તેમનો જન્મ 14 ડિસેમ્બર, 1938ના રોજ નડિયાદમાં પિતા પૂનમભાઈને ઘેર માતા સૂરજબાને કુખે થયો. 1957માં મૅટ્રિક, 1961માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષયમાં વિનયન સ્નાતક, 1963માં નડિયાદ ખાતે વિનયન અનુસ્નાતક અભ્યાસ, પ્રારંભમાં ગુજરાત રાજ્યના માહિતીખાતામાં ઉપતંત્રી (1966થી 1969) તેમજ શિક્ષક તરીકે 1961થી 1966 સુધી વડતાલ, પીજ અને નડિયાદની શાળાઓમાં કાર્યરત, 1974માં મહુધા કૉલેજમાં, 1970થી 1975 બાલાસિનોર કૉલેજમાં અને 1975થી સાવલી કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તેમજ ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે ફરજ બજાવીને 2003માં નિવૃત્ત, ‘લોકલહરી’ અને ‘ગગન’ નામના લઘુસામયિકનું સંપાદન કાર્ય, આકાશવાણી પર વાર્તા અને કાવ્યપઠન કાર્ય, અલ્પગાળાની માંદગી ભોગવી તા. 12 ડિસેમ્બર, 2020ના રોજ વડોદરામાં અવસાન.
શરૂઆતમાં ‘ચાંદની’માં તેમની વાર્તા છપાઈ અને સર્જનકાર્યનો આરંભ થયો. તેમની પાસેથી ‘સોનેરી માછલીઓનો સળવળાટ’ (1971), ‘માયાવિની’ (1994) અને ‘આકાશગંગા’ (2004) - ત્રણ વાર્તાસંગ્રહો, ‘મનનાં મેઘધનુષ’ (1971), ‘હૈયાં તરસે સરવર તીર’ (1975) અને ‘ઝુરાપો’ (1990) જેવી નવલકથાઓ, ‘નક્ષત્ર’ (1979) નામે કાવ્યસંગ્રહ, ‘ગોવર્ધનપ્રતિભા' (રમણલાલ જોશી સાથે, 1983), ‘કુદરતની કવિતા’ (1994), ‘સાસુજીના ભાવ મને ભીંજવે રે’ (2005), ‘ગુજરાતી કવિતાચયન : 2008' (2010) આદિ સંપાદન, અન્ય સાથે મળીને જી.પી.એસ.સી. અને બી.એ.ના વિદ્યાર્થીઓને માટે ‘સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો’ નામક સંદર્ભપુસ્તક, ‘સાક્ષાત’ (1988), ‘આસંગ’ (1988) અને ‘પરંપરિત અને સમકાલીન' (2004) આદિ વિવેચનસંગ્રહો, સુનિલ ગંગોપાધ્યાયની બંગાળી નવલકથાનો ‘કાળી સડક સફેદ મકાન’ (1993) નામે અનુવાદ તેમજ ‘જિજ્ઞાસુની ડાયરી’ (1999) નામે જીવનચરિત્રનું પુસ્તક — વગેરે પુસ્તક આપી સાહિત્યના એકાધિક સ્વરૂપોમાં પ્રદાન કર્યું છે.
તેમને વાર્તાસંગ્રહ ‘સોનેરી માછલીઓનો સળવળાટ’ (1971) માટે ગુજરાત સરકાર તરફથી પારિતોષિક (1974) ઉપરાંત ધૂમકેતુ પારિતોષિક અને સવિતા વાર્તા સ્પર્ધાનો પ્રથમ પારિતોષિક વગેરે એનાયત થયાં છે.