Neerav Patel Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નીરવ પટેલ

અગ્રણી કવિ અને સંપાદક

  • favroite
  • share

નીરવ પટેલનો પરિચય

તેમનો જન્મ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના ભુવલડી મુકામે પિતા હીરાભાઈ અને માતા દીવાબહેનને ત્યાં થયો. ખેતમજૂરી અને ચર્મકામથી ગુજરાન ચલાવતા. ગરીબી–હાડમારી વચ્ચે સબડતા નિરક્ષર કુટુંબના નીરવ પટેલ ભણવામાં તેજસ્વી રહ્યા. એસ.એસ.સી.માં ડિસ્ટિન્ક્શન સાથે ઉત્તીર્ણ થઈને અમદાવાદની સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ત્રણ વર્ષ અભ્યાસ, અભ્યાસ દરમ્યાન કેટલીક જાતિગત મુશ્કેલીઓ વચાળે અક્ષરની આંટીઘૂંટીએ પુનઃ અભ્યાસમાં મન પરોવ્યું ને નીરવભાઈ ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે 1969માં સ્નાતક અને ત્યાર બાદ એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે 1998માં અનુસ્નાતક થયા. 2009માં ‘Gujarati Dalit Poetry (1978-2003)’ વિષય પર ડૉ. ડી.એસ. મિશ્રાના માર્ગદર્શન હેઠળ એસ.પી. યુનિવર્સિટીમાંથી એમણે નિવૃત્તિના આરે આવીને પીએચ.ડી.ની પદવી મેળવી.

નીરવભાઈ વ્યવસાયે થોડો સમય કલેકટર કચેરીમાં કારકુન તરીકે જોડાયેલા. પછી 1971ની આસપાસ સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ મૅનેજરપદે જોડાયા તે છેક 2009 સુધી ત્યાં જ રહ્યા. નોકરી દરમિયાન રખિયાલની જીવણલાલની ચાલીમાં વીસેક વર્ષ રહ્યા, ત્યાર બાદ વેજલપુર અંતિમ મુકામ રહ્યું. વ્યવસાયમાં જેટલી સહજતાથી સ્થાયી થયા એટલી સરળતાથી દાંપત્યજીવનમાં સ્થાયી ન થઈ શક્યા. પ્રથમ લગ્નમાં વિચ્છેદ, દ્વિતીય સવર્ણ પત્નીનો અલ્પસંગ, તૃતીય પત્ની સાથે અણમેળ—એમ ત્રિ-તાવણી બાદ જસુમતીબહેન સાથેનું દામ્પત્યજીવન સુખરૂપ રહ્યું.

પુત્રના સ્વમાનના નામ પર ‘સ્વમાન ફાઉન્ડેશન ફૉર લિટરેચર’ સંસ્થા સ્થાપી. ‘આક્રોશ’, ‘કાળો સૂરજ’, ‘વાચા’, ‘સર્વનામ’, ‘સ્વમાન’, ‘દલિત બ્રધરહુડ’, ‘તોડફોડ’ ઇત્યાદિ સામયિકોનું સંપાદન પણ કરી ચૂકેલા નીરવભાઈએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ જેવાં અંગ્રેજી અખબારોમાં પણ પ્રસંગોપાત્ત લખ્યું છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં ‘લોકલ ચેનલ’ નામની સંયુક્ત કૉલમ અંતર્ગત નીરવ પટેલ અને મનીષી જાનીએ લગભગ દોઢેક વર્ષ સુધી ટેલિવિઝન કાર્યક્રમના પ્રતિભાવ લખેલા.

ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અનુઆધુનિક કે આધુનિકોત્તર તરીકે ઓળખાતા ગાળા(1985થી આજ સુધી)ના અગ્રણી કવિઓમાંના આ એક. સર્જકના બે પ્રકાર હોય છે—મુગ્ધ અને સંપ્રજ્ઞ. કોઠાસૂઝથી સંવેદનાને વ્યક્ત કરતા કવિ મુગ્ધ હોય છે, પરંતુ પોતાના સર્જન પર પણ ચાંપતી નજર રાખનાર કવિ સંપ્રજ્ઞ હોય છે. ગુજરાતીમાં દલિત સાહિત્યનો હવે બળૂકો ઇતિહાસ છે, એ ઇતિહાસમાં નીરવ પટેલ પોતાની સત્ત્વ સંપત્તિથી સ્વતંત્ર દાવો કરી શકે તેવા પ્રતિરોધી સાહિત્યના અગ્રણી દલિત સર્જક છે. દલિત કવિ નીરવ પટેલની પ્રથમ કવિતા ‘વિવેક આનંદ’ નામના કૉલેજ સામયિકમાં ડૉ. પિનાકીન દવેએ પ્રકાશિત કરેલી. ત્યાર બાદ મૂળે તો ચળવળના ભાગરૂપે સાહિત્યિક પરિવેશમાં નીરવભાઈનો દલિત કવિ તરીકેનો પગરવ ‘ગુજરાત દલિત પેંથર’ના પ્રમુખ ડૉ. રમેશચંદ્ર પરમારના દલિત ‘પેંથર’, ‘આક્રોશ’ સામયિકો થકી થયો. નીરવભાઈ એ સમયે ‘પેંથર’માં બ્લૅક પોએટ્રીના અનુવાદોમાં પણ સક્રિય રહ્યા. ‘ગુજરાત દલિત પેંથર’એ જ નીરવભાઈના બે અંગ્રેજી કવિતાસંગ્રહો પ્રકાશિત કર્યા છે : 1. ‘Burning from the both ends’ (1980), 2. ‘What did i do to be so black and blue’(1987). સ્વમાન ફાઉન્ડેશન અંતર્ગત ‘સર્વનામ’ સામયિક દ્વારા એમણે દલિત-વિમર્શને યોગ્ય પરિપ્રેક્ષ્ય આપવાની કોશિશ કરેલી. પ્રખર દલિતવાદી આ કવિને મન ‘દલિત' સંજ્ઞા એટલે કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ સમાજનો એક એવો વર્ગ જે આપણી સમાજવ્યવસ્થામાં કોઈ પણ રીતે હડધૂત, અપમાનિત કે દમિત થયેલો છે. નીરવ પટેલની કાવ્યરીતિ મુખ્યત્વે ગદ્ય આધારિત છે. નીરવ પટેલ માત્ર કોઈ નાત કે કોઈ જાત પૂરતા સીમિત ન રહીને સમગ્ર માનવજાતના કવિ હોવાનું ગૌરવ મેળવી શક્યા છે. ‘બહિષ્કૃત ફૂલો’ (2006), ‘વૉન્ટેડ પોએટ્સ’, ‘બર્નિંગ ફ્રૉમ બોથ ધ એન્ડસ્' (અંગ્રેજી, 1980), ‘વૉટ ડીડ આઈ ડુ, ટુ બી સો બ્લૅક ઍન્ડ બ્લ્યૂ’ (અંગ્રેજી, 1987), સંપાદન : ‘ગુજરાતી દલિત કવિતા’ (2006) એમનાં સર્જનો છે.

