નર્મદાશંકરનો જન્મ 1874માં લીલીઆમાં પ્રભુરામ ભટ્ટને ત્યાં થયો હતો. પચીસ વર્ષનું અલ્પાયુષ્ય ભોગવનાર આ સર્જકે પોતે જ પોતાનાં સરસ કાવ્યોનો મૃત્યુ પૂર્વે નાશ કર્યો હતો. પરંતુ એમાંથી શેષ રહી ગયેલાં વીસ કાવ્યો બ.ક.ઠા.ના પ્રવેશક અને દુર્ગાશંકર શાસ્ત્રીની ટિપ્પણ સાથે ‘શાપસંભ્રમ અને બીજી કવિતાઓ’ નામે વર્ષ 1925માં મરણોત્તર પ્રગટ થયો. જેમાં અન્યોક્તિ ‘શુષ્કવૃક્ષ’, કાલિદાસ કવિ (‘અભિજ્ઞાનશાકુન્તલમ્’ના સર્જક નહિ)ના શ્રીકૃષ્ણની ગોપીઓ સાથેની શૃંગારક્રીડાના વર્ણનકાવ્ય ‘પુષ્પબાણવિલાસ’નું સમશ્લોકી ભાષાંતર, બ.ક. ઠાકોરે કહ્યું છે તેમ પ્રસંગ નિરૂપણમાં ડગલે ડગલે મનોહર ચિત્રમયતા દાખવતું, તેમનું ઉત્તમ લેખાતું કાવ્ય ‘શાપસંભ્રમ’ ઉપરાંત અન્ય ‘પ્રતાપ અને શક્તિસિંહ’ (અપૂર્ણ) અને ખંડશિખરિણીના પ્રયોગવાળા ‘પત્ર’ આદિ ખંડકાવ્યો (કાન્તના સફળ અનુયાયી અને કોમળ ભાવવૈભવવાળાં આ ઊર્મિકાવ્યો, ખંડકાવ્યો તેમ જ વિવિધ વૃત્તપ્રયોગો શિષ્ટ, પ્રાસાદિક અને ગમી જાય એવાં છે) તેમ જ ‘દુઃખભાર’, ‘અશ્રુતિશ્રવણ’, સ્વચ્છ શાર્દૂલવિક્રીડિતમાં મુનિજનોના તપોવનનાં સુરેખ, ભાવવાહી શબ્દચિત્રો દાખવતું ‘તપોવન’, દલપતરામની અસરમાં રચાયેલ ‘કેવી સ્ત્રીનું જીવતર સફળ ગણાય?’, ‘કમમાંથી કમ થાય’, ‘નિવાપાંજલિ’, ‘સિંહનાદ’ જેવી કેટલીક આકર્ષક રચનાઓ છે.