Pannalal Patel Profile & Biography | RekhtaGujarati

પન્નાલાલ પટેલ

જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત ગુજરાતી ભાષાના અગ્રગણ્ય સાહિત્યકાર

  • favroite
  • share

પન્નાલાલ પટેલનો પરિચય

જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા અગ્રણી ગુજરાતી નવલકથાકાર, ઉપરાંત વાર્તાકાર, નાટ્યલેખક, અને સંસ્મરણાત્મક ગદ્યના લેખક. તેમનો જન્મ તેમના વતન રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં થયો હતો. તેમણે તેમનું શિક્ષણ ઈડરમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી લીધું હતું. ત્યાર બાદ કપરી કૌટુંબિક આર્થિક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડીને એકાદ વર્ષ ડુંગરપુરના સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી કરી. પછી અમદાવાદ આવી થોડો વખત એક સદ્‌ગૃહસ્થને ઘરે નોકરી અને એ સદ્‌ગૃહસ્થની મદદથી અમદાવાદ ઇલેક્ટ્રિક કંપનીમાં ઑઇલમૅન અને પછી મીટર રીડિંગ કરનાર તરીકે તેમણે ફરજ બજાવી. 1936માં અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન મળ્યું હતું તેમાં ઈડર શાળાના તેમના સહાધ્યાયી, અગ્રગણ્ય ગુજરાતી સર્જક ઉમાશંકર જોશી સાથે સંપર્ક થયો હતો અને તેમના પ્રોત્સાહનથી પન્નાલાલે સાહિત્યસર્જનના શ્રીગણેશ કર્યા હતા. ચારપાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક તરીકે પણ તેમણે કામગીરી કરી હતી. પછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથે સાથે લેખનપ્રવૃત્તિની શરૂઆત તેમણે કરી હતી. 1947માં ક્ષયની બીમારીમાં તેઓ સપડાયા અને પછી શ્રી અરવિંદના દર્શન તરફ તેમનું આકર્ષણ થયું હતું. 1958થી તેમણે અમદાવાદમાં સ્થાયી વસવાટ કર્યો હતો અને લેખન એ તેમનો મુખ્ય વ્યવસાય હતો. તેમને 1950માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. 1979માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના તેઓ પ્રમુખ નિમાયા હતા. 1985ના વર્ષના ભારતીય જ્ઞાનપીઠ એવૉર્ડથી પણ તેઓ સન્માનિત થયા હતા. અમદાવાદમાં 6 એપ્રિલ 1989માં બ્રેઇન હેમરેજથી તેમનું અવસાન થયું હતું.

તેમણે તેમના લેખનની શરૂઆત ‘શેઠની શારદા’ નામની ટૂંકીવાર્તાથી કરી હતી. સાદ્યંત સુંદર હોવાને લીધે તેમની વાર્તાઓ ગુજરાતનાં વિવિધ પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થવા માંડી હતી. 1940માં તેમણે ‘વળામણાં’ નામની નવલકથા આપી. તેના શીર્ષકથી પ્રભાવિત થઈને ઝવેરચંદ મેઘાણીએ તેમને ‘ફૂલછાબ’માં ગ્રામજીવનની નવલકથા લખવાનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને વશ થઈ તેમણે માત્ર 22 દિવસમાં ‘મળેલા જીવ’ (1941) નવલકથા લખી, જે અત્યંત લોકપ્રિય બની. ‘મળેલા જીવ’ વિશે જયંત ગાડીત લખે છે કે, “આ, ગ્રામજીવનના પરિવેશમાં બે ભિન્ન જ્ઞાતિનાં કાનજી–જીવી વચ્ચે જન્મેલા પ્રણયમાંથી આકાર લેતી કરુણ પરિસ્થિતિને આલેખતી નવલકથાએ એના લેખકને સાહિત્યિક વર્ગમાં ઘણી પ્રતિષ્ઠા અપાવી.”

