તેમનો જન્મ પંચમહાલ જિલ્લાના મહેલોલમાં થયો હતો. તેમણે 1961માં એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને 1965માં ગુજરાતી–સંસ્કૃત વિષયો સાથે બી.એ. કર્યું હતું. 1967માં એ જ વિષયોમાં એમ.એ. તથા 1973માં ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ ‘નિબંધ : સ્વરૂપ અને વિકાસ’ વિષય સાથે પીએચ.ડી.ની પદવી હાંસિલ કરી હતી. તેમણે 1965થી 1967 સુધી મોડાસા કૉલેજમાં અધ્યાપનનું કામ કર્યું હતું. 1967થી તેઓ લુણાવાડા કૉલેજમાં અધ્યાપક, અને ૨૦૦૬માં ત્યાંથી આચાર્યપદેથી નિવૃત્ત થયા.
તેમની પાસેથી આપણને ‘ચીસ’ (1973) અને ‘ઉત્સેધ’ (1985) જેવા કાવ્યસંગ્રહો મળે છે. ‘અડખેપડખે’ (1982)માં લઘુ ચિંતનાત્મક નિબંધો અને ‘લીલા પર્ણ’ (1984)માં લલિતનિબંધો પણ તેઓ આપે છે.
‘સ્પંદ’ (1976), ‘ચર્વણા’ (1976), ‘દયારામ’ (1978), ‘પ્રત્યગ્ર’ (1978), ‘પશ્ચાત્’ (1982), ‘નવલકથા સ્વરૂપ’ (1986), ‘લલિત નિબંધ’ (1986) એમના વિવેચનસંગ્રહો છે. ‘ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ’ (1984) એમનું સંપાદન છે; જ્યારે ‘શબ્દશ્રી’ (1980) તથા ‘ગદ્યસંચય’- 2 (1982) એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે.