Nitin Mehta Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નીતિન મહેતા

કવિ, વિવેચક, સંપાદક

  • favroite
  • share

નીતિન મહેતાનો પરિચય

નીતિન મહેતાનો જન્મ જૂનાગઢમાં 12 એપ્રિલ, 1944માં થયો હતો. તેમણે અભ્યાસ મુંબઈમાં કર્યો હતો. 1962માં એસ.એસ.સી. પાસ, 1968માં બી.એ. અને 1971માં એમ.એ.ની ડિગ્રી ગુજરાતી વિષય સાથે મેળવી. તેમણે 1982માં પીએચ.ડી.ની પદવી મેળવી. સુરેશ જોષીના માર્ગદર્શન હેઠળ ‘1956 પછી ગુજરાતી કવિતાની પદાવલિ : એક અભ્યાસ’ શોધનિબંધ લખ્યો. મુંબઈની મણિબહેન નાણાવટી વિમેન્સ કૉલેજમાં તેઓ 1973માં અધ્યાપક તરીકે જોડાયા હતા, બાદમાં 1984માં મુંબઈ છોડીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં ભાષા-સાહિત્યનું અધ્યાપન કર્યું. પછી તેઓ 1990માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ થયા અને 2002માં નિવૃત્ત થયા. તેઓ 1972-73માં ‘ગ્રંથ’ માસિક સાથે સંલગ્ન હતા. થોડો સમય ‘યાહોમ’નું પણ સંપાદન કર્યું. ત્યાર બાદ તેમણે સુરેશ જોષીએ શરૂ કરેલા ‘એતદ્’ સામાયિકનું સંપાદન કર્યું હતું. તેમનું અવસાન 1 જૂન, 2010ના રોજ થયું હતું.

નીતિન મહેતાનો પહેલો કાવ્યસંગ્રહ ‘નિર્વાણ’ 1988માં પ્રકાશિત થયો હતો. ત્યાર બાદ તેમના અવસાન બાદ 2012માં નિર્વાણની મરણોત્તર સંવર્ધિત આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. ‘અનિત્ય’ (2014) તેમનો મરણોત્તર કાવ્યસંગ્રહ છે. નીતિન મહેતાના ‘નિર્વાણ’ કાવ્યસંગ્રહમાં આધુનિક ગુજરાતી કવિતાઓ વિશિષ્ટ રૂપે પ્રકાશિત થઈ છે. નીતિન મહેતાની અનેક કવિતાઓ અછાંદસ છે. તેમણે કવિતાઓની અભિવ્યક્તિમાં વૈવિધ્ય જાળવવા માટે તેને કથાના સ્વરૂપે મૂકી છે અથવા નાટ્યાત્મક રજૂઆતનો ઉપયોગ કર્યો છે.

મુંબઈની ટ્રેન અને દરિયો જેવા વિષયો પર કવિતાઓ લખી છે. ‘મન’ અને ‘અનંતયાત્રા’ તેમના પ્રમાણમાં દીર્ઘ અછાંદસ કાવ્યો છે. ‘અનિત્ય’ કાવ્યસંગ્રહના કાવ્ય ‘ચીજવસ્તુઓ’ અને ‘ધૂળ’ ધ્યાનપાત્ર કાવ્યો છે. નીતિન મહેતાનું આધુનિક ગુજરાતી કવિતામાં યોગદાન મોટું રહ્યું છે.

‘કાવ્યબાની’ (2001), અપૂર્ણ (2004), ‘નિરંતર’ (2007), ‘નયપ્રમાણ’ (2010, મરણોત્તર) તેમના વિવેચનગ્રંથો છે. કાવ્યબાની એ નીતિન મહેતાના શોધનિબંધનું ગ્રંથસ્વરૂપ છે. ‘અપૂર્ણ’માં તેમણે કવિતાઓનું વિવેચન કર્યું છે. ‘નિરંતર’ વિવેચન ગ્રંથ તેમણે ગ્રહણ કરેલા આધુનિક વિવેચનાત્મક પાસાંની સમજણ આપે છે. ‘નયપ્રમાણ’ તેમણે ‘એતદ્’ સામયિકમાં લખેલા સંપાદન લેખોનો સંગ્રહ છે.

તેમણે સંપાદિત કરેલા ‘પંડિતયુગનું પુનર્મૂલ્યાંકન’ (1987) નામના ગ્રંથમાં પંડિતયુગના સાહિત્ય પરનાં વ્યાખ્યાનોને સંપાદિત કર્યાં છે. ‘સુરેશ જોષી: કેટલીક નવલિકાઓ’ (2002) અને ‘ગુજરાતી કવિતાચયન : 2003’ (2005) નામના સંપાદિત ગ્રંથોમાં તેમની વિશિષ્ટ સાહિત્યસૂઝનો પરિચય થાય છે.

નીતિન મહેતાના કાવ્યસંગ્રહને ‘સંધાન ક્રિટિક્સ ઍવૉર્ડ’ પ્રાપ્ત થયો છે. તેમના વિવેચનગ્રંથ ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે.