Premsakhi Premanand Profile & Biography | RekhtaGujarati

પ્રેમસખી પ્રેમાનંદ

સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ

  • favroite
  • share
  • 18મી સદી ઉત્તરાર્ધ-1855

પ્રેમસખી પ્રેમાનંદનો પરિચય

  • જન્મ -
    18મી સદી ઉત્તરાર્ધ
  • અવસાન -
    1855

સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. તેમના જીવન અને ખાસ સ્વામિનારાયણી સાધુ બન્યા તે પૂર્વેના જીવન વિશે બહુ શ્રદ્ધેય માહિતી મળતી નથી. કેટલીક પ્રચલિત માહિતી મુજબ પૂર્વાશ્રમમાં તેઓ ગાંધર્વ એટલે ગવૈયા જ્ઞાતિના હતા. બાળપણમાં માતાપિતાનું મૃત્યુ થવાથી તેઓ વૈરાગી બાવાઓના હાથમાં સપડાયેલા. તેઓ શરીરે દેખાવડા હતા અને તેમનો કંઠ મધુર હતો. દોરા (જિ. ભરૂચ) ગામે સ્વામિનારાયણી સાધુ જ્ઞાનદાસજીનો તેમને સંપર્ક થયો ત્યારથી સહજાનંદ સ્વામીને મળવાની તેમનામાં ઝંખના જાગી. જ્ઞાનદાસજી સાથે દ્વારકાની યાત્રા કરી પાછા વળતાં ગઢડા કે જૂનાગઢમાં એમનો સહજાનંદ સ્વામી સાથે મેળાપ થયો અને ત્યારથી તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. સહજાનંદ સ્વામીએ એમને સંગીતવિદ્યા શીખવા માટે બુરહાનપુર મોકલ્યા. ત્યાં તેમણે સંગીતનો શાસ્ત્રીય અભ્યાસ કર્યો. સહજાનંદ સ્વામીના સૂચનથી સંસ્કૃતનું જ્ઞાન પણ તેમણે મેળવ્યું લાગે છે. સાધુ તરીકે પહેલાં એમનું નામ નિજબોધાનંદ હતું. પરંતુ પાછળથી એમની ભક્તિની આર્દ્રતા જોઈ સહજાનંદ સ્વામીએ એમનું નામ પ્રેમાનંદ રાખ્યું. ઘણી વખત તેઓ એમને વહાલમાં ‘પ્રેમસખી’ તરીકે પણ સંબોધતા. એમનાં પદોમાં ‘પ્રેમાનંદ’ કે ‘પ્રેમસખી’ એમ બે નામ મળે છે તેથી દેખાય છે કે તેઓ સંપ્રદાયમાં આ બન્ને નામથી જાણીતા હતા. તેમના જીવનનો ઘણો ભાગ સહજાનંદ સ્વામી સાથે ગઢડામાં પસાર થયેલો.