ગાંધીયુગના કવિ
તેમનું વતન ખેડા જિલ્લાનું નાપા ગામ હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ ગોધરામાં થયું હતું. તેમણે 1918માં મૅટ્રિક થઈ ઇન્ટર સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમણે વ્યાયામશિક્ષક તરીકે પણ અધ્યાપન-કાર્ય કર્યું હતું. શ્રી અરવિંદના આધ્યાત્મથી આકર્ષાઈ તેઓ પોંડિચેરી સ્થિત આશ્રમના અંતેવાસી બન્યા હતા. તેમની કવિતાઓ ઉપર બલવંતરાયનો પ્રભાવ છે, તે ઉપરાંત પ્રબળ રીતે પ્રકૃતિ અને દેશભક્તિના ભાવો નિરૂપાયા છે. શ્રી અરવિંદના સહવાસે આધ્યાત્મિક સ્વાભાવિક રીતે તેમની કવિતામાં પ્રગટ થયું છે.
તેમની પાસેથી આપણને સંસ્કૃતાઢ્ય શૈલીમાં લખાયેલ સૉનેટસંગ્રહ ‘પારિજાત’ (1938), ‘પ્રભાતગીત’ (1947), ‘શ્રી અરવિંદ વંદના’ (1951), ‘શ્રી અરવિંદ મહાપ્રભુ’ (1972), ‘સાવિત્રી પ્રશસ્તિ’ (1976), ‘જપમાળા’ (1945), ‘ઊર્મિમાળા’ (1945), ‘ગીતિકા’ (1945), ‘શુભાક્ષરી’ (1946), ‘આરાધિકા’ (1948), અને ‘મા ભગવતી’ (1974)નાં કાવ્યોને એકત્ર કરી પ્રગટ થયેલા ‘મહાભગવતી’ (1977) તથા ‘બાલગુંજાર’ (1945), ‘કાવ્યકિશોરી’ (1946), ‘ગીતગુંજરી’ (1952), ‘બાલબંસરી’ (1960) અને એ ચારેને એકત્ર કરી પ્રગટ કરેલ ‘બાલગુર્જરી’ (1980)માં તેમ જ ‘કિશોરકાવ્યો’ (1979), ‘કિશોરકુંજ’ (1979), ‘કિશોરકાનન’ (1979), અને ‘કિશોરકેસરી’ (1979)માં બાળકો અને કિશોરો માટેનાં ગીતોનો સંગ્રહ, ‘પાંચજન્ય’ (1957), ‘મુક્તાવલી’ (1978), ‘શુક્તિકા’ (1979), ‘દુહરાવલી’ (1980), ‘ગુર્જરી’ (1959), ‘વૈજ્યન્તિ’ (1962), ‘અપરાજિતા’ (1979), ‘કાવ્યકેતુ’ (1979), ‘સોપાનિકા’ (1980), ‘શતાવરી’ (1980), ‘દુઃખગાથા’ (1983), ‘ધ્રુવપદી’ (1978), ‘શબરી’ (1978) જેવા કાવ્યસંગ્રહો અને ‘મીરાંબાઈ’ (1980) એ બાળકો માટે રચાયેલી ગીતનાટિકા મળે છે.
‘છંદપ્રવેશ’ (1979), ‘શ્રી અરવિંદ : જીવનદર્શન અને કાર્ય’ (1979), ‘સાવિત્રી સારસંહિતા’ (1976) વગેરે એમના ગદ્યગ્રંથો છે. એ સિવાય એમણે સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથો લખ્યા છે.
‘સાવિત્રી’ ભા. 1–6, ‘મેઘદૂત’ (1980) વગેરે એમના પદ્યાનુવાદના તથા ‘પરમ શોધ’ (1945), ‘શ્રી અરવિંદનાં નાટકો’ (1970), ‘માતાજીની શબ્દસુધા’ (1972) વગેરે એમના ગદ્યાનુવાદના ગ્રંથો છે.
(તસવીર સૌજન્ય: જગન મહેતા)