Raje Profile & Biography | RekhtaGujarati

રાજે

મધ્યકાલીન કૃષ્ણભક્ત કવિ

  • favroite
  • share

રાજેનો પરિચય

દયારામના નજીકના પુરોગામી તરીકે પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાન-બોધની મધુર અને ભાવવાહી કવિતા રચનાર કવિ તરીકે નોંધપાત્ર રાજે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવડ ગામના નિવાસી હતા. એમના પિતાનું નામ રણછોડ હોવાની સંભાવના છે. તેમણે મહદ્અંશે કૃષ્ણભક્તિ અને પ્રેમલક્ષણા ભક્તિના રંગે રંગાયેલ દોઢસો જેટલાં પદો – થાળ, આરતી, ગરબી, પ્લવંગમ છંદ, ગરબી, ખયણા, તિથિ, મહિના, રાસલીલા, માન અને દાણલીલા, હિંડોળાનાં પદ, બારમાસી, વ્રેહગીતા, વસંતનામ પદ અને બાળલીલા જેવાં વિવિધ સ્વરૂપોમાં રચનાઓ કરી.  

એમનાં કેટલાંક પદો જોકે વૈરાગ્ય અને નીતિવિષયક પણ છે, તો પ્રેમલક્ષણા ભક્તિ પદોમાંથી એનો કૃષ્ણપ્રેમ, રાધાનો કૃષ્ણપ્રેમ, ગોપીની દ્વિધાભરી મનોદશા, પ્રભુ સાથે દિવ્ય મિલનની ઝંખના આદિ ભાવો દેખા દે છે. રાજેના પદની ભાષા સાદી, રસળતી અને પ્રવાહી શૈલી યુક્ત છે. એક મુસ્લિમ કવિ આવી ઘનતા અને ઘનિષ્ઠતાથી કૃષ્ણભક્તિ અને કૃષ્ણલીલાનું ગાન કરે એ એક વિશિષ્ટ ઘટના તો ખરી જ. કદાચ એટલે જ દયારામમાં રાજેનું પ્રતિબિંબ દેખતા રા.વિ. પાઠક કહે છે, “રાજે અને દયારામનાં પદોમાં કેટલુંક વિષયવસ્તુ અને રાગ-ઢાળ સમાન જણાય છે.” કૃષ્ણના ગોકુલ જીવનના ઘણા પ્રસંગોને લઈને એમણે કૃતિઓ રચી છે. એમાં ‘રાસપંચાધ્યાયી’/‘કૃષ્ણનો રાસ’, ‘ગોકુળલીલા’, ‘માંનસમો’, ‘દાણસમું’, ગોપીવિરહનાં ‘બારમાસ’, ‘રાધિકાજીના સ્વપ્નમાં પરણ્યાં વિશે’, ‘વસંતઋતુની સાખીઓ’, ‘વ્રેહગીતા/વિરહગીતા’, ‘રુક્મિણીહરણ’ અને ‘વિનંતડી’ વગેરે જેવી કૃતિઓ સમાવિષ્ટ છે. ‘ચુસરાસોહાગી’, ‘જ્ઞાન ચૂસરા’, ‘વૈરાગ્યબોધ’, ‘પ્રકાશ-ગીતા', ‘સતશિખામણ’ તથા કેટલાંક જ્ઞાનમૂલક પદો આદિ જ્ઞાનવૈરાગ્યમૂલક કૃતિઓ છે. ‘પ્રબોધ-બાવની’, ‘જ્ઞાનપોડશકળા’ અને ‘બિરહ-બારમાસ’ વગેરે કવિની હિન્દી કૃતિઓ છે. ‘નકાદોહન’, ‘પ્રાકાસુધા’ અને ‘બૃકાદોહન’માં પણ તેમની રચનાઓ મળી આવે છે. સમગ્રતયા ભાષાનું માધુર્ય, કલ્પનાની ચમત્કૃતિ અને ભાવની આર્દ્રતા, દેશી ઢાળ, લયનો સહજ ઉપયોગ, છંદ અને અલંકારની સરળ અભિવ્યક્તિ રાજેને સારા કવિઓની હરોળમાં મૂકી આપે છે. ‘આજની ઘડી રળિયામણી’ તેમનું ચિરંજીવ કાવ્ય છે.