પ્રતિષ્ઠા પંડ્યા ગુજરાતી અને અંગ્રેજીમાં લખતાં દ્વિભાષી કવયિત્રી છે. 'ળળળ...' (૨૦૧૯) એમનો કાવ્યસંગ્રહ છે. એમની રચનાઓ 'એતદ્', 'નવનીત સમર્પણ', 'બુદ્ધિપ્રકાશ', 'શબ્દસૃષ્ટિ', 'કવિતા' વગેરે સામયિકોમાં પ્રકાશિત થયેલ છે. તેઓ અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં અનુવાદ કરે છે. તેમના અંગેજી અનુવાદ 'ઇન્ડિયન લિટરેચર', 'ફોર ક્વાર્ટર્સ', 'ઇન્ડિયન કલ્ચરલ ફોરમ', 'ચંદ્રભાગા' વગેરેમાં પ્રકાશિત થયેલા છે. તેમણે વિવિધ સાહિત્યિક મંચ અને સાહિત્યોત્સવોમાં કાવ્યપાઠ કર્યો છે. હાલમાં તેઓ 'પીપલ્સ આર્કાઇવ ઑફ રૂરલ ઇન્ડિયા'ના વરિષ્ઠ સંપાદક તરીકે કાર્યરત છે.