Nathuram Sundarji Shukla Profile & Biography | RekhtaGujarati

નથુરામ સુંદરજી શુક્લ

ગુજરાતી કવિ, નાટ્યકાર,ચરિત્રકાર અને અનુવાદક

  • favroite
  • share

નથુરામ સુંદરજી શુક્લનો પરિચય

  • જન્મ -
    18 માર્ચ 1862
  • અવસાન -
    18 એપ્રિલ 1923

તેમનો જન્મ 18 માર્ચ, 1862ના રોજ રાજકોટ જિલ્લાના વાંકાનેર થયો. પ્રાથમિક શિક્ષણ ગામઠી શાળામાં મેળવ્યું. સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરનાર તેમણે ધ્રાંગધ્રાના રાજવીની સહાયથી કાશીમાં સંસ્કૃત કાવ્ય, અલંકારશાસ્ત્ર અને નાયિકાભેદનો અભ્યાસ પણ કર્યો. ઉપરાંત વૈદરાજ લક્ષ્મીશંકર નરોત્તમ ભટ્ટને ગુરુપદે સ્થાપી તેમની પાસેથી સંસ્કૃત સાહિત્યના વૈદકનો અભ્યાસ કર્યો. 1891માં તેમણે પોતાની માલિકીની શ્રી વાંકાનેર વિદ્યાવર્ધક નાટક મંડળી નામે સંસ્થા શરૂ કરી પણ સમયાંતરે સંચાલન અનુભવના અભાવે 1907માં બંધ કરવાની ફરજ પડેલી. તા.18 એપ્રિલ, 1923ના રોજ અવસાન એટલે છ દાયકા જીવેલા આ સર્જક પોતાના પ્રદાનથી આરંભિક ગુજરાતી રંગભૂમિના પાયામાં મહત્ત્વના પથ્થર સમાન બની રહ્યા.

દરબારી કવિ અને ભાવનગરના રાજા તખ્તસિંહજી પાસેથી ‘રાજકવિ’નું બિરુદ પામેલા આ કવિનાં મોટાભાગનાં કાવ્યો ‘કવિતાસંગ્રહ’(1816)માં સંગ્રહિત છે. ‘શૃંગારસરોજ’ શૃંગાર કાવ્યોનો સંગ્રહ છે. ઉપરાંત ‘ઋતુવર્ણન’, ‘વિવેકવિજય’, ‘શ્રીકૃષ્ણબાળલીલાસંગ્રહ’, ‘ભાવવિરહબાવની’, ‘ત્રિભુવનવિરહ’, ‘અમરકાવ્યકલાપ’ આદિ કાવ્યગ્રંથ આપ્યા છે. ‘તખ્તવિરહબાવની’ અથવા ‘ભાવવિરહબાવની’(તખ્તસિંહજીને અંજલિ),‘ત્રિભુવનવિરહ’(ત્રિભોવનદાસ શાહના અવસાન નિમિત્તે) અંજલિ અર્પતાં વિરહકાવ્યો આપ્યાં છે. તેમણે ‘સતી સોન યાને હલામણ જેઠવો’, ‘હરિશ્ચંદ્ર’(હિંદી), ‘ગુમાનસિંહ’, ‘કબીરવિજય’, ‘માધવ કામકુંડલા’, ‘સીતાસ્વયંવર’, ‘સૌભાગ્યસુંદરી’, ‘ચંદ્રકાન્ત’, ‘ઇંદુમતી’, ‘ધ્રુવકુમાર’, ‘સૂર્યકમળ’, ‘તુકારામ’, ‘નટી-નટવર’, ‘ભક્તિવિજય’, ‘બિલ્વમંગળ યાને સુરદાસ’, ‘નાગરભક્ત નરસિંહ મહેતા’, ‘શહેનશાહ અકબર’, ‘યોગકન્યા’, ‘પિતૃભક્ત પ્રભાકર’, ‘પદ્માવતી યાને જયદેવ’, ‘કૃષ્ણબાળલીલા’ અને ‘પ્રતાપ પ્રતિજ્ઞા’ વગેરે નાટકો આપ્યાં. જેમાંના વીસેક નાટકો જુદી જુદી સંસ્થાઓએ ભજવ્યાં પણ ખરાં. એમણે ‘ભરતનાટ્યશાસ્ત્ર’નું ગુજરાતીમાં રૂપાંતર, ‘કાવ્યશાસ્ત્ર’ અને ‘નાટ્યશાસ્ત્ર’ અને ‘સંગીતશાસ્ત્ર’(1918) આદિ ગ્રંથો, ‘શ્રીકૃષ્ણબાળલીલાસંગ્રહ’ નામે બાળલીલા સંક્ષેપ, ‘તખ્તશત્રિવેણિક’ નામે જીવનચરિત્ર આદિ કૃતિઓ આપી  છે.