Nayan H. Desai Profile & Biography | RekhtaGujarati

નયન હ. દેસાઈ

આધુનિક શૈલીના પ્રયોગશીલ કવિ

  • favroite
  • share

નયન હ. દેસાઈનો પરિચય

  • જન્મ -
    22 ફેબ્રુઆરી 1946
  • અવસાન -
    12 ઑક્ટોબર 2023

તેમનો જન્મ 22 ફેબ્રુઆરી, 1946ના રોજ સુરત જિલ્લાના કઠોદરામાં હર્ષદરાય અને ઇન્દુમતીબેનને ત્યાં થયો હતો. તેમનું મૂળ વતન વાલોડ. બાળપણ સિકેર ગામમાં. 1965માં મેટ્રિક પૂર્ણ કર્યા પછી, તેમણે 14 વર્ષ હીરાની ફેક્ટરીમાં તેમજ સંઘાડિયાવાડના તેમના જ ઘરમાં હીરાની ઘંટી પર હીરા ઘસતા કામ કર્યું. ભગવતીકુમાર શર્માએ એ કામ છોડાવીને તેમને 1980માં ‘ગુજરાત મિત્ર’ નામના ગુજરાતી દૈનિકમાં ઉપ-સંપાદક તરીકે જોડ્યા. 12 ઓક્ટોબર 2023ના રોજ 77 વર્ષની ઉંમરે સુરત ખાતે તેમનું અવસાન થયું હતું.

   ‘રાનેરી બોર’ કરીને એણે કદાચ પહેલી વાર્તા લખેલી અને એ, તે વખતના શ્રેષ્ઠ વાર્તામાસિક ‘આરામ’માં પ્રગટ થયેલી. એ પછી તો ‘ઈશાની દલાલ’ના નામથી ‘ગુજરાતમિત્ર’માં ઢગલો છાપાળવી વાર્તાઓ પણ લખી. નાટકો લખ્યાં, એમાં બહુ ફાવ્યા નહીં, પણ એ અધૂરી આરત પોષવા ગઝલમાં નાટક એણે સફળતાપૂર્વક ઉતાર્યું.     તેમની પાસેથી પ્રાયોગિક, વૈવિધ્યસભર, 58 કાવ્યોનો - બહુધા ગઝલ અને કેટલાક ગીતો સમાવતો  ‘માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો’ (1979) અને ‘મુકામ પોસ્ટ માણસ’ (1982) નામે કાવ્યસંગ્રહ મળે છે. આ ઉપરાંત ‘આંગળી વાઢીને મોકલું’ (1984), ‘અનુષ્ઠાન’, ‘સમંદર બાજ માણસ’, ‘દરિયાનો આકાર માછલી’, ‘તઝ્મિનાત્’, ‘કેર ઓફ નયન દેસાઈ’, ‘મેઘધનુષના મેળામાં’, ‘શ્રુતિસાગર’, ‘ઝાલર અનાહત નાદની’ તેમના અન્ય પ્રકાશિત ગીત-ગઝલ તેમજ લઘુકાવ્યના સંગ્રહો છે. ‘નયનનાં મોતી’ (2005) તેમની સમગ્ર કવિતાનો સંગ્રહ છે. ‘ધૂપ કા સાયા’ તેમનો ઉર્દૂ ગઝલસંગ્રહ છે.

  તેમના સર્જનને બિરદાવતા ‘મુકામ પોસ્ટ માણસ’ (1982) સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ‘ધૂપ કા સાયા’ને ઉર્દૂ સાહિત્ય અકાદમીના પુરસ્કાર એનાયત થયા હતા. ભારતીય ગીત કવિતામાં નોંધપાત્ર પ્રદાન બદલ ભારતીય રાષ્ટ્રીય રંગમંચ દ્વારા 2013માં કલાપી એવોર્ડ, ગુજરાતી કવિતામાં યોગદાન બદલ 2016માં કવિશ્વર દલપતરામ પુરસ્કાર, ઉપરાંત ‘મેઘાણી એવોર્ડ’, ‘જયંત પાઠક સુવર્ણ ચંદ્રક’ જેવાં સન્માનો પણ મળ્યાં છે.