Nishkulanand Profile & Biography | RekhtaGujarati

નિષ્કુળાનંદ

સ્વામિનારાયણ સંપ્રદાયના આઠ સંતકવિઓમાંના એક

  • favroite
  • share
  • 1766-1848

નિષ્કુળાનંદનો પરિચય

  • જન્મ -
    1766
  • અવસાન -
    1848

પૂર્વે લાલજી સુતાર કે સુથાર નામ ધરાવતા નિષ્કુળાનંદનો જન્મ 1766ના વર્ષ દરમિયાન જામનગર જિલ્લાના શેખપાટ ગામમાં પિતા રામભાઈ સુથારને ઘેર માતા અમૃતબાના કુખે થયો હતો. એકના એક સંતાન હોવાથી આરંભે ગૃહસ્થાશ્રમ માંડ્યો, પરંતુ 1804માં ગૃહસ્થાશ્રમ તજી, આધોઈમાં ભગવાન સ્વામિનારાયણ પાસેથી દીક્ષા લઈને લાલજી સુથારમાંથી નિષ્કુળાનંદ સ્વામી બન્યા અને ધોલેરાના મંદિરમાં નિવાસ કર્યો. મંદિરમાં સેવા કરતા કરતા 1848માં તેમનો દેહોત્સર્ગ થયો.

નિરક્ષર હોવા છતાં માતબર સાહિત્ય સર્જી તેમજ કાષ્ઠકલા, શિલ્પકલામાં પણ આગવો કસબ દાખવી તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની અમૂલ્ય સેવા કરી છે. પ્રથમ કૃતિ ‘યમદંડ’ અને અંતિમ કૃતિ ‘ભક્તિનિધિ’ અને આ વચલા ગાળામાં નિષ્કુળાનંદ સ્વામીએ ત્રણ હજાર કીર્તનો અને ચોવીસ કૃતિઓની રચના કરી છે. ‘યમદંડ’, ‘ભક્તચિંતામણિ’, ‘વચનવિધિ’, ‘પુરુષોત્તમપ્રકાશ’, ‘સારસિદ્ધિ’, ‘હરિબળગીતા’, ‘ધીરજાખ્યાન’, ‘સ્નેહગીતા’, ‘ચોસઠપદી’, ‘હૃદયપ્રકાશ’, ‘કલ્યાણનિર્ણય’, ‘મનગંજન’, ‘ગુણગ્રાહક’, ‘હરિવિચરણ’, ‘હરિસ્મૃતિ’, ‘અરજીવિનય’, ‘અવતારચિંતામણિ’, ‘ચિહ્નચિંતામણિ’, ‘પુષ્પચિંતામણિ’, ‘લગ્નશકુનાવલિ’, ‘વૃત્તિવિવાહ’, ‘શિક્ષાપત્રી પદ્યરૂપા’, ‘શ્રીકૃષ્ણજન્મચરિત્ર’ અને ‘ભક્તિનિધિ’ આદિ. ‘ગુણગ્રાહક’, ‘હરિવિચરણ’, ‘અરજીવિનય’, ‘ચિહ્નચિંતામણિ’ અને ‘લગ્નશકુનાવલિ’ – આ પાંચ કૃતિઓ હિન્દીમાં છે; અન્ય ઓગણીસ કૃતિઓ ગુજરાતીમાં છે. તેમણે રચેલી સર્વ શ્રેષ્ઠકૃતિ ‘ભક્તચિંતામણી’ અને ‘પુરુષોત્તમ પ્રકાશ’ છે. વિરહનાં તથા સ્વરૂપવર્ણનનાં પદો અને બારમાસીઓ, ધોળ, ગરબીઓ તેમનું અન્ય સાહિત્ય છે.

સચોટ વાણીમાં વિરક્તિ ઉપદેશ એ તેમની ખાસિયત છે. તેમનાં ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી’, ‘જનની જીવો રે ગોપીચંદની’ અને ‘જંગલ વસાવ્યું જોગીએ’ વગેરે પદો ખૂબ લોકપ્રિય છે, જેમાંના પ્રથમ બે પદ ‘આશ્રમભજનાવલિ’માં સ્થાન પામ્યાં છે.