Raghunath Brahmbhatt Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રઘુનાથ બ્રહ્મભટ્ટ

ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કવિ-નાટ્યકાર

  • favroite
  • share

રઘુનાથ બ્રહ્મભટ્ટનો પરિચય

જન્મ 13 ડિસેમ્બર, 1892ના રોજ મહેસાણાના લીંચ મુકામે ત્રિભુવનદાસને ત્યાં થયો. શરૂઆતમાં તેમણે દવાખાનામાં નોકરી કરી, ત્યાર બાદ નાટક અને ગીતો લખવાની શરૂઆત કરી.

નાનપણથી જ કવિતા તેમ જ નાટ્યલેખન અભિરુચિ કેળવાયેલી હોઈ મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને ગોવર્ધનરામનાં સાહિત્યસર્જનોએ તેમ જ સંસારની કઠોરતા અને બચપણમાં વેઠેલા આર્થિક સંઘર્ષે એમનાં સર્જનોને પ્રેરકબળ પૂરું પાડ્યું. પ્રારંભમાં નાની નાની નાટક મંડળીઓ માટે એમણે નાટકો રચ્યાં. સંસ્કૃત કવિ અશ્વઘોષનું ‘બુદ્ધચરિત્ર’ વાંચીને તેમણે લખેલું ‘બુદ્ધદેવ’ નાટક 1914માં મોરબી આર્ય સુબોધ નાટક મંડળી દ્વારા સફળતાથી ભજવાયું હતું. આ ઉપરાંત અન્ય નાટકોમાં – કવિ ન્હાનાલાલના ‘જયા-જયંત’ની ભાવનાનો પ્રભાવ ઝીલતું ‘શૃંગી-ઋષિ’ (1914), ‘અજાતશત્રુ’, ‘ભાવિપ્રાબલ્ય’, ‘અશોક’, ‘સરસ્વતીચંદ્ર’ (નવી રંગભૂમિના કલાકારો માટે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનું નાટ્યરૂપાંતર), ‘નવીન યુગ’, ‘અનારકલી’, ‘ક્ષત્રવિજય’, ‘લક્ષ્મીનારાયણ’, ‘પ્રેમવિજય’, ‘કલ્યાણરાજ’, ‘અમરકીર્તિ’, ‘સંસારના રંગ’, ‘શ્રીમંત બાજીરાવ’ આદિ નાટક, તો લોકપ્રિય નાટકોમાં ‘સૂર્યકુમારી’ (1916), ‘છત્રવિજય’ (1919), ‘ઉષાકુમારી’ (1921), અને ‘સ્નેહમુદ્રા’ (1926)નો સમાવેશ થાય છે. એમણે 25 જેટલાં નાટકોમાં પૌરાણિક વિષયવસ્તુવાળાં અનેક સફળ નાટકો પણ રચ્યાં અને સો કરતાં વધારે શૃંગારરસનાં સાદાં પણ છીછરાં ન જણાતાં નોંધપાત્ર રંગભૂમિનાં ગીતો લખ્યાં છે. નાટક ‘હંસાકુમારી’નું ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’, ‘શાલિવાહન’નું ‘રસીલાં પ્રેમીનાં હૈયાં’ જેવાં એમનાં ગીતો ઘણાં લોકપ્રિય થયાં હતાં.

એમનાં ગુજરાતી રંગભૂમિનાં ઈ.સ. 1910થી 1940 સુધીનાં સારાં-નરસાં સ્મરણો ‘સ્મરણ-મંજરી’ (1955)માં રસાળ ભાષામાં રજૂ થયાં છે. સીમાચિહ્નરૂપ ચિત્રપટ ‘મુઘલ-એ-આઝમ’માં તેમની અમર રચના ‘મોહે પનઘટ પર નંદલાલ છેડ ગયો રે’ વિણશ્રેય (જોકે, વિવાદ પછી શ્રેય મળેલો) રજૂ થઈ હતી. બોલપટ માટેની કથાઓ અને ગીતો, આકાશવાણી માટેની નાટિકાઓ, નૃત્યનાટિકા, રંગભૂમિવિષયક લેખો તેમ જ ગુજરાતી રંગભૂમિના નાટ્યકારો અને ગીત-સંગીતકારો પર તેમણે કરેલું કેટલુંક કામ ઉલ્લેખનીય છે. 1944માં મુંબઈની નાટ્યરસિક જનતાએ શ્રી દેશી નાટક સમાજને માંડવે એમનો વનપ્રવેશ ઊજવી મુંબઈમાં એમનું બહુમાન કર્યું હતું. 11 જુલાઈ, 1983ના રોજ નડિયાદમાં તેમનું અવસાન થયું.