નરસિંહ મહેતાનો પરિચય
નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં ઈ.સ. 1408માં નાગર બ્રાહ્મણ કૃષ્ણદાસ મહેતા અને માતા દયાકોરબેનને ત્યાં થયો હતો. નાની ઉંમરે માતા-પિતાના ગુજરી જવાથી ભાઈ-ભાભીને આશ્રિત રહેવું પડેલું. દંતકથા મુજબ ભાભીએ મહેણું મારતાં આત્મજાગૃતિ થઈ હોઈ ગૃહને ત્યાગી તપ થકી મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવે તેમને કૃષ્ણની રાસલીલાનાં દર્શન કરાવ્યાં. ગોકુળ, મથુરા, વગેરે સ્થળોએ ફરીને આવીને તેમણે સંવત 1433-35માં જૂનાગઢમાં રહી કીર્તનો રચવા માંડ્યાં. નાગર જેવી ઉચ્ચ જાતિના હોવા છતાં અછૂતોના વાસમાં જઈ ભજનો ગાનાર અને આખ્યાનો કરનાર સમાજસુધારક કહી શકાય તેવા વિરલ વ્યક્તિ હતા. તેમનો દેહવિલય ઈ.સ. 1480માં માંગરોળમાં થયો હોવાનું મનાય છે.
ગુજરાતી સાહિત્યના મધ્યકાલીનયુગના પ્રતિનિધિ, પ્રેમલક્ષણા ભક્તિપરંપરાના ઉદ્ગાતા એવા નરસિંહ મહેતા મુખ્યત્વે દેશી ઢાળમાં રચાયેલ તેમનાં ગેય પદો થકી જાણીતા છે. તેમની કૃતિઓની જૂનામાં જૂની હસ્તપ્રત ઈ.સ. 1612માં મળે છે. જોકે, નરસિંહની ગણાતી રચનાઓ અંગે આજ સુધી મળતી હસ્તપ્રતોને ધ્યાનમાં રાખીને કર્તૃત્વનો પ્રશ્ન તપાસવાનો હજુ બાકી છે. નરસિંહ મહેતાના ગણાતા સમગ્ર સાહિત્યને ચાર વિભાગમાં જોઈ શકાય : 1) આત્મકથનાત્મક : પુત્રનો વિવાહ, મામેરું, હૂંડી, હાર સમેનાં પદ, ઝારીનાં પદ, હરિજનોને અપનાવ્યાનાં પદ; 2) અન્ય આખ્યાનકલ્પ : ચાતુરીઓ, સુદામાચરિત્ર, દાણલીલા; 3) કૃષ્ણપ્રીતિનાં ઊર્મિગીતો : શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો. વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો; 4) ભક્તિજ્ઞાનનાં ઊર્મિગીતો.
‘પુત્રનો વિવાહ’, ‘મામેરું’, ‘હૂંડી’, ‘હાર સમેનાં પદ’, વગેરે આત્મકથનાત્મક રચનાઓ, સ્વકથા કહેવાની ઊલટ કરતા વિશેષત: પ્રભુની પ્રભુતા પ્રગટાવતી ભક્તિવૃત્તિના ફુવારારૂપે ઝૂલણા છંદમાં નિર્માઈ છે. આ ચારે કૃતિઓને અનુગામી કવિઓએ ઉપાદાન તરીકે વાપરીને તે તે પ્રસંગ મમળાવીને રચનાઓ કરી, જે સ્પષ્ટ રીતે આખ્યાન પ્રકારની છે. નરસિંહની રચનાઓ પદોની માળા જેવી, આખ્યાનકલ્પ હતી. ‘પુત્રનો વિવાહ’ અને ‘મામેરું’ આખ્યાનના આકારમાં ઢળાવા કરતાં હોય એમ જોઈ શકાય છે. જયદેવના ‘ગીતગોવિંદ’થી નરસિંહ સુપરિચિત હોવાથી ‘ચાતુરીઓ’માં એનું સ્પષ્ટ અનુરણન છે. ‘ચાતુરી છત્રીસી’ અને ‘ચાતુરી ષોડશી’માં કૃષ્ણ-રાધાના વિરહ અને મિલનના પ્રસંગ છે. નરસિંહમાં એક બાજુ જયદેવ જેવી સંભોગશૃંગારતાની સ્થૂળતા તો બીજી બાજુ જયદેવ કરતાં વધુ બુલંદપણે પણ મુખ્યત્વે પ્રેમતત્ત્વને ખીલવનારા ચંડીદાસ-વિદ્યાપતિ કરતાં પણ વધુ સ્ફુટપણે ભક્તિનું તત્ત્વ પ્રગટ થાય છે. નરસિંહની આરંભની કવિતા ભલે જયદેવ-રંગી હોય, એને પ્રેમભક્તિની ઉચ્ચતર–શુચિતર અલૌકિક ભૂમિકા સુસાધ્ય છે. ભાલણ પૂર્વે જેમાં આખ્યાનકવિતાનો અરુણોદય જોઈ શકાય એવા ‘સુદામાચરિત્ર’ નામક સુરેખ સપ્રમાણ આખ્યાનકમાં નવ પદોમાં સુદામાની કૃષ્ણ પ્રત્યેની મૈત્રીને કેન્દ્રમાં રાખી સુદામાના મૂળ ભાવબિંદુઓને ઉપસાવી પ્રબંધઔચિત્ય દાખવી ગુજરાતી ભાષાને ગણનાપાત્ર કૃતિ આપી છે. ઝૂલણાનાં નવ પદનું ‘સુદામાચરિત્ર’ કેદારા રાગમાં ગવાવાના નિર્દેશને લીધે ‘સુદામાજીના કેદારા’ નામે પણ જાણીતું થયું છે. નરસિંહે આ આખ્યાનકલ્પ રચનામાં ભાગવતઆધારિત સુદામાની કથાનાં મુખ્ય ભાવબિંદુઓને ઉઠાવ મળી રહે એ રીતે રજૂઆત કરી છે. ‘દાણલીલા’ નરસિંહની કાવ્યશક્તિનો સુભગ પરિચય કરાવતું 78 કડીનું કથનાત્મક કાવ્ય છે. એ રીતે ‘હારમાળા’, ‘ગોવિંદગમન’, ‘સુરતસંગ્રામ’ પણ નોંધનીય છે.
‘શ્રીકૃષ્ણજન્મ વધાઈનાં પદ’, ‘કૃષ્ણજન્મ સમાનાં પદ’, અને ‘બાળલીલા’ આદિ કૃષ્ણ વાત્સલ્યપ્રીતિનાં પદો છે. ‘શ્રીકૃષ્ણજન્મ વધાઈનાં પદ’ અંતર્ગત શ્રીકૃષ્ણના જન્મના આનંદોત્સવને વર્ણવતાં દસેક પદો પ્રાપ્ત થાય છે. ‘બાળલીલા’માં કવિએ કૃષ્ણની બાળલીલા દ્વારા માનવીય માધુર્ય અને પરમાત્મમહિમાને સુપેરે પ્રગટ કર્યાં છે. ‘રાસસહસ્રપદી’, ‘શૃંગારમાળા’, ‘વસંતનાં પદ’, અને ‘હિંડોળાનાં પદ’ શીર્ષક અંતર્ગત પ્રાપ્ત થતાં શૃંગારવિષયક પદોમાં ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓમાં વિભિન્ન રીતે ગોપીઓનો કૃષ્ણ પ્રત્યેનો રતિભાવ પ્રગટ થયો છે. તેમનું ‘વૈષ્ણવજન તો..’ ગાંધીજીનું પ્રિય ભજન હતું. તો અધ્યાત્મજીવન અંગે સામાન્ય જ્ઞાનઉપદેશ આપતાં અને પરમજ્ઞાનની ભૂમિકાની ઝાંખી કરાવતાં જ્ઞાનભક્તિવૈરાગ્યનાં પણ 66 જેટલાં પદો આપ્યાં છે. કવિના જીવનના ઉત્તરાર્ધમાં રચાયાં હોવાની સંભાવના ધરાવતાં આ પદોમાં એમણે જ્ઞાન અને ભક્તિમહિમાને પ્રશસ્ય પ્રૌઢિથી નિરૂપ્યાં છે. કારકિર્દીના અંતભાગમાં તેઓ અદ્વૈતાનુભવના ગાન તરફ વળ્યા તેમાં નામદેવનો આડકતરો પ્રભાવ જણાય છે.