એમનાં કાવ્ય વિષયવૈવિધ્ય, મુખર ધ્વનિ, દલિતચેતના, વિદ્રોહી, અને વ્યંજનાગત સૂર, લોકભાષા, બોલચાલનાં લય–લઢણ–કાકુ તેમ જ અપશિષ્ટ ભાષાનો સણસણતો વિનિયોગ, પારંપરિક પાત્ર, ઘટના, પ્રસંગ, કહેવત-રૂઢિપ્રયોગની નવીનતમ માવજત, પરંપરાગત રચનારીતિ અને છંદપ્રયોગને બદલે અછાંદસ—આ બધાં થકી વિશેષ નોંધપાત્ર બન્યાં છે. ‘જેતલપુર હત્યાકાંડ’, ‘ગોલાણાના પીટરને’ (ગોલાણાનો હત્યાકાંડ), ‘મૈં જિહાદી બન જાઉંગા’ (ગોધરાકાંડ) વગેરે કાવ્યોમાં સાંપ્રત ઘટનાઓનું સચોટ નિરૂપણ છે. ‘સંસદ સદસ્યાની સોગંધવિધિ’, ‘કૉલેજિયન શબરીની વ્યથા’, ‘દલિત દંપતીને ઠાલો દિલાસો’, ‘For Adults only’ અને ‘મે આઈ હેલ્પ યૂ’ જેવી કવિતામાં સ્ત્રીઓ પર થતા અત્યાચાર અને બળાત્કારની વાત, ‘હું ન ડોશી’, ‘મારો શામળિયો’, ‘કાળિયો' જેવાં કાવ્યો સઘન વ્યંજકતાનો સૂર, ‘સૂટ પહેરેલો સૂરજ’ કાવ્યમાં ડૉ. આંબેડકરના અવસાન બાદ તેમની દલિતોદ્ધાર અંગેની વિચારધારા કેવી નિર્માલ્ય બની છે તે કવિ ધારદાર શબ્દોમાં અભિવ્યક્ત કરે છે. તેમણે પારિવારિક સંબંધોનું ચિત્રણ કરતી કવિતાઓ પણ રચી છે : પિતાનું પદ્યચરિત્ર ‘હીરાકુંડ’, પ્રેયસીપત્ની સાથેનો આંતરિક સંવાદ ‘કવિતા કરવાનું કહો છો’ અને પુત્રી ઋચા પ્રત્યેની સાંવેદનિક ભરતી ‘ઋચાને પત્ર’ તેમ જ પુત્રમિલાપની ઝંખના ‘જ્યોતિર્’ કવિતામાં નિરૂપાઈ છે.

પ્રવીણ ગઢવી લખે છે તેમ, “એની કવિતામાં ક્રાંતિનો આક્રોશ છે. તે નીરવ-શાંત નથી, પરંતુ સરવ છે, વિરવ છે, વિદ્રોહી રવ છે. બોલકો, તોફાની મેઘની જેમ ગર્જતો કવિ છે.” જૉસેફ મૅકવાન કહે છે, “નીરવ દલિત કવિતાનો કલમવીર ને કડખેદ છે. એના વિના દલિત કવિતાક્ષેત્રે અલૂણું લાગે.” સુમન શાહ કહે છે, “માઈકોવ્સ્કી, વાલ્ટેર, રુસોમાં ભાષાની જે તાકાત છે તે નીરવમાં છે.” સિતાંશુ યશશ્ચંદ્ર કહે છે, “આટલી વેદનાઓ વેઠવાનું ગજું બહુ ઓછા માણસોનું હોય છે.”

‘બહિષ્કૃત ફૂલો’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું 2005નું મહેન્દ્ર ભગત પારિતોષિક પ્રાપ્ત થયેલું છે. ગુજરાત સરકારનો 2007-08ના વર્ષનો કબીર ઍવૉર્ડ ઉપરાંત ભારતીય દલિત સાહિત્ય અકાદમીનો વર્ષ 2018નો રાષ્ટ્રીય ઍવૉર્ડ પણ એનાયત થયેલો છે. નીરવભાઈની કવિતાઓ અંગ્રેજી, ઉર્દૂ, બંગાળી અને મલયાલમ જેવી ઇતર ભાષાઓમાં પણ અનુવાદિત થઈ છે.