પવનકુમાર જૈનનો જન્મ 24 જાન્યુઆરીના રોજ મુંબઈ શહેરમાં વીરેન્દ્રકુમાર જૈનને ત્યાં અનિલાબેનને કુખે થયો. વતન પ્રતાપગઢ રાજસ્થાન. તેઓ અંગ્રેજી સાથે વિનયન સ્નાતક અને અંગ્રેજી અને સૌંદર્યશાસ્ત્ર સાથે અનુસ્નાતક થયા. 1974માં અમદાવાદની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનમાંથી ગ્રાફિક ડિઝાઇન ડિપ્લોમા કર્યું અને ઉત્તમ ગ્રાફિક ડિઝાઇનર તરીકે ખ્યાતિ મેળવી. તેઓ તેમના પિતાની જેમ હિન્દી સામયિક ‘ભારતી’ના સંપાદક પદે રહ્યા અને અંગ્રેજી અનિયતકાલિક ‘ટોર્નેડો’નું થોડોક વખત સંપાદનકાર્ય સંભાળ્યું.
સાહિત્ય ક્ષેત્રે તેમનું આગમન હિન્દી કાવ્ય ‘ખંડિત ફૂલ’ થકી થયું, તો ગુજરાતી સાહિત્યમાં એમનું પગરણ લાભશંકર ઠાકર સંપાદિત ‘કૃતિ’ માસિકમાં પ્રકાશિત રચનાથી થયું. તેમના સર્જનમાં — ‘65 કાવ્યો’ (2012) નામે કાવ્યસંગ્રહ, ‘33 વાર્તાઓ’ (2015) નામે મરણોત્તર વાર્તાસંગ્રહ (જેમાંની ‘ઈપાણનું યૌવન’ અને ‘વરુ અને શ્રી પાપી’ બહુપ્રશંસ્ય વાર્તાઓ રહી છે), ‘દેશ-પરદેશની લોકકથાઓ’ (2015, વિવિધ દેશની લોકકથાઓનો અનૂદિત સંચય) અને ‘પ્રશિષ્ટ જર્મન સાહિત્ય’ આદિ અનુવાદ તેમજ ‘નાટ્યપર્વ 2004 : શ્રેષ્ઠ મૌલિક નાટકો' નામે ઉત્તમ નાટકોનું સંપાદન મળી આવે છે.
તેમની વાર્તાઓને ‘ડાયરો’ અને ‘નવનીત'નાં પારિતોષિકો મળ્યાં છે.