Raghuveer Chaudhary Profile & Biography | RekhtaGujarati

રઘુવીર ચૌધરી

જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા અગ્રણી ગુજરાતી સાહિત્યકાર

  • favroite
  • share

રઘુવીર ચૌધરીનો પરિચય

જન્મ ઉત્તર ગુજરાતના માણસા નજીક બાપુપુરા ગામમાં પિતા દલસિંહભાઈ અને માતા જીતીબેનને ત્યાં થયો. કુટુંબના ધાર્મિક પરિસરમાં નાનપણથી ‘ભગવદ્‌ગીતા’ આદિ વાચનનો શોખ વિકસેલો. પિતા ભજનમંડળીના પ્રમુખ, માતાને ‘મહાભારત’ વાંચનનો શોખ—એમ પવિત્ર વાતાવરણ વચ્ચે ઘડતર.

1960માં હિંદી વિષય સાથે બી.એ., 1962માં એમ.એ., અને 1979માં ડૉ. હરિવલ્લભ ભાયાણીના માર્ગદર્શન હેઠળ ‘હિંદી-ગુજરાતી ક્રિયાત્મક ધાતુઓનો તુલનાત્મક અભ્યાસ’ વિષય પર પીએચ.ડી.ની ઉપાધિ મેળવી, બી.ડી. આર્ટ્સ કૉલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપક રહ્યા. 1977થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં હિંદીના અધ્યાપક અને 1998માં તેઓ અધ્યક્ષ તરીકે નિવૃત્ત.

શિક્ષણકાર, સમાજસેવક, કુશળ આયોજક-વ્યવસ્થાપક, અધ્યાપક એમ વિવિધ ક્ષેત્રે ઉચ્ચ કાર્યદક્ષતા દાખવનાર તેમ જ જ્ઞાનપીઠ એવૉર્ડથી સન્માનિત ચોથા ગુજરાતી સાહિત્યકાર એવા રઘુવીર ચૌધરીએ સાહિત્યક્ષેત્રે નવલકથા, નવલિકા, નાટક, કવિતા, નિબંધ, રેખાચિત્રો, વિવેચન, પ્રવાસ, ધર્મચિંતન–સંસ્કૃતિવિચાર, સંપાદન, અનુવાદ દ્વારા પોતાની બહુમુખી પ્રતિભાનાં દર્શન કરાવ્યાં.

પ્રથમ નવલકથા ‘પૂર્વરાગ’ (1964)થી માંડીને ‘અમૃતા’ (જ્ઞાનપીઠ પુરસ્કૃત), ‘આવરણ’, ‘વેણુ વત્સલા’, ‘ઉપવાસ’–‘સહવાસ’–‘અંતરવાસ’, ‘ગોકુળ’–‘મથુરા’–‘દ્વારિકા’, ‘ઇચ્છાવર’થી લઈને ‘એક ડગ આગળ એક ડગ પાછળ’ (2009) જેવી નવલકથા સ્વરૂપની શક્યતાઓને ચકાસતી, વસ્તુ અને રચનારીતિની વૈવિધ્યસભર 37થી વધારે નવલકથાઓ આપી છે. ગ્રામજનો, પ્રસંગો, રિવાજ, રૂઢિ, રહેણીકરણી, લગ્નો, તહેવારોને આવરી લઈ ઊડીને આંખે વળગે તેથી વાર્તાઓ ‘આકસ્મિક સ્પર્શ’ (1966)થી માંડીને ‘ગેરસમજ’, ‘બહાર કોઈ છે’, ‘નંદીઘર’, ‘પ્રાણપ્રતિષ્ઠા’ (2005) આદિ વાર્તાસંગ્રહોમાં મળે છે. ‘તમસા’ (1967), ‘વહેતાં વૃક્ષ પવનમાં’ (1984) ‘દિવાળીથી દેવદિવાળી’ (1986), ‘પાદરનાં પંખી’ (2007), ‘ફૂટપાથ અને શેઢો’ (1997) જેવા કાવ્યસંગ્રહ, ‘અશોક વન’ (1970), ‘ઝૂલતા મિનારા’ (1970), ‘સિકંદર સાની’ (1979), ‘નજીક’ (1985) જેવાં નાટકો, ‘ડિમલાઇટ’ (1973) અને એમનાં એકાંકીઓ છે. ‘ભૃગુ લાંછન’ (1998), ‘મુદ્દાની વાત’ (1999), ‘પુનર્વિચાર’ (1999), ‘ઊંઘ અને ઉપવાસ’ (1999), ‘વાડમાં વસંત’ (2004), ‘પ્રેમ અને કામ’ જેવા નિબંધસંગ્રહો, ‘બારીમાંથી બ્રિટન’ (1984), ‘તીર્થભૂમિ ગુજરાત’ (1998), ‘ચીન ભણી’ (2003), ‘અમેરિકા વિશે’ (2004) જેવા પ્રવાસસંગ્રહો આલેખ્યા છે. આ ઉપરાંત, રેખાચિત્ર, સંસ્કૃતિ અને ધર્મચિન્તન, સંપાદન, સંશોધન, વિવેચન, અને અનુવાદ ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કર્યું છે. હિન્દી ભાષામાં તેમણે કરેલું પ્રદાન પણ ઉલ્લેખનીય છે.

કુમાર સુવર્ણ ચંદ્રક, ઉમા–સ્નેહરશ્મિ પારિતોષિક, કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, રણજિતરામ સુવર્ણચંદ્રક, જ્ઞાનપીઠ પુરસ્કાર, નર્મદ સુવર્ણ ચંદ્રક, વગેરેથી તેમને નવાજવામાં આવ્યા છે.