Niranjan Bhagat Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નિરંજન ભગત

અનુગાંધીયુગના અગ્રણી નગરકવિ અને વિવેચક

  • favroite
  • share

નિરંજન ભગતનો પરિચય

નિરંજન ભગત અનુગાંધીયુગના અગ્રણી નગરકવિ અને વિવેચક હતા. તેમનો જન્મ અમદાવાદમાં તથા પ્રાથમિક શિક્ષણ પણ અમદાવાદની વિવિધ શાળાઓ, કાલુપુર શાળા નં. 1, પ્રોપ્રાયટરી, નવચેતન, વગેરેમાં થયું. તેમણે 1942માં સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાવા માટે અભ્યાસ છોડ્યો, પોલીસની લાઠીનો પણ માર ખાધો હતો.

ત્યાર બાદ મુંબઈ જઈ તેમણે 1948માં એન્ટાયર અંગ્રેજીમાં બી.એ. કરી, 1950માં પરત અમદાવાદ આવી એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી એમ.એ. કરી, પ્રાધ્યાપન કાર્ય કર્યું. તેમણે 1950થી લઈ 1986માં નિવૃત્તિ સુધી વિવિધ કૉલેજોમાં પ્રાધ્યાપન કાર્ય કર્યું અને વિભાગીય વડા તરીકે પણ કામગીરી બજાવી. તેમણે ફ્રેન્ચ ઉપરાંત બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો હતો, અને તેને લીધે ગુજરાતી સાહિત્યને તેમની પાસેથી ફ્રેન્ચ અને બંગાળી સાહિત્યકારોનો પરિચય પ્રાપ્ત થયો.

ફ્રેન્ચ કવિ બૉદલેર અને બંગાળી કવિ રવીન્દ્રનાથ ટાગોર વિશેના અભ્યાસલેખો ગુજરાતી અભ્યાસુઓને નિરંજન ભગત પાસેથી મળેલો અભૂતપૂર્વ ખજાનો છે.

તેમની સર્જનપ્રવૃત્તિનો પ્રારંભ 1942માં થયો હતો. 1949માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘છંદોલય’ પ્રકાશિત થયો હતો, જેને કુમાર ચંદ્રક (1949) એનાયત થયો હતો. ચન્દ્રકાન્ત ટોપીવાળાના મતે ‘છંદોલય’ એ નિરંજન ભગતનો “નાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતાનો નવો વળાંક સૂચવતો તથા માંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્યબંધનો અનોખો આસ્વાદ આપતો કાવ્યસંગ્રહ છે.” 1950માં ગીતસંગ્રહ ‘કિન્નરી’ મળ્યો. જેનાં ગીતો, ‘હરિવર મુજને હરી ગયો’, ‘રે આજ આષાઢ આયો રે’ ખૂબ પ્રચલિત થયાં હતાં. 1954માં ‘અલ્પવિરામ’ જેમાં તેમના મુંબઈના વસવાટને અનુલક્ષીને કાવ્યો છે. 1957માં પૂર્વે પ્રકાશિત સંગ્રહોમાંથી ચૂંટીને અને નગરકવિતાના સીમાચિહ્નરૂપ કવિતા ‘પ્રવાલદ્વીપ’ ઉમેરીને નવો સંગ્રહ ‘છંદોલય’ પ્રગટ થયો હતો, જેને નર્મદ ચંદ્રકથી નવાજવામાં આવ્યો હતો. ‘33 કાવ્યો’ નામે મનુષ્યો વચ્ચેના આંતરસંબંધો ને અનુલક્ષતો કાવ્યસંગ્રહ આપણને 1958માં મળે છે.

આ બાદ તેમની કાવ્યસર્જનપ્રવૃત્તિ લગભગ અટકી ગઈ હતી અને ત્યાર બાદનાં લગભગ વીસ વર્ષોમાં લખાયેલી ત્રણેક જેટલી કવિતાઓ ઉમેરીને 1974માં તેમનો સમગ્ર સંચય ‘છંદોલય (બૃહત્)’ પ્રકાશિત થયો હતો જેની બીજી આવૃત્તિ 1997માં પ્રગટ થઈ હતી. તેમના સમગ્ર સર્જનને ધ્યાનમાં રાખીને 1969નો પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો હતો, અને 1994માં મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત તેમને 1998માં પ્રેમચંદ સુર્વણ ચંદ્રક, 1999માં સાહિત્ય અકાદમી પુરસ્કાર, 2000માં સચ્ચિદાનંદ સન્માન, તથા 2001માં નરસિંહ મહેતા પુરસ્કાર મળ્યા હતા.

નિરંજન ભગત એક સશક્ત અભ્યાસુ અને વિવેચક તરીકે તેમની પાસેથી આપણને અન્ય મહત્ત્વના ગ્રંથો પણ મળે છે. ‘કવિતાનું સંગીત’ (1953) તેમનો પ્રસિદ્ધ લઘુલેખ છે, જેમાં પ્રો. બ.ક. ઠાકોરની કવિતાઓના સંદર્ભમાં કવિતાના સંગીતને વિશે માંડીને વાત કરી છે. ‘આધુનિક કવિતા : કેટલાક પ્રશ્નો’ (1972) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ભોળાભાઈ પટેલના પ્રશ્નોના ઉત્તરરૂપે લખાયેલું લખાણ છે. ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ (પૂર્વાર્ધ, 1975)માં અતિશય ક્લિષ્ટ પણ મહત્ત્વના વિષયને લઈને તેમનો વિચારપિંડ પ્રસ્તુત થયો છે. નિબંધના કુલ સાત ખંડોમાંથી અહીં પ્રથમ પાંચ ખંડ પ્રસિદ્ધ થયા છે. ‘ન્હાનાલાલની ઊર્મિકવિતા’ (1975) ઉપરાંત એમણે ‘કવિતા કાનથી વાંચો’ (1972), ‘મીરાંબાઈ’ (1976), કવિ ‘ન્હાનાલાલ’ (1977), ‘ડબ્લ્યુ.બી. યિટ્સ’ (1979) અને ‘ઍલિયટ’ (1981) જેવી પરિચયપુસ્તિકાઓ પણ આપી છે. તેમના જીવનભરના અભ્યાસના પરિપાકરૂપે તેમણે જે અખંડ વિચારયજ્ઞ આદર્યો તેના ફળસ્વરૂપે સન 1998માં 8 ખંડોમાં વિભાજિત ‘સ્વાધ્યાયલોક’ એકસાથે તેમણે ગુજરાતી પ્રજાને ખોળે રમતો મૂક્યો. જેના માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

આ ઉપરાંત ‘પ્રો. બ.ક. ઠાકોર અધ્યયનગ્રંથ’ (અન્ય સાથે, 1969), ‘સુંદરમ્ : કેટલાંક કાવ્યો’ (1970) અને ‘મૃદુલા સારાભાઈ–પ્રથમ પ્રત્યાઘાત : બાપુની બિહારયાત્રા’ (1981) એમનાં સંપાદનો છે. એમણે ‘ચિત્રાંગદા’ (1965) અને ‘ઑડેનનાં કાવ્યો’ (અન્ય સાથે, 1976) જેવા અતિશય નીવડેલા અનુવાદો પણ આપ્યા છે.

(તસવીર સૌજન્ય: સંજય વૈદ્ય)