Pranjivan Mehta Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રાણજીવન મહેતા

કવિ અને વાર્તાકાર

  • favroite
  • share

પ્રાણજીવન મહેતાનો પરિચય

  • જન્મ -
    14 જુલાઈ 1937
  • અવસાન -
    22 માર્ચ 2017

પ્રાણજીવન મહેતાનો જન્મ ભૂજ (કચ્છ)માં થયો હતો. કૉલેજમાં વાણિજ્ય પ્રવાહ સાથે પ્રથમ વર્ષનો અભ્યાસ કર્યા પછી એક દસકો (1962થી 1973) સિલ્ક મિલમાં અને ત્યાર બાદ મુંબઈમાં કસ્ટમહાઉસમાં ક્લીયરીંગ એજન્ટ તરીકે કામ કરી ત્યાંથી નિવૃત્ત થયા. આઠ દાયકાનું જીવતર ભોગવી તા. 22 માર્ચ 2017ના રોજ તેમણે આ લોકમાંથી ચિરવિદાય લીધી.

નવીનતમ - અદ્યતન આબોહવામાં વિકસેલા આ કવિની કાવ્યસૃષ્ટિમાં નૂતનતાનો સંસ્પર્શ જોવા મળે છે, જેની પ્રતીતિ મુખ્યત્વે અછાંદસ કાવ્યો ઉપરાંત તેઓએ છંદ, દુહા, ગીત, ચાબખા જેવાં સ્વરૂપો અજમાવતા કાવ્યોના સંચય ‘કાનોમાતર’ (1979), ‘પ્રા. વચન’ (2002), ‘પ્રા. કૃત’ (2002) અને ‘પ્રા. પ્રત્યક્ષ’ (2007)માં  થાય છે. એક જ વિષયને લગતાં કાવ્યોના ગુચ્છ ‘ભવિષ્યકથન' અને ‘સમુદ્રમંથન’ તેમજ વ્યાકરણના નિયમોને કવિતા દ્વારા સરળ શીરાની જેમ ઉતરાવવાના પ્રયાસરૂપ વ્યાકરણવિષયક કાવ્યો નોંધપાત્ર છે. કાવ્ય માફક વાર્તા સ્વરૂપમાં પણ પોતાની પ્રયોગશીલ વૃત્તિના દર્શન કરાવ્યા છે: ‘પ્રા. કથન' (1997), પ્રા. વિધાન’ (2011) અને ‘પ્રા. કથિત’ (2011) તેમના વાર્તાસંગ્રહ છે. ‘ખાલી ખુરશીઓ', ‘લાખા ફૂલણજીની લડાઈ’, ‘રા’ અવઘણ’, ‘વેશાંતરે’, ‘ઇયળનો અહેવાલ’, ‘મણિ-પ્રાણની પ્રેમગાથા’, ‘રાની ફેનફિતુરાની વારતા' ‘અમારો સંબંધ’ વગેરે વાર્તાઓ દ્વારા આધુનિક મનુષ્યજીવનની વિડંબના, વ્યથા, જીવનની સારહીનતાનાં જુદાંજુદાં રૂપોને વાર્તાકારે આગવી નિરૂપણરીતિથી મૂકી આપ્યાં છે. તો ‘પંચતંત્ર’નો આધાર લઈને પશુ-પક્ષીઓનાં પાત્રો દ્વારા બોધકથાઓથી ભિન્ન એવી નવબોધકથાઓ ‘પ્ર-પંચતંત્ર’ (2002)માં આપી છે.

પ્રાણજીવન મહેતાને  ‘પ્રા. કૃત’ કાવ્યસંગ્રહ માટે ગુજરાત સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્ર રાજ્ય, મુંબઈ તરફથી 2002ના વર્ષનું પારિતોષિક અને ‘પ્રા. વચન' માટે 2002-03નો જયંત પાઠક કવિતાપુરસ્કાર, વાર્તાસંગ્રહ ‘પ્રા. કથન’ માટે 1997ના વર્ષનું સરોજ પાઠક પારિતોષિક, એ જ વર્ષનું ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક તેમજ 1998નું ગિરાગુર્જરી સાહિત્યપારિતોષિક મળ્યાં છે.