ થયો હતો.

તે પછી આપેલા કાવ્યસંગ્રહોમાં ‘ચંદનભીની અનામિકા’ (1987), ‘નીલાઞ્જના’ (1989), ‘આરણ્યક’ (1982), ‘સ્મૃતિ-સંવેદના’ (1998), ‘વિરહમાધુરી’ (1998), ‘હા હું સાક્ષી છું’ (2003), ‘પ્રેમનો પર્યાય’ (2004) અને ‘આ ગગન’(2004)નો સમાવેશ થાય છે. ‘નિરુદ્દેશે’(1973)માં 1973 સુધીની પોતાની કવિતાનું એમણે જ આપેલું ચયન છે. ‘ઈક્ષણા’(1979)માં 10 પંક્તિઓની સૉનેટકલ્પ સંસિદ્ધ રચનાઓ છે તો ‘પંચપર્વા’ (1983) ગઝલસંગ્રહ છે. ‘પ્રસંગ સપ્તક’ (1982) સંવાદકાવ્યોનો, ‘ચંદનભીની અનામિકા’ (1987) ખાયણાંનો સંગ્રહ છે તો ‘મોરપીંછ’ (1959), ‘આંબે આવ્યા મોર’ (1985), ‘રૂમઝૂમ’ (1989), ‘અમોને મળી પવનની પાંખ’ (1995), ‘રમત અમારી’ (2002) અને ‘ખુલ્લામાં જઈ રમીએ’ (2002) એમનાં બાળકાવ્યોના સંગ્રહો છે. વળી તેમણે ‘સૂરદાસ’ તેમ જ ‘ગતિમુક્તિ’ નામનાં બે એકાંકીઓ અને આઠેક વાર્તાઓ પણ આપી છે. ઈ.સ. 2004માં તેમણે એમની પદ્યનાટ્યાત્મક રચનાઓનો સંચય ‘ગતિ-મુક્તિ’ નામે જ આપ્યો. આ ઉપરાંત એમણે કેટલાંક પ્રશિષ્ટ કવિઓની બંગાળી અને અંગ્રેજી રચનાઓના અનુવાદો પણ આપ્યા છે. વૉલ્ટ વ્હિટમનના ‘લીવ્ઝ ઑવ્ ગ્રાસ’માંની કેટલીક રચનાઓનો ‘તૃણપર્ણ’ (1991) શીર્ષકથી તો રવીન્દ્રનાથ ટાગોરના ‘બલાકા’નો અનુવાદ (1993), ડૅન્ટિના મહાકાવ્ય ‘ડિવાઇન કૉમેડી’નો ‘દિવ્ય આનન્દ’ (1990), કોલરિજના દીર્ઘકાવ્ય ‘ધ રાઇમ ઑવ્ ઍન્શન્ટ મરિનર’નો ‘ગાથા એક વૃદ્ધ નાવિકની’ (1998) નામે તો ઈશાવાસ્ય ઉપનિષદ(1995)નો તથા બિલ્હણની કાવ્યરચના ‘ચૌર પંચાશિકા’(2004)નો પણ અનુવાદ આપ્યો છે. તેમણે ‘ગીતગોવિંદ’(1989)નો કરેલો સમશ્લોકી અનુવાદ પણ ધ્યાનપાત્ર છે. આ ઉપરાંત તેમણે ‘મેઇકર્સ ઑવ્ ઇન્ડિયન લિટરેચર’ની શ્રેણીમાં ‘વિદ્યાપતિ’ (1980), ‘જીવનાનંદ દાસ’ (1985) તથા ‘બુદ્ધદેવ બસુ’(1990)ના અનુવાદો પણ આપ્યા છે.

તેમને 1947માં કવિતા માટે ‘કુમાર ચંદ્રક’, 1956માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’, 1977માં ‘નર્મદ ચંદ્રક’, 1980માં ‘અરવિંદ ચંદ્રક’, 1986માં ‘ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક’, 1969માં ‘ક્ષણ જે ચિરંતન’ માટે ‘ન્હાનાલાલ પારિતોષિક’, 1964નો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ ‘શાંત કોલાહલ’ માટે, 1985માં તેમના સંકલિત કવિતાના સંગ્રહને કોલકાતાની ‘ભારતી ભાષા પરિષદ’ ઍવૉર્ડ, 1992માં ‘નરસિંહ મહેતા ઍવૉર્ડ’ અને ભારતનો સાહિત્ય માટેનો સર્વોચ્ચ ‘જ્ઞાનપીઠ ઍવૉર્ડ’ 2001માં એનાયત થયો હતો.

તેમનું શરૂ કરેલું માસિક ‘કવિલોક’ હજી પણ કાર્યરત છે. તેઓ ભારતીય સાહિત્ય અકાદમીના સલાહકાર પણ રહ્યા હતા. 2 જાન્યુઆરી, 2010માં 96 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

(તસવીર સૌજન્ય: જગન મહેતા)