આ પછી પન્નાલાલની ઓળખ સમી નવલકથા ‘માનવીની ભવાઈ’ (1947)માં આપણને મળે છે. આ નવલકથામાં આલેખાયેલું દુકાળનું વર્ણન અને એની સાપેક્ષે ચાલતો કાળુ અને રાજુનો પ્રણય વાચકનાં હૃદય-મન વિચલિત નાખે તેવું છે. આ વિશે જયંત ગાડીત કહે છે કે “ગ્રામજીવનનાં માનવીઓનાં સુખદુઃખ, તેમનાં વેરઝેર, રાગદ્વેષ, કજિયાકંકાસ ને કુટિલ નીતિરીતિ; તેમનાં ભોળપણ, ઉલ્લાસ, અરમાનો ને વિટંબણાઓ; છપ્પનિયા દુકાળમાં કારમી ભૂખમાં એ પ્રજાનું ભીંસાવું ને પીંખાવું – એ સૌનું એ પ્રજાની નિજી ભાષાના રણકા સાથે જે વેધક ચિત્ર મળ્યું છે તેથી આ નવલકથા માત્ર પ્રણયકથા ન રહેતાં ગુજરાતના અને ભારતના ખેડુજીવનની કથા બની રહે છે. માંડલીની ગ્રામસૃષ્ટિ સાથેના લેખકના સઘન પરિચયને પરિણામે ગ્રામજીવન એના આટલા વાસ્તવિક રૂપમાં ગુજરાતી કથાસાહિત્યમાં પહેલી વખત પ્રગટ થાય છે.”

‘માનવીની ભવાઈ’નું અનુસંધાન ‘ભાંગ્યાના ભેરુ’ (1957) અને ‘ઘમ્મર વલોણું – ભાગ 1–2’ (1957)માં આગળ વધે છે. આ ઉપરાંત તેમની પાસેથી આપણને અસંખ્ય નવલકથાઓ મળે છે.

‘ના છૂટકે’ (1955), ફકીરો’ (1955), ‘મનખાવતાર’ (1961), ‘કરોળિયાનું જાળું’ (1963), ‘મીણ માટીનાં માનવી’ (1966), ‘કંકુ’ (1970), ‘અજવાળી રાત અમાસની’ (1917), ‘ભીરુ સાથી’ (1943), ‘યૌવન’ ભા. 1–2 (1944), ‘નવું લોહી’ (1958), ‘પડઘા અને પડછાયા’ (1960), ‘અમે બે બહેનો’ ભા. 1–2 (1962), ‘આંધી અષાઢની’ (1964), ‘પ્રણયનાં જૂજવાં પોત’ (1969), ‘અલ્લડ છોકરી’ (1972), ‘એક અનોખી પ્રીત’ (1972), ‘નથી પરણ્યાં નથી કુંવારાં’ (1974), ‘રૉ મટિરિયલ’ (1983) ,‘ગલાલસિંગ’ (1972), ‘પાછલે-બારણે’ (1947), ‘વળી વતનમાં’ (1966), ‘એકલો’ (1973), ‘તાગ’ (1979), ‘પગેરું’ (1981), ‘અંગારો’ (1981), તથા ‘પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા’ (1983), ‘જેણે જીવી જાણ્યું’ (1984), જેવી અનુક્રમે મધ્યકાલીન ભક્ત નરસિંહ મહેતા અને લોકસેવક રવિશંકર મહારાજના જીવન પરથી લખાયેલી ચરિત્રકથાઓ છે. ‘નગદનારાયણ’ (1967) અને ‘મરકટલાલ’ (1973) હળવી શૈલીની નવલકથાઓ છે.

છેલ્લાં વર્ષો દરમિયાન એમણે ‘પાર્થ ને કહો ચડાવે બાણ’ ભા. 1–5 (1974), ‘રામે સીતાને માર્યાં જો!’ ભા. 1–4 (1976), ‘કૃષ્ણજીવનલીલા’ ભા. 1–5 (1977), ‘શિવપાર્વતી’ ભા. 1–6 (1979), ‘ભીષ્મની બાણશય્યા’ ભા. 1–3 (1980), ‘કચ–દેવયાની’ (1981), ‘દેવયાની–યયાતી’ ભા. 1–2 (1982), ‘સત્યભામનો માનુષી-પ્રણય’ (1984), ‘(માનવદેહે) કામદેવ રતિ’ (1984), ‘(મહાભારતનો પ્રથમ પ્રણય) ભીમ–હિડિમ્બા’ (1984), ‘અર્જુનનો વનવાસ કે પ્રણયપ્રવાસ’ (1984), ‘પ્રદ્યુમ્ન–પ્રભાવતી’ (1984), ‘શ્રી કૃષ્ણની આઠ પટરાણીઓ’ (1984), ‘શિખંડી – સ્ત્રી કે પુરુષ?’ (1984), ‘રેવતીઘેલા બળદેવજી’ (1984), ‘સહદેવ–ભાનુમતીનો પ્રણય’ (1984), ‘કુબ્જા અને શ્રીકૃષ્ણ’ (1984), ‘(નરમાં નારી) ઇલ-ઇલા’ (1986), ‘(અમરલોક-મૃત્યુલોકનું સહજીવન) ઉર્વશી–પુરુરવા’ (1986) એ મહાભારત, રામાયણ, અને પુરાણોની કથાઓને વિષય બનાવી, મૂળનાં વાર્તાતંતુ અને ચમત્કારી અંશો જાળવી રાખી, મૂળને ઘણી જગ્યાએ નવો અર્થ આપીને રચેલી કથાઓ આપી છે.

