રાજેન્દ્ર પટેલનો જન્મ 20 ઑગસ્ટ, 1958ના રોજ અમદાવાદના નરોડામાં થયો હતો. ભોગીલાલભાઈ અને લક્ષ્મીબહેનના પુત્રએ શાળાકીય શિક્ષણ કાંકરિયાની દિવાન બલ્લુભાઈ શાળામાંથી લીધું હતું. 1978માં અમદાવાદની ભવન્સ કૉલેજમાંથી કેમિસ્ટ્રી વિષય સાથે બી.એસ.સી થયા. 1980માં ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઑફ સાયન્સમાંથી ઑર્ગેનિક કેમિસ્ટ્રી વિષય સાથે એમ.એસ.સી થયા. તેમણે 1974માં લખવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં વિશ્વમાનવમાં તેમનું લખાણ પ્રકાશિત થતું હતું. આ ઉપરાંત તેમની કવિતાઓ પરબ, કુમાર, કવિલોક, કવિતા, એતદ્ અને નવનીત સમર્પણમાં પ્રકાશિત થઈ હતી. તેઓ 2006થી 2009 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના ખજાનચીના પદ પર રહ્યા હતા. દિલ્હીની સાહિત્ય અકાદમીમાં 2009થી 2012 દરમિયાન તેઓ ગુજરાતી ભાષાના બૉર્ડમાં સલાહકાર તરીકે પણ નીમાયા હતા. 'વાંચે ગુજરાત અભિયાન'ના જોઇન્ટ સેક્રેટરી 2010થી 2011 દરમિયાન રહ્યા હતા. રાજેન્દ્ર પટેલ 2010થી 2013 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના સેક્રેટરી રહ્યા હતા ત્યાર બાદ તેઓ 2014થી 2020 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ રહ્યા હતા. તેઓ એક દવાની કંપની પણ ચલાવે છે.
રાજેન્દ્ર પટેલે લખેલા કાવ્યસંગ્રહમાં ‘કોષમાં સૂર્યોદય’ (2004), ‘શ્રી પુરાંત જણશે’ (2009), ‘કબૂતર, પતંગ અને દર્પણ’ (2012), ‘એક શોધપર્વ’ (2013), ‘બાપુજીની છત્રી’ (2014), ‘વાસ્તુપર્વ’ (2016), ‘ચાંદોસ્તવ’ (2021) અને ‘વસિયતનામુ’(2021)નો સમાવેશ થાય છે. ‘શ્રી પુરાંત જણશે’ કાવ્યસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીએ પારિતોષિક એનાયત કર્યો હતો.
રાજેન્દ્ર પટેલના વાર્તાસંગ્રહ ‘જૂઈની સુગંધે’ તેમને ખૂબ પ્રતિષ્ઠા અપાવી. 2003માં પ્રકાશિત થયેલા આ વાર્તાસંગ્રહને કારણે તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીએ પુરસ્કાર એનાયત કર્યો હતો. ‘અધૂરી શોધ’ (2009) અને ‘અકબંધ આકાશ’ (2011) તેમના બીજા વાર્તાસંગ્રહો છે. તેમણે 2021માં ‘બારી પાસે’ નિબંધસંગ્રહ પણ લખ્યો હતો.
રાજેન્દ્ર પટેલે વિવેચક તરીકે અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ‘અવગહાન’ (2010), ‘અવગત’ (2014), શ્રી ઓરોબિંદો અને રવીન્દ્રનાથ ટાગોરની કવિતા ‘મોરીતો ચાહી ના અમી’ (2015), ‘વિદેશી કાવ્યવિશેષ’ (2021), ‘રવિન્દ્રસાહિત્ય વિશેષ’ (2021), ‘પંખી ના જાને’ (2021) અને ‘ફળ અને ફળશ્રુતિ’(2021)નો સમાવેશ થાય છે. તેમના વિવેચનગ્રંથ ‘અવગત’(2014)ને ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.