Pinakin Thakor Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પિનાકિન ઠાકોર

અધ્યાત્મ અને સૌંદર્યરંગી લયમધુર ગીતોના સર્જક

  • favroite
  • share

પિનાકિન ઠાકોરનો પરિચય

ગુજરાતી કવિ પિનાકિન ઠાકોરનો જન્મ 24 ઑક્ટોબર, 1916ના રોજ મ્યાનમારના મ્યોમ્યાં ખાતે થયો હતો. તેમનું મૂળ વતન અમદાવાદ. વડોદરામાં માધ્યમિક શિક્ષણ મેળવીને 1934માં મૅટ્રિક થયા. ત્યારબાદ પૂણેથી 1938માં કૃષિવિજ્ઞાનના વિષય સાથે બી.એસ.સી. કર્યું. 1940માં મ્યોમ્યાં જઈને સોના-ઝવેરાતનો વેપાર ચાલુ કર્યો. 1941માં અમદાવાદ પરત ફરીને ઝવેરાતની દુકાન નાખી સ્થિર થયા. 1942માં અમદાવાદમાં આઝાદીની લડાઈમાં જોડાયા હતા. તેઓ અમદાવાદમાં સેવાદળ તથા નટમંડળ સંસ્થાઓમાં ઘણા સક્રિય હતા. અમદાવાદના આકાશવાણીના નાટ્યવિભાગમાં 1956માં જોડાયા અને 1977માં નિવૃત્ત થયા. આ સમય દરમિયાન તેઓ ગુજરાત વિદ્યાપીઠના કૃષિવિભાગમાં અધ્યાપન કાર્ય પણ કરતા હતા. નૃત્યની તાલીમ મેળવનાર પિનાકિન ઠાકોરને કવિતાઓ અને નાટકમાં ખૂબ રસ હતો. તેમનું અવસાન 26 નવેમ્બર, 1995ના રોજ અમદાવાદમાં થયું.

પિનાકિન ઠાકોરની કાવ્યપ્રતિભા ખીલવવામાં ‘બુધસભા’નું યોગદાન મહત્વનું હતું. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘આલાપ’ 1952માં પ્રકટ થયો હતો. ત્યારપછી ‘રાગિણી’ (1966), ‘ઝાંખી અને પડછાયા’ (1971) તથા ‘એક જ પલક અજંપ’ (1988) કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા. ‘ફોરાં અને ફૂલ’ (1975) એમનાં બાળકાવ્યોનો સંગ્રહ છે. તેમણે પરંપરાગત શૈલીની સાથે પ્રયોગાત્મક અને આધુનિક શૈલીની કવિતાઓ લખી છે. તેમની કવિતાઓ દયાભાવવાળી, ચિંતનાત્મક અને વ્યંગાત્મક છે. સૉનેટ, ગીત, મુક્તક અને છાંદસ દીર્ઘકાવ્યોમાં પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ એમના મુખ્ય વિષયો રહ્યા છે. ગીતોમાં લય પરનું તેમનું પ્રભુત્વ સ્પષ્ટ રીતે દેખાય છે, સાથેસાથે લેખનની છટા સુંદર છે. દેશપ્રેમ અને અધ્યાત્મિકતા તેમના કાવ્યોમાં જોવા મળે છે. સાતમ અને આઠમા દશકના આધુનિક કવિતાપ્રવાહોને સાથે રાખીને તેમણે કેટલાંક ગદ્યકાવ્યો લખ્યાં છે.

‘ઝાંઝર ઝલ્લક’(1987)માં 6 અને ‘મહેનતનો રોટલો મજાનો’માં બાળકો માટેની 2 નૃત્યનાટિકાઓ છે. મુક્તકોનો સંગ્રહ ‘ભીના શબ્દો’ (1982) અને મંગલાષ્ટકોનો સંગ્રહ ‘આશિષ-મંગલ’(1982)ના નામે છે.

‘રાગિણી’માં તેમણે લખેલી 16 નૃત્યનાટિકાઓ છે. ‘શ્રી લકુલીશ-સ્મરણયાત્રા’ (1972) લકુલીશને કેન્દ્રમાં રાખીને લખાયેલી ભક્તિપ્રધાન નૃત્યનાટિકા છે.

(તસવીર સૌજન્ય: જગન મહેતા)