નવલકથાની સમાંતરે ટૂંકીવાર્તાઓના સર્જનની એમની પ્રવૃત્તિ પણ સતત ચાલી છે, ‘સુખદુઃખનાં સાથી’ (1940), ‘જિંદગીના ખેલ’ (1941), ‘જીવો દાંડ’ (1941), ‘લખચોરાસી’ (1944), ‘પાનેતરના રંગ’ (1946), ‘અજબ માનવી’ (1947), ‘સાચાં શમણાં’ (1949), ‘વાત્રકને કાંઠે’ (1952), ‘ઓરતા’ (1954), ‘પારેવડાં’ (1956), ‘મનના મોરલા’ (1958), ‘કડવો ઘૂંટડો’ (1958), ‘તિલોત્તમા’ (1960), ‘દિલની વાત’ (1962), ‘ધરતીઆભનાં છેટાં’ (1962), ‘ત્યાગી-અનુરાગી’ (1963), ‘દિલાસો’ (1964), ‘ચીતરેલી દીવાલો’ (1965), ‘મોરલીના મૂંગા સૂર’ (1966), ‘માળો’ (1967), ‘વટનો કટકો’ (1969), ‘અણવર’ (1970), ‘કોઈ દેશી કોઈ પરદેશી’ (1971), ‘આસમાની નજર’ (1972), ‘બિન્ની’ (1973), ‘છણકો’ (1975), ‘ઘરનું ઘર’ (1979), અને ‘નરાટો’ (1981) એ વાર્તાસંગ્રહોની પોણાપાંચસો જેટલી ગ્રામજીવન અને નગરજીવનનાં માનવીઓની વાર્તાઓમાં ગ્રામપરિવેશમાં પ્રગટ થતી માનવમનની આંટીઘૂંટીને આલેખતી કેટલીક ઉત્તમ વાર્તાઓ એમની પાસેથી મળી છે.

‘જમાઈરાજ’ (1952)માં સંગૃહીત રચનાઓને જોકે એમણે એકાંકીઓ તરીકે ઓળખાવી છે, પણ એમાં પહેલી કૃતિ ‘જમાઈરાજ’ બહુઅંકી નાટકની છાપ ચિત્ત પર પાડે છે. ‘ઢોલિયા સાગસીસમના’ (1963) અને ‘ભણે નરસૈંયો’ (1977) એ એમનાં મૌલિક ત્રિઅંકી નાટકો છે. ‘કંકણ’ (1968) અને ‘અલ્લડ છોકરી’ (1971) પોતાની જ નવલકથાઓ અનુક્રમે ‘ફકીરો’ અને ‘અલ્લડ છોકરી’નાં નાટ્યરૂપાંતર છે. ‘ચાંદો શેં શામળો?’ (1960), ‘સપનાના સાથી’ (1967), અને ‘કાનન’ એ પશ્ચિમની નાટ્યકૃતિઓનાં રૂપાંતર છે. ‘સ્વપ્ન’ (1978) શ્રી અરવિંદની એક વાર્તા પરથી રૂપાંતરિત નાટક છે.

‘વાર્તાકિલ્લોલ’ ભા. 1–2 (1972, 1973), ‘બાલકિલ્લોલ’ ભા. 1–10 (1972), ‘ઋષિકુળની કથાઓ’ ભા. 1–4 (1973), ‘દેવનો દીધેલ’ ભા. 1–5 (1975), ‘મહાભારત કિશોરકથા’ (1976), ‘રામાયણ કિશોરકથા’ (1980), ‘શ્રીકૃષ્ણ કિશોરકથા’ (1980), ‘સત્યયુગની કથાઓ’ ભા. 1–5 (1981) એ એમના બાળ-કિશોરસાહિત્યના ગ્રંથો છે. ‘અલપઝલપ’ (1973) એમની બાળપણ–કિશોરજીવનની આત્મકથા છે. ‘પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’ (1958), ‘પન્નાલાલનો વાર્તાવૈભવ’ (1963), ‘વીણેલી નવલિકાઓ’ (1973), ‘પૂર્ણયોગનું આચમન’ (1978), ‘લોકગુંજન’ (1984) એ એમના સંપાદનગ્રંથો છે. ‘અલકમલક’ (1986), ‘સર્જનની સુવર્ણ સ્મરણિકા’ (1986) એમના અન્ય પ્રકીર્ણ ગ્રંથો છે.

(તસવીર સૌજન્ય: જગન મહેતા)