Priti Sengupta Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રીતિ સેનગુપ્તા

પ્રવાસલેખિકા

  • favroite
  • share

પ્રીતિ સેનગુપ્તાનો પરિચય

પ્રીતિ સેનગુપ્તાનો જન્મ અમદાવાદમાં 17 મે, 1944ના રોજ થયો હતો. રમણલાલ શાહ અને કાંતાગૌરીનાં આ દીકરીએ વિશ્વના અનેક દેશોનો પ્રવાસ ખેડ્યો છે અને 20 જેટલા પ્રવાસનિબંધસંગ્રહ લખ્યા છે. શાળાકીય શિક્ષણ અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાલયમાં મેળવ્યા બાદ સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે બી.એ. થયાં અને 1967માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાંથી અંગ્રેજી વિષય સાથે એમ.એ. થયાં. ત્યાર બાદ અમદાવાદની એચ. કે. કૉલેજમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા તરીકે થોડોક સમય સેવા આપી. પછી તેઓ અમેરિકા જઈ સ્થાયી થયાં. ત્યાંથી તેમના વિશ્વપ્રવાસની શરૂઆત થઈ. આ દરમિયાન અમેરિકાની અનેક સામાજિક સંસ્થાઓમાં અવેતન સેવા આપી.

'જૂઈનું ઝૂમખું' (1982), 'ખંડિત આકાશ' (1985), 'ઓ જુલિએટ' (1994), 'સાત ખંડ, સાતસો ઇચ્છા' (2000), 'બે તરફી પ્રેમ' (2011) વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. આ કાવ્યસંગ્રહમાં મુખ્યત્વે ગીત, ગઝલ અને છાંદસ-અછાંદસ રચનાઓ છે.

પ્રીતિ સેનગુપ્તાએ 20 જેટલા પ્રવાસનિબંધો લખ્યા છે જે આ મુજબ છે : 'પૂર્વા' (1986), 'દિક્દિગંત' (1987), 'સૂરજસંગે, દક્ષિણ પંથે' (1989), 'અંતિમ ક્ષિતિજો' (1991), 'ધવલ આલોક, ધવલ અંધાર' (1992), 'મન તો ચંપાનું ફૂલ' (1993), 'ઉત્તરોત્તર' (1994), 'કિનારે કિનારે' (1995), 'દૂરનો આવે સાદ' (1998), 'દેશ-દેશાવર' (1998), 'એક પંખીનાં પીંછાં સાત' (2000), 'નમણી વહે છે નદી' (2000), 'રીઝો રે દરિયા-દેવ' (2001), 'નૂરના કાફલા' (2001), 'દેવો સદા સમીપે' (2003), 'ખીલ્યાં મારાં પગલાં' (2004), 'અપરાજિતા' (2005), 'સૂતર સ્નેહનાં' (2005), 'આટલી બધી ભૂમિ' (2008), 'સંબંધની ઋતુઓ' (2009).

પ્રીતિબહેને દુનિયાના 100થી વધુ દેશોની મુલાકાત લીધી છે. તેના અનુભવોની સુંદર રજૂઆત આ પ્રવાસનિબંધોમાં થઈ છે. 'પૂર્વા', 'દિક્દિગંત' અને 'સૂરજસંગે, દક્ષિણ પંથે'માં ધ્યાનાકર્ષક નિબંધો છે. દુનિયાના વિવિધ દેશોની પ્રજા સાથે રહેલી તેમની ઊંડી નિસબતનો ખ્યાલ તેમનાં લખાણો પરથી આવે છે. તેમનાં લેખનમાં માત્ર કુદરતી સૌંદર્યનાં વર્ણનો જ નથી, પરંતુ સ્થાનિક પ્રજાઓના જીવનની વાતો પણ છે. પ્રીતિ સેનગુપ્તાને સાહિત્યસર્જન માટે 'કુમાર' સુવર્ણચંદ્રક (2007) તથા ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના એકાધિક પુરસ્કાર મળ્યા છે. તેમને 1993માં વિશ્વગુર્જરી સન્માન મળ્યું હતું.

'ઘરથી દૂરનાં ઘર' (1990), 'ઉત્તર ધ્રુવનું આકર્ષણ' (1996), 'નિત નવા વંટોળ' (1999), 'સ્થળાંતર' (2003), 'મહાનગર' (2005) એ તેમના લલિતનિબંધો છે. 'એક સ્વપ્નનો રંગ' (2004) નામનો ટૂંકી વાર્તાનો સંગ્રહ પણ તેમણે આપ્યો છે.

તેમણે અંગ્રેજીમાં 'જોય ઑફ ટ્રાવેલિંગ અલોન' (1992), 'વ્હાઇટ ડેઝ, વ્હાઇટ નાઇટ' (1993), 'માય એક્સપિડિશન ટુ ધ મેગ્નેટિક નૉર્થપોલ' નામનાં પુસ્તકો લખ્યાં છે.