પ્રસાદ બ્રહ્મભટ્ટ જણાવે છે, “નરસિંહની શબ્દસૃષ્ટિ વારંવાર રસઘનતા અને ભવ્યતાનો અનુભવ કરાવે છે. કવિ પાસે લયસૂઝ પણ ખૂબ ઊંડી છે. લય-વૈવિધ્યવાળી કર્ણગોચર ને શ્રુતિગોચર અનેક આકર્ષક ધ્રુવપંક્તિઓ, પ્રાસાનુપ્રાસયુક્ત સમુચિત શબ્દવિન્યાસથી નિષ્પન્ન થતું શબ્દમાધુર્ય, લલિત કે ભવ્ય ભાવોને લીલયા મૂર્ત કરી શકે એવું અનવદ્ય ભાષાકૌશલ ઇત્યાદિથી કવિનાં અનેક પદો ઊંચા કાવ્યગુણવાળાં અને આસ્વાદ્ય બન્યાં છે. નરસિંહનો કાવ્યપિંડ ભક્તિનો બન્યો છે. નરસિંહનાં શૃંગારપ્રીતિનાં અને ભક્તિજ્ઞાનનાં પદોમાં સરળ રસઘન વાણીનો આહ્લાદક પરિચય થાય છે અને આનંદઘન અનુભૂતિનો સ્પંદ વરતાયા કરે છે.”
ઇચ્છારામ સૂ. દેસાઈસંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’ પછી અત્યાર સુધી પ્રગટ થયેલા નરસિંહના સાહિત્યમાં નરસિંહના આજીવન અભ્યાસી કેશવરામ કાશીરામ શાસ્ત્રીસંપાદિત (1) ‘નરસૈ મહેતાનાં પદ’ (208 નવાં પદો સાથે) (1965), (2) ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો’ (ઝારી, વિવાહ, મામેરું, હૂંડી, હા2) (1969) (3) ‘નરસિંહ મહેતાકૃત ચાતુરી’ (1949) એ હસ્તપ્રતોને આધારે તૈયાર કરેલી વાચનાઓ છે, સિવાય કે ‘ઝારી’નાં ચાર પદો, જે કેશવરામ શાસ્ત્રીએ ઇચ્છારામ સૂ. દેસાઈસંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ'માંથી આપ્યાં છે. કનૈયાલાલ મુનશીએ ‘નરસૈંયો ભક્ત હરિનો’ નામે જીવનચરિત્ર લખ્યું છે.
નરસિંહ મહેતાના જીવન પરથી નાનુભાઈ વકીલ દિગ્દર્શિત ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર ‘નરસિંહ મહેતા’ (1932) ગાંધીજીના પ્રભાવને લીધે ચમત્કારરહિત બનાવવામાં આવ્યું હતું. જ્યારે વિજય ભટ્ટે 1940માં બનાવેલા દ્વિભાષી ચલચિત્રમાં, જે હિંદીમાં ‘નરસી ભગત’ અને ગુજરાતીમાં પણ ‘નરસી ભગત’ નામે રજૂ થયું હતું, તેમાં ચમત્કારોનો સમાવેશ હતો અને મહેતાના જીવનને ગાંધીજીના જીવન સાથે સરખાવ્યું હતું. નિર્માતા નંદુભાઈ શાહે મૂળરાજ રાજડાના દિગ્દર્શનમાં ‘નરસૈંયો’ (1991) નામે ગુજરાતી ધારાવાહિક દૂરદર્શન પરથી પ્રસારિત કરી હતી. 1999થી આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની સ્મૃતિમાં નરસિંહ મહેતા ઍવૉર્ડ આપવામાં આવે છે.