નાથાલાલ દવેનો પરિચય
- મૂળ નામ - નાથાલાલ ભાણજી દવે
- ઉપનામ - સાદુળ ભગત
સાદુળ ભગત અને અધીરા ભગતના નામથી ખ્યાતિ પામેલા નાથાલાલ અનુગાંધીયુગના મહત્વના કવિ અને વાર્તાકાર છે. તેમનો જન્મ 3 જૂન, 1912ના રોજ ભાવનગરના ભુવા ખાતે થયો હતો. પિતા ભાણજી કાનજી દવે અને માતા કસ્તૂરબાના પુત્ર નાથાલાલે પ્રાથમિક શિક્ષણ ભુવામાં, માધ્યમિક શિક્ષણ કુંડલા ખાતે લીધું હતું. ઉચ્ચ શિક્ષણ ભાવનગર (બી.એ. 1934, મુખ્ય અંગ્રેજી) અને વડોદરા ખાતે (એમ.એ. 1936, મુખ્ય વિષય ગુજરાતી. બી.ટી. 1943) લીધું.
કારકિર્દીની શરૂઆત શિક્ષકથી કરી હતી, અંતે 1970માં માંગરોળની જી.બી.ટી.સીમાંથી આચાર્ય તરીકે નિવૃત થયા હતા. ‘સરસ્વતી’ (1953–1956) અને ‘જીવનશિક્ષણ’ (1956–1957) માસિકનું તંત્રીપદ સંભાળેલું. થોડોક સમય ‘ભાવનગર સાહિત્ય સભા’ના મંત્રી અને ‘સાહિત્યભારતી’, ભાવનગરના અધ્યક્ષ રહ્યા. તેમનું અવસાન 25 ડિસેમ્બર, 1993 ભાવનગર ખાતે થયું હતું.
‘કાલિંદી’ (1942), ‘જાહનવી’ (1961), ‘અનુરાગ’ (1973) અને ‘પિયા બિન’ (1978) તેમના કવિતાસંગ્રહ છે. રમણીય વર્ણનો, સુંદર ભાવ, છંદો અને ગેય ઢાળો પરનું તેમનું પ્રભુત્વ તેમની કવિતાઓ પરથી નજરે પડે છે. ‘જાહનવી’ અને ‘અનુરાગ’ને ગુજરાત રાજ્ય દ્વારા શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનો પુરસ્કાર મળ્યો.
‘ઉપદ્રવ’ : 1, 2 (1974; 1979) અને ‘હળવે હાથે’(ઉપદ્રવ : 3, 1982) કટાક્ષથી જન્મતા હાસ્યથી લખાયેલી કવિતાઓ છે. જે ગુજરાતી સાહિત્યમાં તેમનું વિશિષ્ટ પ્રદાન છે. ‘હસાહસ’ માસિક દ્વારા ‘ઉપદ્રવ’ને 1978થી 1984ના ગાળાની શ્રેષ્ઠ હાસ્યકૃતિનું પ્રથમ ઇનામ મળ્યું.
મુક્તકસંગ્રહ ‘મુખવાસ’ (1983); ભક્તિકાવ્યોનો સંચય ‘આનંદધારા’ (1989), કવિવર ટાગોરનાં કાવ્યોના સુંદર પદ્યાનુવાદનો સંગ્રહ ‘રવીન્દ્ર-વૈભવ’ (1986), ‘પ્રીતનો ગુલાબી રંગ’ (1981), ‘ઉપહાર’ (1987), ‘ગાયે જા મારા પ્રાણ’ (1988) અને ‘પ્રણયમાધુરી’ (1991) તેમના અન્ય કાવ્ય-સંગ્રહો છે.
દેશ-વિદેશની ઘટનાઓ, ગ્રામ ઉત્કર્ષ, ભૂદાનપ્રવૃત્તિ, ચૂંટણી અને જનતામાં જાગૃતિ આવે તેવા વિષયોને લઈને લખેલી કવિતાઓ ‘સ્વાતંત્ર્યપ્રભાત’ (1947), ‘જનતાને કંઠે’ (1952), ‘મહેનતનાં ગીત’ (1952), ‘લોકકંઠે’ (1953), ‘ભૂદાન યજ્ઞ’ (1959), ‘સોનાવરણી સીમ’ (1975), ‘હાલો ભેરુ ગામડે’ (1979), ‘ચુનાવ પર્વ’ (1979), ‘ભીની માટીની સુગંધ’ (1981), ‘સીમ કરે છે સાદ’ (1982), ‘જનજાગૃતિનો ઉત્સવ’ (1982), ‘ચુનાવ ચક્રવાત’ (1989)માં સંગ્રહાયેલી છે. ‘વિરાટ જાગે’ (1948) નાટક અને સંગીત-રૂપક ‘ભૂદાન યજ્ઞ’ (1953) પણ વિશિષ્ટ ગ્રંથ છે.
‘નવું જીવતર’ (1945), ‘ભદ્રા’ (1945), ‘ઊડતો માનવી’ (1977), ‘શિખરોને પેલે પાર’ (1977) અને ‘મીઠી છે જિંદગી’ (1983) તેમના વાર્તાસંગ્રહો છે. તેમની વાર્તાઓમાં વિષય વૈવિધ્ય, રસપ્રદ વર્ણનો, પાત્રોનું બારીકાઈથી થયેલું લેખન અને સ્પષ્ટતા જોવા મળે છે.
નલિનીકાન્ત ગુપ્તાના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ ‘શ્રી અરવિંદયોગદર્શન’ (1942) તથા હરદયાલુસિંહ લિખિત કથાસારનો ‘મુદ્રારાક્ષસ’ (1956)ના નામે અનુવાદ કર્યો છે.
હરગોવિંદ પ્રેમશંકરે લખેલી કવિતાઓ ‘રુબાઈયાત અને બીજાં કાવ્યો’ (1946), ‘ચંદ્રગુપ્ત મૌર્ય અને બીજાં કાવ્યો’ (1948) તથા નાટક ‘વેનવધ’(1947)ના સંપાદન તેમણે આપ્યાં છે. ‘સાહિત્યપરાગ’ (1938) અને શ્રી અંબાણી સાથે ‘સાહિત્ય પાઠમાલા 1,2,3’ (1938) તેમનાં ગુજરાતી પાઠ્યપુસ્તકોનાં સંપાદન છે.
ગ્રામસમાજની સચિત્ર વાચનપોથી ‘ચાલો વાંચતાં શીખીએ’ 1, 2, 3 તેમણે ચુનીભાઈ ભટ્ટ અને હીરાબહેન પાઠક સાથે મળીને તૈયાર કરી છે. હાસ્યરસિક ટુચકાઓનું સંપાદન ‘મોતી વેરાયાં ચોકમાં’(1993)ના નામે કર્યું.
‘રવીન્દ્ર-વૈભવ’ને શ્રેષ્ઠ પદ્યાનુવાદ માટે ડૉ. લાખાણી સુવર્ણચંદ્રક, ‘ભદ્રા’ને ન. મા. સુરતી પારિતોષિક; ‘શિખરોને પેલે પાર’ને 1970–1980ના દાયકાના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે ‘સજની’ વાર્તામાસિક દ્વારા પુરસ્કૃત કરાયું. આ ઉપરાંત ગુજરાત સરકારનું પારિતોષિક તથા જયંત ખત્રી ઍવૉર્ડ મળ્યો. વિસનગરના પારેખ પુસ્તકાલય દ્વારા 1983ના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તેમના ‘મીઠી છે જિંદગી’ ઇનામ મળ્યું.