ગુજરાતી સુગમ સંગીતના મોભી નીનુ મજમુદાર ગુજરાતી ભાષાના કવિ અને અનુવાદક પણ હતા. નીનુ મજમુદારનો જન્મ વડોદરામાં 9 નવેમ્બર, 1915ના રોજ થયો હતો. 1931માં ફિલ્મનિર્માણના વ્યવસાય સાથે જોડાયેલા પિતા નાગેન્દ્રભાઈની સાથે મુંબઈ જઈને વસ્યા હતા. બાળપણમાં ઉસ્તાદ ફૈયાઝખાં અને ઉસ્તાદ ઇમામઅલીખાન પાસે તેમણે સંગીતની તાલીમ લીધી હતી. 1934માં મૅટ્રિક પાસ કર્યું અને બાગાયતવિદ્યાનો અભ્યાસ 1937થી 39 દરમિયાન કર્યો. શરૂઆતમાં કારકિર્દીનો પ્રારંભ પત્રકારત્વથી કર્યો. બાદમાં તેઓ બાંસુરીવાદન, પાર્શ્વગાયન અને સંગીતનિર્દેશના વ્યવસાયમાં ઝંપલાવ્યું. મુંબઈના આકાશવાણી કેન્દ્રમાં સંગીતનિર્માતા તરીકે 1953થી 1975 દરમિયાન સેવા આપી હતી. નિવૃત્તિ બાદ તેમણે ‘સીતાયન’ અને બીજાં સંગીતનાટકો લખ્યા હતા. તેમનું અવસાન 3 માર્ચ, 2000ના રોજ થયું હતું.
નીનુભાઈએ 96 મૌલિક રચનાઓ અને 37 અનુવાદિત કવિતાઓનો સંગ્રહ ‘નીરમાળ’(1966) આપ્યો છે. તેમની કવિતાઓ મુખ્યત્વે ગીત કાવ્યપ્રકારમાં છે. તેમણે ગઝલ અને છંદોબદ્ધ રચનાઓ પણ લખી છે. તેમની કવિતાઓ અનેક રીતે ગાઈ શકાય છે પરંતુ સમગ્ર કાવ્યત્વનો અનુભવ કરાવતી નથી. જોકે, કવિતાઓ ગેયતાને કારણે પ્રસિદ્ધિ પામી છે. સુરદાસ, રવીન્દ્રનાથની હિન્દી-બંગાળી રચનાઓ અને ભોજપુરીનાં ગીતોનો અનુવાદ તેમણે કર્યો છે. તેમની ગઝલો ‘ગુલઝારે શાયરી’(1961)માં સંપાદિત છે.
નીનુભાઈએ હિંદી ફિલ્મ ‘ગોપીનાથ’માં આપેલું સંગીત નોંધપાત્ર છે. તેમણે અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. વી. શાંતારામે 1956માં બનાવેલી દસ્તાવેજી ફિલ્મ ‘ગુજરાતનું લોકસંગીત’નું સંગીત-નિર્દેશન નીનુભાઈએ કર્યું હતું.